Home International Heart Pounding Operation Of Us Seal Team 6 Penetrated 300 Km And Rescued American Pilot

સીલ ટીમ-6એ 300 કિમી અંદર ઘૂસીને અમેરિકી પાઇલટને બચાવ્યો : લાદેનને મારનાર યુનિટનું અત્યાર સુધીનું સૌથી જોખમી મિશન

SEAL Team 6 Pilot Rescue Iran Operation
Published by: Nirali Gohil
Last Updated: Apr 07, 2026, 05:13 AM IST

Iran Pilot Rescue Operation: વર્ષ 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને ઠાર કરનાર અમેરિકાની સૌથી ખતરનાક સ્પેશિયલ ફોર્સ 'સીલ ટીમ-6' (SEAL Team-6) એ ફરી એકવાર પોતાની તાકાતનો પરચો આપ્યો છે. ઈરાન સાથેના વધતા સંઘર્ષ વચ્ચે, અમેરિકી કમાન્ડોએ ઈરાનની સરહદમાં 300 કિમી અંદર ઘૂસીને પહાડોમાં ફસાયેલા પોતાના એક પાઇલટને સુરક્ષિત બહાર કાઢ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનની સફળતા બાદ તેને અમેરિકાના ઇતિહાસનું 'સૌથી ખતરનાક રેસ્ક્યુ મિશન' ગણાવ્યું છે. 3 એપ્રિલે ઈરાનમાં ઓપરેશન દરમિયાન અમેરિકી F-15E ફાઇટર જેટ ક્રેશ થયા બાદ બે પાઇલટ્સ લાપતા હતા, જેમને માત્ર 36 કલાકમાં અત્યંત કપરી પરિસ્થિતિમાં બચાવી લેવાયા છે.

ઓપરેશનની રણનીતિ: ઈઝરાયેલનો સાથ અને CIA ની ચાલાકી

આ મિશન માત્ર લશ્કરી તાકાત નહીં, પણ બુદ્ધિશક્તિ અને આધુનિક ટેકનોલોજીનો ઉત્તમ સમન્વય હતો. ઈઝરાયેલી ગુપ્તચર એજન્સીએ ઈરાની સેનાની હિલચાલ પર નજર રાખી હતી, જ્યારે અમેરિકાએ વ્યૂહાત્મક રીતે 36 કલાક માટે હવાઈ હુમલા રોકી દીધા હતા. આ દરમિયાન, CIA એ ઈરાની એજન્સીઓને ભ્રમિત કરવા માટે ખોટી માહિતી ફેલાવી હતી કે અમેરિકી ઓફિસર રસ્તા માર્ગે ભાગી રહ્યો છે. આ જાળમાં ઈરાની સેના ફસાઈ ગઈ અને બીજી તરફ સીલ ટીમ-6 ના કમાન્ડોઝ જમીન માર્ગે પાઇલટ સુધી પહોંચી ગયા હતા.

ઈસ્ફાહાન પાસે ખેલાયો લોહિયાળ ખેલ

જ્યારે અમેરિકી કમાન્ડો ઘાયલ પાઇલટ પાસે પહોંચ્યા, ત્યારે ઈરાની સેના ખૂબ જ નજીક હતી. બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. કમાન્ડોએ દુશ્મનને પાછળ ધકેલીને ટ્રાન્સપોર્ટ વિમાનો માટે જગ્યા બનાવી હતી. જોકે, ઓપરેશન દરમિયાન બે અમેરિકી ટ્રાન્સપોર્ટ વિમાનોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. દુશ્મનના હાથમાં સંવેદનશીલ ટેકનોલોજી ન આવે તે માટે અમેરિકી સેનાએ પોતાના જ બે વિમાનોને વિસ્ફોટ કરીને ઉડાવી દીધા હતા. આ ઘટનાએ ફરી એકવાર લાદેન મિશનની યાદ તાજી કરી દીધી, જેમાં પણ અમેરિકાએ પોતાનું એક હેલિકોપ્ટર નષ્ટ કર્યું હતું.

આ પણ વાંચો: એક રાતમાં ઈરાનને કરી શકીએ છીએ બરબાદ : ડેડલાઈન પર ટ્રમ્પની ધમકી, જાણો શું કહ્યું જગત જમાદારે?

સીલ ટીમ-6: નિષ્ફળતામાંથી જન્મેલી દુનિયાની સૌથી ઘાતક ટીમ

સીલ ટીમ-6નો ઈતિહાસ ઈરાન સાથે જ જોડાયેલો છે. 1980માં ઈરાનમાં બંધકોને છોડાવવા માટેનું 'ઓપરેશન ઈગલ ક્લો' નિષ્ફળ ગયું હતું, જેમાં 8 અમેરિકી સૈનિકોના મોત થયા હતા. આ નિષ્ફળતા બાદ અમેરિકાએ એક એવી યુનિટ બનાવવાનું નક્કી કર્યું જે જમીન, સમુદ્ર અને હવામાં અશક્ય મિશન પાર પાડી શકે. ત્યારે સોવિયત યુનિયનને છેતરવા માટે આ ટીમનું નામ 'ટીમ-6' રાખવામાં આવ્યું હતું, જેથી દુશ્મનને લાગે કે અમેરિકા પાસે આવી છ ટીમો છે.

દુનિયાનું સૌથી કઠિન તાલીમ અને પસંદગી પ્રક્રિયા

આ ટીમમાં સીધી ભરતી શક્ય નથી. વર્ષોના અનુભવી નેવી સીલ્સમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા સૈનિકોને 'ગ્રીન ટીમ' તાલીમ માટે પસંદ કરવામાં આવે છે. આ તાલીમ એટલી કઠિન હોય છે કે મોટાભાગના ઉમેદવારો માનસિક અને શારીરિક દબાણ હેઠળ બહાર ફેંકાઈ જાય છે. તેમને સેકન્ડોના ભાગમાં દુશ્મન અને બંધક વચ્ચેનો ફરક પારખવાની, ઊંઘ વગર સતત લડવાની અને અત્યંત સચોટ નિશાનબાજીની તાલીમ આપવામાં આવે છે.

એબટાબાદ કરતાં પણ મોટું ઓપરેશન

નિષ્ણાતોના મતે ઈરાનનું આ રેસ્ક્યુ મિશન એબટાબાદના મિશન કરતાં ઘણું મોટું અને જટિલ હતું. લાદેન મિશનમાં માત્ર 24 કમાન્ડો હતા, જ્યારે આ ઓપરેશનમાં સેંકડો સ્પેશિયલ ફોર્સ સૈનિકો, ડઝનબંધ લડાકુ વિમાનો, સાયબર ટેકનોલોજી અને સ્પેસ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંતે, એક પણ અમેરિકી સૈનિકના જાનહાનિ વગર આ મિશન સફળ રહ્યું છે, જે અમેરિકી સૈન્ય શક્તિનો નવો પરચો આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now