કોટડા સાંગાણી તાલુકાના રાજગઢ-ખાંડાધાર રોડ પર મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવાનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે એક યુવક ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પીટલ ખેસડવામાં આવ્યો હતો.અકસ્માતનો ભોગ બનેલ ઈજાગ્રસ્ત અને મૃતક યુવકોના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતક રોહિત દીપકભાઈ રાઠોડ (24) અને રાજકોટના કરણભાઈ કમલેશભાઈ દિવેચા (28)નો સમાવેશ થાય છે. રોહિત શક્તિમાન કંપનીમાં નોકરી કરતો હતો. તે પોતાની ફરજ પૂરી કરી સાથી કર્મચારી કિશન રસિકભાઈ પડાળીયા (23) સાથે ઘરે પરત ફરી રહ્યો હતો.કરણભાઈ પોતાની દીકરી અને બહેનને રામપરા નવાગામ મૂકીને રાજકોટ પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન બંને બાઇક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કિશન પડાળીયાને પ્રથમ ગોંડલની સિવિલ હોસ્પિટલ અને પછી રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મૃતક કરણભાઈ પરિણીત હતા અને તેમને એક દીકરી છે. તેઓ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રોહિત છેલ્લા એક વર્ષથી શક્તિમાન કંપનીમાં કાર્યરત હતો. તે પરિવારમાં માતા, બે ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાનો હતો.કોટડા સાંગાણી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોના સગા-સંબંધીઓ અને મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






