Home Gujarat Lemon Price Hike Crosses 300 Rupees Gujarat Inflation News

મોંઘવારીનો 'ખાટો' સ્વાદ : 15 દિવસમાં લીંબુના ભાવ ચાર ગણા વધતા બજેટ ખોરવાયું, રસોડામાં હવે 'લીંબુના ફૂલ'નો વધ્યો ક્રેઝ

lemon price hike
Published by: Nirali Gohil
Last Updated: Apr 30, 2026, 08:59 AM IST

lemon price: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મોંઘવારીએ માઝા મૂકી છે. કાળઝાળ ગરમીમાં જે વસ્તુની સૌથી વધુ જરૂરિયાત હોય છે, તે લીંબુ હવે સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ રહ્યા છે. રાજ્યભરમાં લીંબુના ભાવમાં જે રીતે તોતિંગ ઉછાળો આવ્યો છે, તેણે મધ્યમ અને ગરીબ વર્ગની થાળીમાંથી કુદરતી ખટાશ છીનવી લીધી છે. ગૃહિણીઓ માટે હવે દાળ કે શાકનો સ્વાદ જાળવવો એક મોટો પડકાર બની ગયો છે, કારણ કે રસોડાનું આ મહત્વનું અંગ હવે સોનાના ભાવે વેચાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, છેલ્લા માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં લીંબુના ભાવ પ્રતિ કિલો ₹45થી વધીને સીધા ₹300ને પાર પહોંચી ગયા છે. આ અસહ્ય ભાવવધારાને કારણે લોકો હવે લીંબુ ખરીદતા પહેલા દસ વાર વિચાર કરી રહ્યા છે. બજારમાં પુરવઠો ઓછો અને માંગ વધુ હોવાને કારણે ભાવવધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના પરિણામે સામાન્ય જનતા હવે વૈકલ્પિક રસ્તાઓ શોધવા મજબૂર બની છે.

રસોડામાં કુદરતી લીંબુનું સ્થાન હવે 'સિટ્રિક એસિડ' એ લીધું

લીંબુના આસમાને પહોંચેલા ભાવથી બચવા માટે હવે ગૃહિણીઓએ એક નવો અને સસ્તો નુસ્ખો અપનાવ્યો છે. રસોડામાં હવે લીંબુના સ્થાને 'લીંબુના ફૂલ' એટલે કે સિટ્રિક એસિડનો વપરાશ વધવા લાગ્યો છે. દાળ, શાક કે લોકપ્રિય પાણીપુરીના પાણીમાં ખટાશ લાવવા માટે હવે લોકો ચપટી લીંબુના ફૂલનો ઉપયોગ કરી રહ્યા છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ હોટલો, રેસ્ટોરન્ટ્સ અને લારી-ગલ્લાઓ પર પણ હવે મોંઘા લીંબુને બદલે વિનેગર અથવા સિટ્રિક એસિડનો ઉપયોગ સામાન્ય બની ગયો છે.

આ પણ વાંચો: ‘જાતે બેગ પેક કરી લે’ માતાએ આટલું કહેતા જ માઠું લાગ્યું : ગુસ્સામાં ઘર છોડ્યાના ૩ દિવસ બાદ મળ્યો મૃતદેહ

શું છે આ 'લીંબુના ફૂલ'? જાણો તેની પાછળનું સત્ય

ઘણા લોકો એવું માને છે કે લીંબુના ફૂલનો સંબંધ કુદરતી લીંબુ સાથે હશે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. 'લીંબુના ફૂલ'ને કુદરતી લીંબુ કે તેના છોડ સાથે કોઈ લેવાદેવા નથી. તે વાસ્તવમાં સિટ્રિક એસિડ નામનું એક કેમિકલ તત્વ છે. દેખાવમાં તે સફેદ, પાસાદાર અને ખાંડ જેવું લાગે છે. તેની ખટાશ લીંબુ જેવી જ તીવ્ર હોવાને કારણે તેને લોકભાષામાં 'લીંબુના ફૂલ' કહેવામાં આવે છે. ખાસ કરીને પૌંઆ, ચેવડો અને લાંબો સમય સાચવી રાખવાના નાસ્તામાં તેનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે.

માત્ર 15 દિવસમાં ભાવમાં ચાર ગણો ઉછાળો

ઉનાળાના આકરા દિવસોમાં ઠંડા પીણા, શેરડીનો રસ અને લીંબુ શિકંજીની માંગમાં અનેકગણો વધારો થાય છે. આ વધતી માંગ સામે બજારમાં લીંબુનો પુરવઠો અત્યંત મર્યાદિત છે. આ અસંતુલનને કારણે છેલ્લા માત્ર 15 દિવસમાં જ લીંબુના ભાવમાં ચાર ગણો વધારો નોંધાયો છે. એક તરફ ગરમીથી બચવા લોકો લીંબુ શરબતનો સહારો લેવા માંગે છે, તો બીજી તરફ તેના ભાવ જનતાના પરસેવા છોડાવી રહ્યા છે. હાલમાં તો જનતાએ મોંઘા લીંબુના બદલે કેમિકલયુક્ત સિટ્રિક એસિડ સાથે સમાધાન કરી લીધું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now