Home International Un Ilo Global Employment Standards Gig Workers Rights

ગીગ વર્કર્સ માટે બદલાશે નિયમો : UN ની સંસ્થા ILO દ્વારા પ્રથમ વૈશ્વિક સ્ટાન્ડર્ડ જાહેર

First global rules announced for gig workers
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 13, 2026, 06:10 AM IST

ગીગ વર્કર્સ માટે બદલાશે નિયમો: UN ની સંસ્થા ILO દ્વારા પ્રથમ વૈશ્વિક સ્ટાન્ડર્ડ જાહેર

સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) દ્વારા શુક્રવારે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ફૂડ ડિલિવરી, ઓનલાઈન કેબ સર્વિસ અને એપ-આધારિત અન્ય પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા 'ગીગ વર્કર્સ' (Gig Workers) માટે સંસ્થાએ પ્રથમ વખત વૈશ્વિક રોજગાર નિયમોને મંજૂરી આપી છે. આ કાયદાકીય નિયમો લાગુ થવાથી વિશ્વભરના લાખો ગીગ વર્કર્સને યોગ્ય પગાર, સ્વાસ્થ્ય સુરક્ષા અને સામાજિક લાભો (Social Benefits) મળી શકશે.

ગીગ વર્કર્સને શું ફાયદો થશે?

આ વૈશ્વિક નિયમો હેઠળ પ્રથમ વખત એવી જોગવાઈઓ કરવામાં આવી છે જે વર્કર કંપનીનો કર્મચારી (Employee) હોય કે સ્વતંત્ર કોન્ટ્રાક્ટર (Independent Contractor), બંને સ્થિતિમાં લાગુ પડશે:

  • ન્યૂનતમ વેતન: ગીગ વર્કર્સને કામના બદલામાં એક નક્કી કરેલું લઘુત્તમ ભથ્થું કે પગાર મળશે.

  • કામની સુરક્ષા: કોઈપણ યોગ્ય કારણ વગર કંપનીઓ કર્મચારીને પ્લેટફોર્મ પરથી બ્લોક કે ટર્મિનેટ (ડીએક્ટિવેટ) નહીં કરી શકે.

  • આરોગ્ય અને સુરક્ષા: કામ દરમિયાન અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષણ મળશે.

અમેરિકાએ વિરોધ કર્યો, ભારતે મતદાન ન કર્યું

આ વૈશ્વિક પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં રસપ્રદ ચિત્ર જોવા મળ્યું હતું. કુલ 406 સભ્યોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જેમાં ચીન, જાપાન, જર્મની, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો સામેલ હતા.

બીજી તરફ, અમેરિકા અને ન્યુઝીલેન્ડ સહિત 8 સભ્યોએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. અમેરિકાનું માનવું છે કે આવા કડક નિયમોથી ટેકનોલોજીના ક્ષેત્રમાં થતા નવા સંશોધનો (Innovation) અટકી શકે છે. જ્યારે ભારત અને બ્રિટન સહિત 36 સભ્યો આ મતદાન પ્રક્રિયાથી દૂર (Abstained) રહ્યા હતા.

એલ્ગોરિધમ સિસ્ટમ પણ કરવી પડશે જાહેર

મોટાભાગની એપ-આધારિત કંપનીઓ કર્મચારીઓનો પગાર અને તેમને કામ આપવાની પદ્ધતિ ઓટોમેટેડ સિસ્ટમ અથવા એલ્ગોરિધમ (Algorithmic Management) દ્વારા નક્કી કરે છે. આ નવા નિયમો મુજબ, કંપનીઓએ હવે કામદારોને સ્પષ્ટપણે જણાવવું પડશે કે આ ઓટોમેટેડ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને તેનાથી તેમના પગાર કે કામ પર શું અસર થાય છે.

વિશ્વમાં કેટલા ગીગ વર્કર્સ છે?

વર્લ્ડ બેંક (World Bank) ના અંદાજ અનુસાર, હાલમાં સમગ્ર વિશ્વમાં એપ-આધારિત ગીગ વર્કર્સની સંખ્યા 154 Million થી 435 Million જેટલી વિશાળ છે. હ્યુમન રાઇટ્સ વોચના રિપોર્ટમાં સામે આવ્યું છે કે કંપનીઓ આ કામદારોને કાયમી કર્મચારી ગણવાને બદલે 'સ્વતંત્ર કોન્ટ્રાક્ટર' ગણાવે છે, જેથી તેમને લઘુત્તમ વેતન આપવું ન પડે.

જો કે, ILO પાસે આ નિયમો સીધા લાગુ કરવાની સત્તા નથી. હવે જે-તે દેશની સરકારો આ નિયમોને મંજૂરી આપીને પોતાના દેશના કાયદામાં સામેલ કરશે, ત્યાર બાદ જ ગીગ વર્કર્સ કોર્ટ દ્વારા પોતાના હક મેળવી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now