Gujarat Foundation Day: સુરત, ડાયમંડ સિટી હવે ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે સજ્જ થઈ ગયું છે. 1લી મેના રોજ યોજાનારા 'ગુજરાત ગૌરવ દિવસ'ના કાર્યક્રમોને આખરી ઓપ આપવા માટે સુરતના વાય જંકશન ખાતે પોલીસ પરેડ અને વિવિધ ટેબ્લોનું ફાઇનલ રિહર્સલ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સફળતાપૂર્વક સંપન્ન થયું છે. આગામી 1લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી સુરતના આંગણે થવા જઈ રહી છે. આ ઉત્સવને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે તે માટે શહેરના મુખ્ય માર્ગોને શણગારવામાં આવ્યા છે. ગત સાંજે વાય જંકશન ખાતે યોજાયેલા રિહર્સલમાં વિવિધ પ્લાટૂનોનું શિસ્તબદ્ધ માર્ચ-પાસ્ટ અને રાજ્યની વિકાસગાથા રજૂ કરતા આકર્ષક ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેણે આવનારા મુખ્ય કાર્યક્રમની ઝલક પૂરી પાડી હતી.
સાંજે 5 વાગ્યે પરેડની થશે શરૂઆત
ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે 1લી મેના રોજ સાંજે ૫ વાગ્યે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ વાય જંકશનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના માર્ગ પર યોજાશે. આ રૂટ પર સુરતવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ગુજરાતનાં ખેડૂતો : 8 લાખ ખેડૂતોએ અપનાવી નવી દિશા, જાણો ખેડૂતમાં સસ્તા ખાતરનો વિકલ્પ
વિવિધ પ્લાટૂન અને ટેબ્લો રહેશે આકર્ષણનું કેન્દ્ર
આ વખતની પરેડમાં પોલીસની વિવિધ વિશિષ્ટ પ્લાટૂન દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની સંસ્કૃતિ, સુરતની ઓળખ અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને દર્શાવતા આકર્ષક ટેબ્લો પરેડના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ટેબ્લોના માધ્યમથી ગુજરાતની અસ્મિતા અને વિકાસના દર્શન કરાવવામાં આવશે.
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આખરી ઓપ
રિહર્સલ દરમિયાન જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પરેડના રૂટ, ટેબ્લોની ગોઠવણ અને સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.
સુરતવાસીઓને ભાવભર્યું આમંત્રણ
સુરત વહીવટી તંત્ર દ્વારા તમામ સુરતવાસીઓને આ ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનને નિહાળવા માટે ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ૧લી મેની સાંજે સુરતનો આ માર્ગ દેશભક્તિ અને ગુજરાત ગૌરવના રંગે રંગાયેલો જોવા મળશે.





