ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે, જેમાં જામનગર, કચ્છ અને દ્વારકા સહિત અમુક જિલ્લામાં માવઠું નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દિવસ દરમિયાન તડકો રહ્યો હતો, પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર આવતા વરસાદી ઝાપટાં પડ્યા હતા.
જામનગરમાં જામ્યો વરસાદ
જામનગર જિલ્લામાં લાલપુર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદ નોંધાયો હતો. તડકાભર્યા દિવસ બાદ વરસાદ પડતા વાતાવરણ ઠંડું બન્યું હતું.
કચ્છમાં આગાહી સાચી પડી
કચ્છ જિલ્લામાં પણ આગાહીને અનુરૂપ હવામાનમાં પલટો આવ્યો હતો. ભુજ તાલુકાના મીરજાપર, સુખપર અને માનકુવા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ દરમિયાન મતિયા દેવની પદયાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓ પણ વરસાદમાં ભીંજાયા હતા.
વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. ખાસ કરીને ઉભા પાક માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે.
દ્વારકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
દ્વારકા જિલ્લામાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. દ્વારકા, ઓખા અને મીઠાપુર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા રોડ રસ્તાઓ ભીના થઈ ગયા હતા. પૂનમના દિવસે વરસાદ પડતા યાત્રાધામમાં આવેલા શ્રદ્ધાળુઓને પણ અસર પહોંચી હતી.
આ પણ વાંચો: એક નહીં પણ બે-બે પશ્ચિમ વિક્ષેપ સક્રિય થશે : અંબાલાલ પટેલે કરી આગાહી, આ વિસ્તારોમાં ભૂક્કા બોલાવશે વરસાદ!
આ સમગ્ર પરિસ્થિતિને કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ આવા વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





