પુણેના કેતન મર્ડર કેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લોહગઢ કિલ્લા પરથી કેતનની મંગેતર સિયા ગોયલે તેને 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. આ ઘટનામાં સિયાનો કથિત પ્રેમી ચેતન ચૌધરી પણ સામેલ હતો. લોહગઢ કિલ્લાના એક સિક્યોરિટી જણાવ્યું કે તેઓ ડ્યુટી પર હતા, ત્યારે જ તેમને અચાનક એક યુવતીની બૂમો પાડવાનો અવાજ આવ્યો. જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ત્યાં સિયા 'હેલ્પ-હેલ્પ' (મદદ-મદદ) કહીને બૂમો પાડી રહી હતી. ગાર્ડ સિવાય કેટલાક પ્રવાસીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.
ગાર્ડે શું જણાવ્યું?
લોહગઢ કિલ્લાના સિક્યોરિટી ગાર્ડ ધીરજ જાધવે જણાવ્યું હતું કે જ્યારે તેઓ દોડીને સિયા પાસે પહોંચ્યા ત્યારે તે મદદ માટે બૂમો પાડી રહી હતી. સિયા કહી રહી હતી કે 'તે અહીંથી લપસીને નીચે પડી ગયો.' આ પછી ગાર્ડે પોલીસને ફોન કર્યો અને સમગ્ર મામલાની જાણકારી આપી.
સગાઈ કરેલા યુવકની હત્યા કેસમાં મોટો વળાંક : મુખ્ય આરોપી સિયાના પિતાને હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ
સિયાએ કહ્યું- કેતન લપસીને ખીણમાં પડ્યો
પોલીસ અધિક્ષક (પુણે ગ્રામીણ) સંદીપ સિંહ ગિલે જણાવ્યું કે 18 જૂનના રોજ એક કપલ, જેમની સગાઈ ફેબ્રુઆરીમાં થઈ હતી, સિયા ગોયલ અને કેતન અગ્રવાલ, લોહગઢ કિલ્લાની મુલાકાતે ગયા હતા. ત્યાંથી લગભગ 10:30 કે 10:45 વાગ્યાની આસપાસ સિયા ગોયલે ફોન કરીને જણાવ્યું કે કેતન અગ્રવાલ લપસીને પડી ગયો છે અને લોહગઢ કિલ્લા પરથી નીચે પડવાના કારણે તેનું મોત નીપજ્યું છે.
તેમણે જણાવ્યું કે માહિતી મળતાની સાથે જ ત્યાંના સિક્યોરિટી ગાર્ડ, પોલીસ, યુવતી અને મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને તે જ દિવસે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો. કેસ દાખલ કર્યા પછી આગળ જે તપાસ કરવામાં આવી, તેમાં કેટલીક એવી બાબતો સામે આવી જેનાથી ઘટનાને લઈને શંકા પેદા થઈ.
'પૈસા નહીં, પ્રેમ પસંદ કર્યો?' : કરોડપતિ કેતન અગ્રવાલ સામે રાશનની દુકાનમાં કામ કરતો ચેતન...
31 મેના રોજ પહેલીવાર લોહગઢ ગયા હતા સિયા અને કેતન
એસપી સંદીપ ગિલે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ કપલ 31 મેના રોજ પુણેના લોનાવાલા સ્થિત લોહગઢ કિલ્લા પર ગયું હતું. કેતન અગ્રવાલને ટ્રેકિંગનો શોખ હતો. તે દિવસે અને તેના પછીના થોડા દિવસોમાં બંને આરોપીઓ (સિયા ગોયલ અને ચેતન ચૌધરી)ના મનમાં એવો વિચાર આવ્યો કે કેતનને તે જગ્યાએથી નીચે ધક્કો મારી શકાય છે. તેમણે પોતાના આ વિચારને અમલમાં મૂકવા અંગે વિચારવાનું શરૂ કર્યું.
એસપીએ જણાવ્યું કે ત્યારબાદ સાંજે 4 વાગ્યે, તેમણે કિલ્લા પર પાછા જવાની યોજના બનાવી. જોકે, તે દિવસે એવું શક્ય ન બન્યું. ત્યારબાદ, આ ઘટનાને અંજામ આપવા માટે 14 જૂનના રોજ એ જ જગ્યા પસંદ કરવામાં આવી, જે પોઈન્ટ પરથી 18 જૂને પડી જવાથી કેતનનું મોત થયું હતું.
14 જૂને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો
આ મામલાની મોટાભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે 14 જૂને પણ આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે પ્રયાસ સફળ ન થયો અને મૃતક કેતન અગ્રવાલના મનમાં આ અંગે કોઈ શંકા પણ પેદા ન થઈ. તેમણે જણાવ્યું કે બંને આરોપીઓની પૂછપરછ સાથે જોડાયેલી વિગતો અત્યારે જાહેર કરી શકાય તેમ નથી. પોલીસ તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્ર કરી રહી છે. અમે આગળ પણ આ ઘટના અંગે પ્રેસને માહિતી આપતા રહીશું.
રિપોર્ટ્સ અનુસાર, સિયા અને ચેતને છેલ્લા છ મહિનામાં એકબીજાને 2,004 વખત ફોન કર્યા હતા અને કુલ 238 કલાક વાતચીત કરી હતી. બંને વચ્ચે ફોન પર ઘણી વખત બે-ત્રણ કલાકથી વધુ સમય સુધી પણ વાતચીત થઈ હતી. પોલીસને શંકા છે કે સિયા અને ચેતન વચ્ચેની આટલી બધી વાતચીતનો સંબંધ કેતનની હત્યાના કાવતરા સાથે હોઈ શકે છે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘટનાના દિવસે સિયા અને ચેતન લોહગઢ કિલ્લા પર જતા પહેલા એક કેફેમાં મળ્યા હતા અને તેમણે કેતનને ખતમ કરવાના કાવતરાને આખરી ઓપ આપ્યો હતો. મુલાકાત દરમિયાન બંનેએ કિલ્લાની એક એવી યોગ્ય જગ્યા શોધી કાઢી હતી, જ્યાંથી કેતનને ખીણમાં ધક્કો મારી શકાય. તેમણે હત્યાના કાવતરાને અંજામ આપવાની પૂરેપૂરી તૈયારી પણ કરી લીધી હતી.





