આમતો પણીપુરી માટે કહેવાય છે કે, 'પહેલી પુરી તીખી, બીજી ખાટી, અને છેલ્લી કોરી... આ જ છે પાણીપુરીની ખરી મજા'... પણ આ મજા સજા જેવી ના લાગે એ જરા જોજો.... આ અમે તમને એટલા માટે કહી રહ્યાં છે કેમકે, કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં એક કિસ્સો સામે આવ્યો છે. જે હચમચાવી દે તેવો છે. ગામની સામાન્ય સાંજ અચાનક ચિંતામાં ફેરવાઈ ગઈ. સાંજનો સમય હતો લોકો પોતાની મસ્તીમાં હરી ફરી રહ્યાં હતા અને ખાણી-પીણીનો સ્વાદ માણી રહ્યાં હતા. આવા જ સમયે કેટલાક લોકોએ પાણીપુરી ખાધી અને ત્યાર બાદ ગામનો માહોલ બગળ્યો. પાણીપુરી ખાધા બાદ અનેક લોકોની તબિયત બગડી ગઈ. થોડા જ કલાકોમાં લોકોએ ઉલ્ટી અને ડાયરીયાની ફરિયાદ કરી. અસરગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા.
60 લોકોને ફૂડ પોઇઝનિંગ
ગઈકાલે સાંજે લોડાઈ ગામમાં આવેલી એક લારી પર લોકોએ પાણીપુરી ખાધી હતી. સામાન્ય રીતે લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ગણાતી પાણીપુરી અહીં બીમારીનું કારણ બની ગઈ છે. પાણીપુરી ખાધા બાદ આશરે 60 જેટલા લોકો બીમાર પડી ગયા હોવાની માહિતી મળી રહી છે. જોકે આરોગ્ય વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 36 લોકો પર તેની સીધી અસર નોંધાઈ છે.
રાતોરાત બગડી તબિયત, હોસ્પિટલોમાં ખસેડાયા દર્દીઓ
પાણીપુરી ખાધા બાદ ગત રાતથી જ અનેક લોકોને ઉલ્ટી, ડાયરીયા, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. સ્થિતિ ગંભીર બનતા અસરગ્રસ્તોને તાત્કાલિક Bhujની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોટાભાગના લોકોના દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે કરી તાત્કાલિક કાર્યવાહી
ઘટના સામે આવતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગામમાં તમામ ખાણી પીણીની દુકાનો અને લારીઓને તાત્કાલિક બંધ કરાવવામાં આવી. પાણી અને ખોરાકના સેમ્પલ લેવામાં આવ્યા. આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે પહોંચી અને સર્વે હાથ ધર્યો હતો. ધરાયો આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનાનું મૂળ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે અને જરૂરી હોય તો કડક પગલાં લેવામાં આવશે.
ફૂડ પોઇઝનિંગ પાછળનું સંભવિત કારણ
પ્રાથમિક તપાસ મુજબ, પાણીપુરીમાં વપરાયેલું પાણી અથવા સામગ્રી સંક્રમિત હોવાની શક્યતા છે. અશુદ્ધ પાણીનો ઉપયોગ, પકોડી ગંદી જગ્યામાં બનાવી હશે જેથી બેક્ટેરિયા અથવા વાયરસથી ખોરક સંક્રમિત થયો હશે. આ ઘટનાએ ફરી એકવાર સ્ટ્રીટ ફૂડમાં સ્વચ્છતાના મુદ્દા પર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: ઘરે બનાવો બજાર જેવી સુપર ક્રિસ્પી પાણીપુરી : સોજી વગરની આ ગુપ્ત રીતથી મળશે પરફેક્ટ ક્રન્ચ
ગામમાં ડર અને સતર્કતા
લોડાઈ ગામમાં હાલ લોકોમાં ચિંતા અને સતર્કતા બંને જોવા મળી રહી છે. કેટલાક લોકો હવે બહારનું ખાવાનું ટાળી રહ્યા છે અને સ્વચ્છતા અંગે વધુ જાગૃત બન્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આવી ઘટના પહેલીવાર બની છે, જેના કારણે ગામમાં ડરનો માહોલ સર્જાયો છે.
આ ઘટના માત્ર એક ગામ સુધી મર્યાદિત નથી. આ ઘટના સમગ્ર રાજ્ય માટે ચેતવણી સમાન છે. સ્ટ્રીટ ફૂડમાં સ્વચ્છતાનો અભાવ ગંભીર પરિણામ આપી શકે છે. આરોગ્ય વિભાગની ઝડપી કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. જો કે સામાન્ય લોકો માટે ખોરાક પસંદગીમાં સાવચેતીની જરૂર છે. ખાસ કરીને ઉનાળાની સીઝનમાં ફૂડ પોઇઝનિંગના કેસો વધતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ વધુ ગંભીર બની શકે છે. જો કે આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટ બાદ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે.





