Home Gujarat Gujarat Unseasonal Rain Mundra Port Storm Impact

ગુજરાતના વાતાવરણમાં પલટો : મહેસાણામાં કરા અને ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ, મુંદ્રા પોર્ટ પર જહાજ રસ્સો તોડી દરિયામાં ફસાયું

There is a photo of cloudy weather and containers at Mudra Port.
Published by: Aryan Shah
Last Updated: Apr 07, 2026, 10:46 AM IST

Change in Gujarat's weather : ગુજરાતના હવામાનમાં વહેલી સવારથી જ મોટો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા સુધી કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે.

રાજ્યભરમાં અચાનક વરસાદી માહોલ

ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગાંધીનગરમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું અને પછીથી ધીમા વરસાદની શરૂઆત થઈ. સાથે જ પવનની ગતિ પણ તેજ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ભાવનગર શહેર અને જિલ્લામાં બપોર બાદ અચાનક વાદળછાયું વાતાવરણ છવાયું અને ત્યારબાદ હળવો વરસાદ શરૂ થયો. કુંભારવાડા, વડવા, કાળુભા રોડ, પાનવાડી, નીલમબાગ અને દેવુબાગ વિઠ્ઠલવાડી જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ અચાનક બદલાવને કારણે લોકોના દૈનિક જીવન પર અસર પડી, જોકે ગરમીમાંથી રાહત મળતાં લોકોમાં થોડી રાહત પણ જોવા મળી. મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો.મહેસાણામાં પવન સાથે વરસાદ, નુકસાનની ઘટનાઓ સામે આવી

મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો. મહેસાણા, વિસનગર, બહુચરાજી અને સાંપાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ પડેલા આ વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ સાથે નુકસાનના સમાચાર પણ સામે આવ્યા છે. ખાસ કરીને ઊંઝા શહેરમાં તોફાની પવનના કારણે એક બિલ્ડિંગના બીજા માળેથી પાળી તૂટી પડી હતી.મિલન સિનેમા રોડ વિસ્તારમાં બિલ્ડિંગનો મલબો નીચે પાર્ક કરેલી કાર અને આસપાસના વિસ્તારમાં પડ્યો હતો. આ ઘટનામાં કારને નુકસાન થયું છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ વડનગરમાં પણ પવનનો કહેર જોવા મળ્યો હતો. વડનગર સિવિલ હોસ્પિટલ પર રાખેલી પાણીની ટાંકી ભારે પવનના કારણે ઉડીને નીચે પડી હતી. આ ટાંકી સીધી એક કાર પર પટકાતાં કારને ભારે નુકસાન થયું હતું. આ બંને ઘટનાઓ પવનની તીવ્રતા દર્શાવે છે અને લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.કચ્છમાં તોફાની પરિસ્થિતિ : મુન્દ્રા પોર્ટ પર મોટું નુકસાન

કચ્છ જિલ્લામાં હવામાનની અસર વધુ ગંભીર બની હતી. ખાસ કરીને મુન્દ્રા પોર્ટ પર ભારે પવન અને વરસાદના કારણે અસ્થિર પરિસ્થિતિ સર્જાઈ હતી. CT3 ટર્મિનલ વિસ્તારમાં ઉભેલું MSC કંપનીનું એક વિશાળ જહાજ તોફાની પવનના કારણે પોતાના રસા તોડી આગળ વધી ગયું. આ ઘટનાના કારણે પોર્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. પવનની તીવ્રતા એટલી વધારે હતી કે, ત્યાં રાખવામાં આવેલા મોટા કન્ટેનરો પણ ખસીને વેરવિખેર થઈ ગયા. સુરક્ષા દ્રષ્ટિએ પોર્ટ પ્રશાસને તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કર્યો અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપી. કચ્છના માતાના મઢ, લખપત, નખત્રાણા, અબડાસા અને ભુજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ઘણા વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

આ પણ ખાસ વાંચો : અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી : ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ, હવે આ તારીખથી કરા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ

ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ

આ કમોસમી વરસાદે ખેડૂતો માટે મોટી ચિંતાઓ ઊભી કરી છે. ઉનાળુ પાક જેમ કે દાડમ, કેરી અને ઘઉં માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં ઉભા પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને આર્થિક નુકસાનનો ભય છે. ભાવનગરમાં મસાલા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. મરચા, જીરું અને હળદર જેવા મસાલાના વેપાર પર વરસાદની સીધી અસર પડી છે. આ ઉત્પાદનો ભેજથી ઝડપથી બગડી શકે છે, જેના કારણે વેપારીઓને નુકસાન સહન કરવું પડી શકે છે.


હવામાનમાં બદલાવનું કારણ અને આગાહી

હવામાન વિભાગ અનુસાર આ પ્રકારનો કમોસમી વરસાદ પશ્ચિમ વિક્ષેપ અને સ્થાનિક દબાણના ફેરફારોના કારણે થાય છે. આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં આ પ્રકારના હવામાનના ફેરફારો જોવા મળી શકે છે. વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now