Ketan Agarwal Murder Case: મહારાષ્ટ્રના પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસની મુખ્ય આરોપી સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલની તબિયત અચાનક બગડી ગઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ બાદ તેમને રૂબી હોલ ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ સ્ટાફે તેમને ICUમાં દાખલ કર્યા છે. મળતી માહિતી મુજબ, કેતન મર્ડર કેસની ચાલી રહેલી તપાસના ભારે તણાવ (સ્ટ્રેસ)ને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો છે.
તેમની સ્થિતિ પર નજર રાખવા અને ICUની આસપાસના વિસ્તારની સુરક્ષા માટે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓએ પરિવારને કડક દેખરેખ હેઠળ રાખ્યો છે, જ્યારે ડોક્ટરો સતત આરોપીના પિતાની રિકવરી અને સ્વાસ્થ્ય સંબંધિત પેરામીટર્સ પર નજર રાખી રહ્યા છે.
'પૈસા નહીં, પ્રેમ પસંદ કર્યો?' : કરોડપતિ કેતન અગ્રવાલ સામે રાશનની દુકાનમાં કામ કરતો ચેતન...
કેતન અગ્રવાલની 18 જૂને હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં આને અકસ્માત ગણાવવામાં આવ્યો હતો. બાદમાં તપાસમાં સામે આવ્યું કે આ અકસ્માત નહીં પણ હત્યા હતી. પોલીસે આ મામલે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના મિત્ર ચેતન ચૌધરીની ધરપકડ કરી છે.
કેતન હત્યાકેસમાં નવો વળાંક
કેતન અગ્રવાલ હત્યાકેસમાં ગુરુવારે તે સમયે નવો વળાંક આવ્યો, જ્યારે પોલીસે ચેતન ચૌધરીના મિત્ર નીરજ ચૌધરીની અટકાયત કરીને પૂછપરછ કરી. પોલીસ હવે એ શોધવામાં જોતરાઈ છે કે ઘટના પહેલા અને ઘટનાના દિવસે નીરજની શું ભૂમિકા હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, જે દિવસે લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન કથિત રીતે કેતનની હત્યા થઈ, તે દિવસે ચેતન ચૌધરી પોતાનો મોબાઈલ ફોન ઘરે અથવા દુકાને મૂકીને ગયો હતો. તેના બદલે તે નીરજ કુમારનો ફોન પોતાની સાથે લઈ ગયો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘટનાના દિવસે ચેતન ચૌધરી અને સહ-આરોપી સિયા ગોયલ નીરજના મોબાઈલ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા.
ચેતનના કાકાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચેતન પોતાનો ફોન દુકાને મૂકીને ગયો હતો અને નીરજનો ફોન લઈ ગયો હતો. તેમણે કહ્યું કે ચેતન અને નીરજ અવારનવાર વાતચીત અને અન્ય કામો માટે એકબીજાના ફોનનો ઉપયોગ કરતા હતા. નીરજ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેમની ત્યાં કામ કરી રહ્યો છે અને પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે.
PM મોદી સાથેની બેઠક બાદ Amazonનું ભારત માટે સૌથી મોટું એલાન! : 2030 સુધીમાં રૂ.48 અબજનું રોકાણ કરશે
પોલીસનો ખુલાસો: બે વખત નિષ્ફળ પ્રયાસ બાદ હત્યા
આ મામલે એસપી સંદીપ ગિલે તપાસ સાથે જોડાયેલી મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કેતન અને સિયા 31 મેના રોજ પુણેના લોનાવાલા સ્થિત લોહગઢ કિલ્લા પર ગયા હતા. કેતનને ટ્રેકિંગનો શોખ હતો. તે દિવસે અને પછીના થોડા દિવસોમાં બંને આરોપીઓના મનમાં એવો વિચાર આવ્યો કે કેતનને તે જગ્યાએથી નીચે ધકેલી શકાય છે.
તેમણે જણાવ્યું કે બે વખત નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ કેતનની હત્યા કરવામાં આવી હતી. એસપીએ જણાવ્યું કે ફરી 4 વાગ્યે, તેઓએ કિલ્લા પર પાછા જવાની યોજના બનાવી હતી. જોકે, તે દિવસે એવું શક્ય ન બન્યું. ત્યારબાદ 18 જૂને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, સિયા અને ચેતને છેલ્લા છ મહિનામાં એકબીજાને 2,004 વખત ફોન કર્યા હતા અને કુલ 238 કલાક વાતચીત કરી હતી. બંને વચ્ચે ફોન પર ઘણી વખત બે-ત્રણ કલાકથી વધુ સમય સુધી પણ વાતચીત થઈ હતી. પોલીસને શંકા છે કે સિયા અને ચેતન વચ્ચેની આટલી લાંબી વાતચીતનો સંબંધ કેતનની હત્યાના ષડયંત્ર સાથે હોઈ શકે છે.
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઘટનાના દિવસે સિયા અને ચેતન લોહગઢ કિલ્લા પર જતા પહેલા એક કેફેમાં મળ્યા હતા અને તેમણે કેતનને ખતમ કરવાના ષડયંત્રને આખરી ઓપ આપ્યો હતો.





