Home Gujarat Vadodara Hem Care Pharma Drug License Cancelled Cough Syrup Racket

કફ સીરપના નામે નશાનો કાળો કારોબાર : 'હેમ કેર ફાર્મા'નું લાયસન્સ કાયમી રદ, 8530 બોટલનો સ્ટોક ગાયબ થતા તંત્રની લાલ આંખ

Vadodara Drug Bust, Hem Care Pharma
Published by: Nirali Gohil
Last Updated: Apr 30, 2026, 09:35 AM IST

Vadodara Drug Bust: વડોદરામાં કફ સીરપના ઓઠા હેઠળ ચાલતા નશાના કાળા કારોબાર પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. ભાયલી વિસ્તારમાં આવેલી 'હેમ કેર ફાર્મા' વિરુદ્ધ તપાસનો સકંજો કસીને તંત્રએ તેના તમામ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દીધા છે. યુવાધનને બરબાદ કરતા આ નશાના નેટવર્કને તોડી પાડવા માટે લેવાયેલું આ પગલું અન્ય ફાર્મા એકમો માટે લાલબત્તી સમાન છે. વડોદરાના ભાયલીમાં સ્થિત 'મેસર્સ હેમ કેર ફાર્મા' (M/s. Hem Care Pharma) દ્વારા નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણની આશંકાના આધારે તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે, આ પેઢી દ્વારા મોટા પાયે કોડીન યુક્ત કફ સીરપનો જથ્થો બિલ વગર અને પ્રિસ્ક્રિપ્શન વિના અજાણ્યા લોકોને નશો કરવા માટે વેચી દેવામાં આવ્યો હતો. યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલતી આ ગંભીર બેદરકારી બદલ તંત્રએ કોઈપણ પ્રકારની નરમાશ દાખવ્યા વિના પેઢીના હોલસેલ પરવાનાને કાયમ માટે રદ કરવાનો આદેશ આપ્યો છે.

સ્ટોક ગાયબ: 8,530 બોટલનો હિસાબ મળ્યો નહીં

તંત્રની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, પરવાનેદાર પ્રતિક નરેન્દ્રકુમાર બારોટે છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની 'મેસર્સ પવન એજન્સી' પાસેથી કોડીન (Codeine) ઘટક ધરાવતી કફ સીરપની કુલ 8,530 બોટલો ખરીદી હતી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ઔષધ નિરીક્ષકોએ સ્થળ પર તપાસ કરી ત્યારે એક પણ બોટલનો સ્ટોક હાજર મળ્યો ન હતો. પરવાનેદાર માત્ર 4,870 બોટલના જ વેચાણ બિલો રજૂ કરી શક્યા હતા, જ્યારે બાકીની 980 બોટલો કોઈ પણ પ્રકારના બિલ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાના હેતુ માટે વેચી હોવાનું સાબિત થયું હતું.

આ પણ વાંચો: વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો પર ઘાતકી હુમલો : જુનિયર ડોક્ટરોની હડતાળથી સેવાઓ ખોરવાઈ, માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ

આરોગ્ય માટે જીવલેણ: કોડીન નશાના ગંભીર પરિણામો

તબીબી નિષ્ણાતોના મતે કોડીન આધારિત કફ સીરપનો નશા તરીકે ઉપયોગ કરવો એ સીધું મૃત્યુને આમંત્રણ આપવા સમાન છે. આ પ્રકારના નશાથી:

  • ગંભીર માનસિક ડિપ્રેશન અને યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે.

  • શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા ધીમા પડી જવાનું જોખમ રહે છે.

  • લાંબા ગાળે વ્યક્તિ કોમામાં જઈ શકે છે અથવા અચાનક મૃત્યુ પણ નીપજી શકે છે.

તંત્રની કડક કાર્યવાહી: લાયસન્સ કાયમી રદ

ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ-1940 હેઠળના નિયમોના ભંગ બદલ તંત્રએ ગત 2 એપ્રિલ 2026ના રોજ પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જોકે, પરવાનેદાર તરફથી મળેલો જવાબ સંતોષકારક ન જણાતા મદદનીશ કમિશનર ડૉ. એ. એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ફોર્મ 20B, 21B અને 20G હેઠળના હોલસેલ લાયસન્સ તાત્કાલિક અસરથી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે. ઔષધ નિરીક્ષક એચ. એમ. જેપાલ દ્વારા હાથ ધરાયેલી આ તપાસે વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ વચ્ચે ફફડાટ ફેલાવી દીધો છે.

વેપારીઓને ચેતવણી અને નાગરિકોને અપીલ

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર આર્થિક ફાયદા માટે લોકોના જીવ સાથે રમત રમનાર કોઈપણ ફાર્મા એકમને છોડવામાં આવશે નહીં. તમામ મેડિકલ સ્ટોર અને હોલસેલર્સને કાયદાકીય મર્યાદામાં રહીને જ વ્યવસાય કરવા તાકીદ કરાઈ છે. આ સાથે જ વહીવટી તંત્રએ જાગૃત નાગરિકોને અપીલ કરી છે કે જો ક્યાંય પણ નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ થતું જણાય તો તુરંત તેની જાણ તંત્રને કરવી જેથી યુવાધનને બચાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now