ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે ચૂંટણીમાં રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે તેમના સુધી પહોંચી રહ્યાં છે, વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને ટિકીટ આપી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રોડ-શોનું આયોજન કરી રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.
વિસાવદર પેટાચૂંટણીમાં આજે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ફોર્મ ભર્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સભાને પણ સંબોધિત કરી હતી અને રોડ શોમાં પણ ભાગ લીધો હતો.
ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા અને આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. આ બેઠક પર ભારે રસાકસી જોવા મળશે.
વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. નામાંકન ચકાસણીની તારીખ 3 જૂન છે. અને ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન છે. પેટાચૂંટણી 19 જૂને યોજાશે અને મતગણતરી 23 જૂને થશે.






