Home Gujarat Us Medical Fraud Indian Doctor Jitesh Patel Case

અમેરિકામાં ગુજરાતી ડૉક્ટરનું ₹116 કરોડનું મેડિકલ કૌભાંડ : ડૉ. જીતેશ પટેલે કમાણી માટે દર્દીઓ પર કર્યા બિનજરૂરી ઓપરેશન, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો!

અમેરિકામાં મેડિકલ કૌભાંડ કરેલ ડૉક્ટરનું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Apr 07, 2026, 12:11 PM IST

અમેરિકાના હેલ્થકેર ક્ષેત્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભારતીય મૂળના ડૉક્ટર પર ગંભીર છેતરપિંડીના આરોપ લાગ્યા છે. એટલાન્ટા સ્થિત Advanced Urology અને તેના સંચાલક Dr. Jitesh Patel સામે બિનજરૂરી મેડિકલ પ્રક્રિયાઓ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાના આક્ષેપ થયા છે. આ મામલે સંસ્થા અને ડૉક્ટરે અંદાજે 14 મિલિયન ડોલર (લગભગ 116 કરોડ રૂપિયા) ચૂકવવા સંમતિ આપી છે.

વ્હિસલ-બ્લોઅર્સે ખોલી પોલ

આ સમગ્ર કેસનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે હોસ્પિટલના જ બે પૂર્વ કર્મચારીઓએ વ્હિસલ-બ્લોઅર તરીકે આગળ આવીને ગેરરીતિઓ બહાર પાડી. અમેરિકાના U.S. Department of Justice મુજબ, હોસ્પિટલ પર મેડિકેર, મેડિકેડ અને ટ્રાઈકેર જેવા સરકારી વીમા કાર્યક્રમોમાંથી વધુ નાણાં મેળવવા માટે દર્દીઓ પર બિનજરૂરી ટેસ્ટ અને સર્જરી કરવાના આરોપ છે.

બિનજરૂરી ટેસ્ટ અને સર્જરીના આરોપ

તપાસમાં સામે આવ્યું છે કે ઘણા દર્દીઓ પર અનાવશ્યક અને પીડાદાયક ટેસ્ટ કરવામાં આવતા હતા. તેમાં ઇલેક્ટ્રોમાયોગ્રાફી જેવા ટેસ્ટનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે બહુ ઓછા કેસમાં જરૂરી હોય છે, પરંતુ અહીં તેને આવકનું સાધન બનાવવામાં આવ્યું હતું. સાથે જ કેટલાક દર્દીઓમાં સેક્રલ નર્વ સ્ટિમ્યુલેટર જેવા કાયમી ઉપકરણો પણ યોગ્ય જરૂરિયાત વિના સ્થાપિત કરવામાં આવ્યા હતા.

વ્હિસલ-બ્લોઅર્સ Lauren Perumal-Sramal અને Dr. Himanshu Agrawal એ કોર્ટમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સામાન્ય સારવારને પણ વધુ જટિલ દર્શાવીને બિલ બનાવવામાં આવતું હતું. આ પદ્ધતિને “અપકોડિંગ” કહેવાય છે, જેમાં નાની પ્રક્રિયાઓને મોટી બતાવીને વધુ પૈસા વસૂલવામાં આવે છે.

સંયુક્ત તપાસ અને એજન્સીઓની કાર્યવાહી

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને Federal Bureau of Investigation, Department of Health and Human Services સહિત અનેક એજન્સીઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડમાં દર્દીઓની સારવાર કરતાં નફાને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: સીલ ટીમ-6એ 300 કિમી અંદર ઘૂસીને અમેરિકી પાઇલટને બચાવ્યો : લાદેનને મારનાર યુનિટનું અત્યાર સુધીનું સૌથી જોખમી મિશન

14 મિલિયન ડોલર સેટલમેન્ટ

લાંબી તપાસ બાદ આ મામલો સિવિલ સેટલમેન્ટ દ્વારા સમાપ્ત થયો છે, જેમાં 14 મિલિયન ડોલરની ચૂકવણી કરવામાં આવશે. વ્હિસલ-બ્લોઅર્સને પણ આશરે 2.94 મિલિયન ડોલરનું ઇનામ આપવામાં આવશે. જો કે, આ સેટલમેન્ટ હેઠળ ડૉક્ટરે દોષ સ્વીકાર્યો નથી, પરંતુ કેસને અંત આપવાના હેતુથી રકમ ચૂકવવા સંમતિ આપી છે.

આ ઘટનાએ હેલ્થકેર સિસ્ટમમાં વિશ્વાસ અને નૈતિકતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તબીબી નિષ્ણાતોનું માનવું છે કે બિનજરૂરી ઇન્વેસિવ પ્રક્રિયાઓ દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. અમેરિકી સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આરોગ્ય સેવાઓમાં થતા આવા દુરુપયોગ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now