Home Gujarat Kutch Bhuj Fake Currency Facebook Accused Arrested

કચ્છમાં પણ તૈયાર થઈ રહ્યો છે બીજો 'નોટગુરુ' : ફેસબુક પર નકલી નોટોનું જાળ બિછાવનાર શખ્સ ભુજથી ઝડપાયો

પશ્ચિમ કચ્છ LCB
Published by: Viral Patel
Last Updated: Apr 07, 2026, 11:32 AM IST

Bhuj News: ગુજરાતમાં થોડા સમય પહેલા ચર્ચામાં આવેલા 'નોટગુરુ' જેવો જ એક કિસ્સો હવે સરહદી જિલ્લા કચ્છમાં સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી નકલી નોટો વટાવવાની પેરવી કરતા એક ઇસમને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડી તેના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

ફેસબુક પર બનાવ્યું હતું નકલી આઈડી

મળતી વિગતો મુજબ, ભુજના મોસીમ સુમરા નામના શખ્સે ફેસબુક પર એક ખોટું આઈડી બનાવ્યું હતું. આ આઈડી દ્વારા તે લોકોના સંપર્કમાં આવીને તેમને લાલચ આપતો હતો કે તે અસલી જેવી જ દેખાતી નકલી ચલણી નોટો પૂરી પાડી શકે છે. ઓછી કિંમતે નકલી નોટો આપીને નિર્દોષ લોકોને છેતરવાનું આ એક મોટું નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં પલટો : મહેસાણામાં કરા અને ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ, મુંદ્રા પોર્ટ પર જહાજ રસ્સો તોડી દરિયામાં ફસાયું

વીડિયો બનાવી લોકોને લલચાવતો હતો

આરોપી મોસીમની મોડસ ઓપરેન્ડી ખૂબ જ શાતિર હતી. તે સોશિયલ મીડિયા પર ચલણી નોટોના બંડલો અને સોનાના બિસ્કિટના વીડિયો બનાવીને અપલોડ કરતો હતો. આ વીડિયો જોઈને લોકો તેની જાળમાં ફસાય અને સંપર્ક કરે તેવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ વીડિયો દ્વારા તે પોતાની પાસે મોટા પ્રમાણમાં રોકડ અને સોનું હોવાનો દેખાડો કરતો હતો.

LCBની ટીમની સફળ કાર્યવાહી

પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સોશિયલ મીડિયા પર આ પ્રકારે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ભુજના મોસીમ સુમરાને દબોચી લીધો છે. પોલીસે તેની પાસેથી આ ગુનામાં વપરાયેલા મોબાઈલ સહિતના સાધનો જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: ભાજપના નેતાઓના અરમાનો પર પાણી : ઉમેદવારોની પસંદગી અંગે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડનો મોટો નિર્ણય, જાણો ચૂંટણીમાં કોને-કોને નહીં અપાય ટિકિટ

પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા

હાલમાં પોલીસ આરોપીની ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે. આ કૌભાંડમાં તેની સાથે અન્ય કોણ સામેલ છે? અત્યાર સુધી તેણે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે? અને તેની પાસે આ નકલી નોટો કે વીડિયોમાં દેખાતું સોનું ક્યાંથી આવ્યું? તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સસ્તી નોટો કે સોનું આપવાની લાલચ આપતા તત્વોથી સાવધ રહેવું. આવી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now