Mahisagar LCB Raid: મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને મહીસાગર એલસીબી (LCB) ટીમે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી અને નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ઘાસના ભૂસા ભરેલા મીણીયા થેલાઓની આડમાં છુપાવીને લઈ જવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ.1 કરોડ 12 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન માફિયાઓને મોટો ફટકો આપ્યો છે.

પોલીસ અધિકારીઓની સ્પષ્ટ સૂચનાઓ બાદ કાર્યવાહી
પંચમહાલ-ગોધરા રેન્જના આઈ.જી. આર.વી. અસારી તેમજ મહીસાગર જિલ્લાના પોલીસ વડા સફીન હસન દ્વારા જિલ્લામાં દારૂની હેરાફેરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે મહીસાગર એલસીબી પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને ગુપ્ત બાતમીના આધારે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.
ચોક્કસ બાતમીના આધારે ગોઠવાઈ વોચ
આ દરમિયાન મહીસાગર એલસીબી ટીમના આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ ભરતભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક અશોક લેલેન્ડ ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીને ગંભીરતાથી લઈ એલસીબી ટીમે ઇન્દોર–અમદાવાદ હાઇવે પર બાલાસીનોર નજીક સમરસ હોટલ પાસે વોચ ગોઠવી હતી. થોડી જ વારમાં શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકી તપાસ હાથ ધરવામાં આવી.
ઘાસના ભૂસા પાછળ છુપાયેલો દારૂનો જથ્થો ઝડપાયો
ટ્રકની વિગતવાર તપાસ દરમિયાન ઘાસના ભૂસા ભરેલા મીણીયા થેલાઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે સ્થળ પર જ ગણતરી કરતા કુલ 14,688 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.97 લાખ 40 હજાર 615 થાય છે. દારૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.1 કરોડ 12 લાખ 46 હજાર 615નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરાઈ
આ કાર્યવાહીમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સાગોર તાલુકાના દિગઠાન ગામના રહેવાસી શકીલખાન લિયાકત હુસેન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. DySP કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે દારૂ ઇન્દોરથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને તે ક્યાં પહોંચાડવાનો હતો તેમજ આ ગેરકાયદે હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય ઇસમોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




















