Pakistan Energy Crisis 2026: પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ભયાનક ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પરના અવરોધોએ પાકિસ્તાનની કમર તોડી નાખી છે. પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અત્યંત ડરામણા છે. દેશમાં ક્રૂડ ઓઇલનો સ્ટોક હવે માત્ર 5 થી 7 દિવસ ચાલે તેટલો જ બચ્યો છે. જો સ્થિતિમાં તાત્કાલિક સુધારો નહીં થાય, તો પાકિસ્તાન સંપૂર્ણપણે થંભી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે પાકિસ્તાન તેની એરલાઇન્સ માટે ઇંધણની અછતની સત્તાવાર ચેતવણી (NOTAM) જારી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. પાકિસ્તાની જનતા માટે સૌથી મોટો ફટકો એ છે કે દેશ પાસે પેટ્રોલનો એક દિવસનો પણ રિઝર્વ સ્ટોક નથી. ડીઝલનો જથ્થો માંડ 26-28 દિવસ અને LPG નો સ્ટોક 15 દિવસનો છે. આ સંકટને કારણે પાકિસ્તાનમાં ફરી એકવાર મોંઘવારીનો જ્વાળામુખી ફાટી નીકળવાની શક્યતા છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને સપ્લાય ચેઈનનો ભંગ
મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવને કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ લગભગ બંધ કરી દીધો છે. આ માર્ગ વૈશ્વિક ઊર્જા બજાર માટે જીવનરેખા સમાન છે, કારણ કે દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ અહીંથી પસાર થાય છે.
નિર્ભરતા: પાકિસ્તાન તેની ઊર્જા જરૂરિયાતો માટે સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશો પર નિર્ભર છે.
પરિવહન ખર્ચ: સમુદ્રમાં વધતા જોખમને કારણે ઓઇલ ટેન્કરોના વીમાના દરો 30,000 ડૉલરથી વધીને સીધા 4,00,000 ડૉલર સુધી પહોંચી ગયા છે. આ જંગી વધારાને કારણે પાકિસ્તાન માટે ઓઇલની આયાત કરવી હવે અશક્ય જેવી બની રહી છે.
ઇંધણ બચાવવા માટે 'કોવિડ' જેવા કડક નિયમોની તૈયારી
શાહબાઝ શરીફ સરકારે ઇંધણનો વપરાશ ઘટાડવા માટે દેશમાં ઈમરજન્સી જેવા પગલાં લેવાનું શરૂ કર્યું છે. સરકારની યોજના મુજબ દેશમાં ફરી એકવાર 'વર્ક ફ્રોમ હોમ' અને ઓનલાઇન શિક્ષણ લાગુ કરવામાં આવી શકે છે.
શિક્ષણ: શાળાઓ અને કોલેજો બંધ કરી શિક્ષણને ઓનલાઇન મોડ પર લઈ જવાની તૈયારી છે.
સરકારી કચેરીઓ: સરકારી અને કોર્પોરેટ ઓફિસોમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશો અપાઈ શકે છે જેથી રસ્તા પર વાહનોની અવરજવર ઓછી થાય.
ટ્રાન્સપોર્ટ: જાહેર પરિવહન સેવાઓમાં પણ મોટા કાપની દરખાસ્ત મૂકવામાં આવી છે.
ખખડધજ અર્થવ્યવસ્થા પર 'ઊર્જા બોમ્બ'
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ આર્થિક પાયમાલીના આરે છે. વિદેશી હૂંડિયામણના અભાવ વચ્ચે આ ઊર્જા સંકટ પાકિસ્તાન માટે 'છેલ્લા ખીલા' સમાન સાબિત થઈ શકે છે. જો ક્રૂડ ઓઇલનો સપ્લાય તાત્કાલિક શરૂ નહીં થાય, તો દેશમાં વિજળી ગુલ થવાથી લઈને ઉદ્યોગો ઠપ્પ થવા સુધીની ગંભીર અસરો જોવા મળશે. નિષ્ણાતોના મતે, આ સંકટ પાકિસ્તાની રૂપિયો અને જનતાની ખરીદશક્તિને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે.





