Vadodara News: વડોદરા શહેરની પ્રખ્યાત સયાજી હોસ્પિટલ માં ગતરોજ બનેલી ઘર્ષણની ઘટનાએ તબીબી વ્યવસ્થાની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોસ્ટમોર્ટમ વિભાગમાં એક મૃતક મહિલાના પરિવારજનો અને ફરજ પર રહેલા તબીબો-સ્ટાફ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ગ પરિસ્થિતિ તંબની ગઈ હતી. આ બનાવના પ્રત્યાઘાત રૂપે આજે હોસ્પિટલના જુનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ વિભાગમાં વિવાદ બાદ ભયનો માહોલ
ગતરોજ બનેલી ઘટનામાં મૃતક મહિલાના પરિવારજનો અને તબીબો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર તર્કવિતર્ક થયો હતો, જે બાદ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આ ઘટનાએ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોમાં અસુરક્ષાનો ભાવ પેદા કર્યો છે. ખાસ કરીને જુનિયર ડોક્ટરોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે, જેના કારણે તેઓએ તાત્કાલિક સુરક્ષા વધારવાની માંગ ઉઠાવી છે.

જુનિયર ડોક્ટરોનું ધરણું, સુરક્ષા વધારવાની માંગ
આ ઘટનાને લઈ આજે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો એકજૂટ થઈ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી બહાર ધરણા પર બેઠા હતા. તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે હોસ્પિટલ જેટલી મોટી છે તે મુજબ સુરક્ષા વ્યવસ્થા અત્યંત નબળી છે.
તબીબોના કહેવા મુજબ, સમગ્ર હોસ્પિટલમાં ફક્ત 30થી 35 જેટલા સિક્યુરિટી ગાર્ડ હાજર હોય છે, જે આટલા વિશાળ કેમ્પસ માટે પૂરતા નથી. ડોક્ટરોએ માંગ કરી હતી કે: હોસ્પિટલમાં સુરક્ષા જવાનોની સંખ્યા વધારવામાં આવે, દરેક વિભાગમાં યોગ્ય સુરક્ષા ગોઠવવામાં આવે, CCTV કેમેરાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે
આ પણ વાંચો: ઝઘડિયામાં આગનું તાંડવ : મેટ્રોપોલિટન કંપનીની આગમાં વધુ એક શ્રમિકનું મોત, કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો
તંત્ર હરકતમાં: 20 બાઉન્સર તાત્કાલિક ગોઠવાયા
ઘટનાની ગંભીરતા સમજતા હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરે ડોક્ટરોની રજૂઆત સાંભળીને હોસ્પિટલમાં આશરે 20 જેટલા બાઉન્સર ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક સુરક્ષા નીતિ અમલમાં મૂકવાની પણ ખાતરી આપવામાં આવી છે.

જિલ્લા તંત્ર અને પોલીસનો દખલ
આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પરિસ્થિતિ પર નજર રાખવા સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ગતરોજની ઘટનામાં ભોગ બનેલી મહિલા તબીબે સમગ્ર ઘટનાનો ચિતાર આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સુરક્ષાની વ્યવસ્થા ખૂબ જ નબળી છે. તેમણે આરોપ લગાવ્યો કે: સિક્યુરિટી ગાર્ડની સંખ્યા ખૂબ ઓછી છે, ઘણા વિસ્તારોમાં CCTV કેમેરા નથી, તાત્કાલિક મદદ માટે કોઈ સુવ્યવસ્થિત મિકેનિઝમ નથી. તેમના મતે, આવી સ્થિતિમાં તબીબો સુરક્ષિત રીતે ફરજ બજાવી શકે તેવું લાગતું નથી. આ બનાવ બાદ સયાજી હોસ્પિટલના તબીબી સ્ટાફમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તબીબોનું કહેવું છે કે જો સમયસર સુરક્ષા મજબૂત નહીં બનાવવામાં આવે તો ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ ફરી બની શકે છે.





