Home Gujarat Ketan Inamdar Harsh Attack On Arvind Kejriwal

'હું કેજરીવાલને ખુલ્લી ચેલેન્જ આપું છું...' : અરવિંદ કેજરીવાલ પર MLA કેતન ઈનામદારના આકરા પ્રહાર

'હું કેજરીવાલને ખુલ્લી ચેલેન્જ આપું છું...'
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 08:37 AM IST

ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. જાહેર સભામાં કેજરીવાલે ગુજરાતમાં અધિકારીઓ ધારાસભ્યોનું પણ સાંભળતા નથી તેવું નિવેદન આપતાં ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે કડક પલટવાર કર્યો છે. તાજેતરમાં વડોદરા જિલ્લાના પાંચ ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ કામ ન કરતાં હોવાની અને કોઈની વાત ન સાંભળતા હોવાની રજૂઆત કરી હતી. આ પત્ર બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ અને વિવાદ શરૂ થયા હતા. આ મુદ્દાને લઇ કેજરીવાલે જાહેર સભામાં સરકાર અને તંત્ર પર આડકતરી ટીકા કરી હતી, જેના જવાબમાં કેતન ઈનામદારે કેજરીવાલ પર સીધો પ્રહાર કર્યો છે.

'અધિકારીઓ કામ ન કરે તો ધારાસભ્યો બોલે તે સ્વાભાવિક છે'

કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, “અધિકારીઓ કામ ન કરે તો ધારાસભ્યો બોલે તે સ્વાભાવિક છે, પરંતુ સરકાર યોગ્ય રીતે કાર્યરત છે. ગુજરાતમાં વિકાસ થયો છે અને લોકો તે જોઈ રહ્યા છે. ચૂંટણી નજીક આવતા જ કેજરીવાલને વડોદરા અને ગુજરાત દેખાવા લાગ્યું છે. તેઓ માત્ર રાજકીય રોટલા શેકવા માટે અહીં આવ્યા છે”

'હું કેજરીવાલને ખુલ્લી ચેલેન્જ આપું છું...'

ઈનામદારે વધુમાં જણાવ્યું હતું કે, 'આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોઈ મજબૂત આધાર નથી ધરાવતી અને માત્ર નિવેદનબાજી કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરી રહી છે. હું કેજરીવાલને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તેઓ સાવલી વિધાનસભા ક્ષેત્રમાં આવે અને અમારી જનતાને જાતે પૂછે કે છેલ્લા વર્ષોમાં વિકાસ થયો છે કે નહીં. ગુજરાતની જનતા સમજદાર છે અને ખાલી વચનોમાં આવવાની નથી” તેમ તેમણે ઉમેર્યું. કેજરીવાલના નિવેદન અને તેના જવાબમાં કેતન ઈનામદારે કરેલા આ પ્રહાર બાદ વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ તેજ બનતી જઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now