Ketan Agarwal Murder Case: જાણીતા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના ચર્ચિત હત્યા કેસમાં આરોપી સિયા ગોયેલના માતા-પિતાએ પ્રથમ વખત જાહેરમાં મૌન તોડતાં અત્યંત ભાવુક અને કડક નિવેદનો આપ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તેમની દીકરી સિયા સામે લાગેલા આરોપો કોર્ટમાં સાબિત થાય તો તેને કોઈ પણ પ્રકારની દયા બતાવવી ન જોઈએ. આ નિવેદનો બાદ સમગ્ર કેસ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પર બનેલી આ ઘટનાએ દેશભરમાં ભારે ચકચાર જગાવી છે. પોલીસના આરોપ મુજબ કેતન અગ્રવાલની હત્યા તેની મંગેતર સિયા ગોયેલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ મળીને કરી હતી. તપાસ એજન્સીઓનો દાવો છે કે કેતનને કિલ્લાની આશરે 400 ફૂટ ઊંડી ખીણ તરફ ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું.
આ પણ વાંચો: Pune Murder Case | પુણે પોલીસે મંગેતર સિયા અને તેના પ્રેમીને સામસામે બેસાડીને પૂછપરછ કરી | Offbeat Stories
"દીકરી દોષિત ઠરે તો એ જ કિલ્લા પરથી ધક્કો મારી દો"- સિયાના પિતા પ્રવણી ગોયલનો જવાબ
જ્યારે સિયાના પિતા પ્રવીણ ગોયલને પૂછવામાં આવ્યું કે જો તેમની દીકરી કેતન અગ્રવાલની હત્યાની દોષિત સાબિત થાય તો તેઓ શું કહેવા માંગશે, ત્યારે તેમણે ખૂબ જ કડક શબ્દોમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જો સિયા ખરેખર દોષિત ઠરે તો કોર્ટ કોઈ વિલંબ ન કરે અને તેને પણ એ જ કિલ્લા પરથી ધક્કો મારીને ખતમ કરી દો. તેમના આ નિવેદનને ઘણા લોકો પિતાની વ્યથા અને ઘટનાથી થયેલા આઘાત તરીકે જોઈ રહ્યા છે.
"મારી દીકરી સિયાએ ગુનો કર્યો હોય તો તેને ફાંસી આપો" - સિયાની માતા પૂજા ગોયલનો જવાબ
સિયાની માતા પૂજા ગોયલએ પણ સમાન કડક વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે જો તેમની દીકરીએ ખરેખર આવો ગુનો કર્યો હોય તો તેને ફાંસીની સજા મળવી જોઈએ. તેમના કહેવા મુજબ તેઓ કોઈપણ સંજોગોમાં ગુનાને સમર્થન આપતા નથી અને કાયદો જે નિર્ણય કરશે તે સ્વીકાર્ય રહેશે.
આ પણ વાંચોઃ કેતન સાથે લગ્ન કરવાની ક્યારેય સિયાએ નથી પાડી ના! : સિયાની માતા પૂજા ગોયલે કર્યો ચોંકાવનારો ખુલાસો
કેતન અગ્રવાલ હત્યા કેસમાં પહેલીવાર આરોપી સિયા ગોયલના માતા-પિતાએ કેમેરા સામે મૌન તોડીને સ્ફોટક નિવેદનો આપ્યાં, જાણો વિગતવાર આખો સવાલ, જવાબનો સિલસિલો...
સવાલઃ
જો સિયાએ કેતનની હત્યા કરી છે તે સાબિત થઇ જાય તો?
સિયાના પિતાનો જવાબઃ
મારી દીકરી પણ જો દોષિત ઠરે, તો કોર્ટ વિલંબ ના કરે, સિયાને પણ એ જ કિલ્લા પર લઇ જઇને ત્યાંથી જ ધક્કો મારી દો અને ખતમ કરી દો.
સવાલઃ
તમારી દીકરી દોષિત હોય તેવું લાગી રહ્યું છે, જો દોષિત સાબિત થશે તો?
સિયાના માતાનો જવાબઃ
જો સિયાએ આવી હરકત કરી હોય તો સિયાને ફાંસીની સજા આપો. જો સિયાએ આ ખોટું કામ કર્યું હોય તો આપ એને ફાંસીની સજા આપો.
સવાલઃ
ગોયેલ ફેમીલીએ અમારા દીકરાને ટ્રેપ કર્યો હોવાનો અગ્રવાલ પરિવારનો આક્ષેપઃ
સિયાના પિતાનો જવાબઃ
એવું કંઈ જ નથી, અમારી ફેમીલી ખુબ સારી છે. અમારી ફેમીલીમાં કોઈ આવા ખરાબ સંસ્કાર નથી. જો ગોયેલ ફેમીલીમાં કોઈને પણ ખબર હોય કે બાળકોમાં આવું કંઈક ચાલી રહ્યું છે. સિયાનું બીજે લફરું હોય એવું કોઈને ખબર નહોંતી. જો અમારી કોઈ ભૂલ લાગે તો આખી ગોયલ ફેમીલીને ફાંસીની સજા આપી દો.
સિયાના માતાનો જવાબઃ
ગોયેલ ફેમીલીમાં કોઈને પણ ખબર હોય કે બાળકોનું આવું કંઈક ચાલતું હતું તો અમને બધાને ગોયલ ફેમીલીને ફાંસી આપી દો. જો અમારી કોઈ ભૂલ હોય તો અમને પણ ફાંસી આપો.
સવાલઃ
શું તમને ખબર હતી કે સિયાનો ફોન વારંવાર બીઝી આવતો હતો, તેનું કંઈક અફેર હતું?
સિયાના પિતાનો જવાબઃ
કેતનજી અમારા ઘરે ઘણીવાર આવ્યાં. હંમેશા મને પાપાજી, પાપાજી કરીને વાત કરતા હતા. મારા દીકરા કરતા પણ મારી સાથે એમનો વ્યવહાર સારો હતો. મારા દીકરા જેવો હતો કેતન. તેમના પિતાજીને એમણે કહ્યુંકે, સિયાનો ફોન વારંવાર બીઝી આવે છે, તેનું કોઈ સાથે અફેર તો નથી ને. હવે આ વાતમાં તો મારી સાથે વાત કરવી જોઇએ હતી. સિયાનો કોઈની સાથે કોઈ અફેર તો નથી ને. સિયાનો વારંવાર ફોન બીઝી કેમ આવે છે. એવું કેતનના પિતાનું કહેવું છે. તો તેમણે અમને વાત કરવી હતી. તેમણે અમને આવી વાત અમારી સામે ઉજાગર કરવી જોઈતી હતી.
સવાલઃ
શું સિયાએ એક પણ વાર એવું કહ્યું હતું તમને કે તે આ લગ્ન માટે રાજી નથી અથવા તેનો કંઈક બીજો પ્લાન છે?
સિયાના માતાનો જવાબઃ
લગ્ન માટે રાજી નથી એવી કોઈ વાત સિયાએ એકવાર પણ કહી નથી. બાલી જવા માટે મેં પોતે તેને શોપિંગ કરાવી હતી. સિયાએ એ પણ વાર અમને નથી કીધું કે મારે મેરેજ નથી કરવા. નહીં તો હું તેને કેમ 50 હજારની શોપિંગ કરવા લઇ જાત.
આ પણ વાંચોઃ 'સિયા હેલ્પ-હેલ્પ કરીને બૂમો પાડી રહી હતી, હું તો...' : કેતનને ખીણમાં ધક્કો માર્યા પછી શું થયું? ગાર્ડે ખોલ્યું મોટું રહસ્ય
તપાસ અને કોર્ટની કાર્યવાહી રહેશે નિર્ણાયક
આ કેસમાં પોલીસ પોતાની તપાસ આગળ વધારી રહી છે અને એકત્રિત કરાયેલા પુરાવા, ડિજિટલ ડેટા, કોલ રેકોર્ડ, ઘટનાસ્થળના પુરાવા અને ફોરેન્સિક તપાસના આધારે આરોપપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ આરોપીઓ સામેના તમામ આરોપો અંગે અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા ઉપલબ્ધ પુરાવા અને કાનૂની દલીલોના આધારે લેવામાં આવશે.
આ સમગ્ર પ્રકરણમાં સિયાના માતા-પિતાના નિવેદનો એક તરફ તેમની માનસિક સ્થિતિ અને આઘાતને દર્શાવે છે, તો બીજી તરફ એ પણ સ્પષ્ટ કરે છે કે તેઓ જાહેરમાં પોતાની દીકરી માટે કોઈ વિશેષ રાહતની માંગ કરતા નથી. જોકે, ભારતીય કાનૂની વ્યવસ્થામાં કોઈપણ વ્યક્તિ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે છે. તેથી કેસમાં અંતિમ સત્ય અને જવાબદારીનો નિર્ણય માત્ર કોર્ટના ચુકાદા બાદ જ સ્પષ્ટ થશે.






