અમદાવાદ શહેરના હૃદયસ્થળ સમાન દિલ્હી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. ગૌરક્ષકોએ પશુ ભરેલી એક ગાડી રોકતાં બંને જૂથો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી. ભારે નારાબાજી અને હોબાળાના માહોલ વચ્ચે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હળવો લાઠીચાર્જ કરીને ભીડ વિખેરી હતી.
ગૌરક્ષકો અને અન્ય જૂથ વચ્ચે નારાબાજી
પ્રાથમિક માહિતી મુજબ, 29 મેની મોડી રાત્રે ગૌરક્ષકોએ પશુઓ ભરેલી ગાડી અટકાવી હતી. ઘટનાની જાણ થતાં અન્ય જૂથના લોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને બંને પક્ષ વચ્ચે ઉગ્ર નારાબાજી શરૂ થઈ હતી. ઠેર ઠેરથી લોકો પણ એકઠા થવા લાગતા તણાવ વધી ગયો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી
ઘટનાની જાણ થતાં માધુપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં જેસીપી નીરજ બડગુજર, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસએ હળવો લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી હતી અને કેટલાક લોકોને સમજાવી પરત પણ મોકલ્યા હતા.
સ્થાનિકોમાં દહેશત, પોલીસ બંદોબસ્ત કડક
ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં તણાવનું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યું છે.
JCP નીરજ બડગુજરે શું જણાવ્યું?
ઘટના અંગે સેક્ટર-1ના JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, “રાતે માધુપુરા પોલીસને જાણ થઈ કે દિલ્હી દરવાજા વિસ્તારમાં ભીડ ભેગી થઈ રહી છે. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને લોકોએ જે પણ તણાવ સર્જવાનો પ્રયાસ કર્યો તેને અસરકારક રીતે નિયંત્રિત કર્યો.”
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





