સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગી રહેલી આગ હવે માત્ર કચરો સળગાવતી ઘટના નથી રહી, પરંતુ હજારો લોકોના જીવન પર સીધી અસર કરતી ગંભીર સમસ્યા બની ગઈ છે. છેલ્લા 10 દિવસથી સતત ધુમાડો ઉઠતા આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. સ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે લોકો પોતાના જ ઘરમાં માસ્ક પહેરીને રહેવા મજબૂર બન્યા છે.
બારીઓ ખોલવી તો દૂરની વાત, બહાર નીકળવું પણ જોખમી
આગમ હાઈટ્સ અને સનફ્લાવર જેવી સોસાયટીના રહીશો હવે ખુલ્લેઆમ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે, બારીઓ ખોલવી તો દૂરની વાત, બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. વૃદ્ધો અને બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. ઘણા લોકોને શ્વાસની તકલીફ, આંખોમાં જળાવો અને દુર્ગંધથી પરેશાની થઈ રહી છે.
ચૂંટણી નજીક આવતા આ મુદ્દો હવે રાજકીય રંગ પણ લઈ રહ્યો છે. આગમ હાઈટ્સના 550 ફ્લેટમાં રહેતા લગભગ 2000 મતદારો એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. “પહેલા આગ બુઝાવો, પછી વોટ માંગવા આવજો” એવો કડક સંદેશ નેતાઓને આપવામાં આવ્યો છે.
રહીશો એ ગંભીર આક્ષેપો પણ કર્યા છે કે ડમ્પિંગ સાઈટ પર વારંવાર આગ લાગવી કોઈ સામાન્ય ઘટના નથી.કરોડોના કચરા નિકાલના કોન્ટ્રાક્ટ હોવા છતાં આવી સ્થિતિ કેમ સર્જાય છે તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું આ પાછળ કોઈ ગડબડ છે? તે અંગે તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠી છે.
આ સમગ્ર સ્થિતિને લઈને લોકોમાં ભારે રોષ છે. રહીશો હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી માંગે છે. જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે.






