હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારો માટે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપ સક્રિય થવાનો છે, જેના કારણે અરબ સાગર અને બંગાળના ઉપસાગરથી ભેજ ખેંચાઈને હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
આ આગાહી અનુસાર 3થી 6 એપ્રિલ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા અને જામનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 6 થી 10 એપ્રિલ દરમિયાન બીજો પશ્ચિમ વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે ફરી વરસાદ અને પવનની સ્થિતિ રહેશે. હાલ ગરમીમાં ઘટાડો જોવા મળશે, પરંતુ 20 એપ્રિલ બાદ તાપમાનમાં વધારો થશે અને 26 એપ્રિલ આસપાસ 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતના નાગરિકોને 135-Dની નોટિસમાંથી મુક્તિ : ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખતા, હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જાણી લો નવા નિયમો
મે મહિનામાં પણ પવન અને આંધી સાથે હવામાન અસ્થિર રહેવાની શક્યતા છે, જ્યારે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે તેની સીધી અસર ગુજરાત પર ઓછી રહેવાની શક્યતા છે.





