Home National Amazon 48 Billion Investment India Pm Modi Andy Jassy 2030

PM મોદી સાથેની બેઠક બાદ Amazonનું ભારત માટે સૌથી મોટું એલાન! : 2030 સુધીમાં રૂ.48 અબજનું રોકાણ કરશે

Amazon India Investment
Image Credit: @narendramodi
Published by: Nirali Gohil
Last Updated: Jun 25, 2026, 12:20 PM IST

Amazon India Investment: વિશ્વની અગ્રણી ઈ-કોમર્સ અને ક્લાઉડ ટેક્નોલોજી કંપની Amazonએ ભારત માટે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ જાહેર કર્યું છે. કંપનીએ વર્ષ 2026થી 2030 વચ્ચે ભારતમાં કુલ 48 અબજ ડોલર (અંદાજે ₹4 લાખ કરોડથી વધુ)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ જાહેરાત Amazonના CEO એન્ડી જેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કર્યા બાદ કરવામાં આવી હતી. Amazonનું આ રોકાણ માત્ર ઈ-કોમર્સ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, લોજિસ્ટિક્સ, ડિજિટલ સેવાઓ અને ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર પણ કેન્દ્રિત રહેશે. કંપનીનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં ભારત તેના સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક બજારોમાંનું એક બની રહેશે અને આ રોકાણ દેશના ડિજિટલ વિકાસને વધુ વેગ આપશે.

PM મોદીએ રોકાણનું કર્યું સ્વાગત

Amazonના CEO એન્ડી જેસી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ રોકાણનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે Amazonનું રેકોર્ડ રોકાણ ભારતના યુવાનો માટે નવી રોજગારી અને વિકાસની તકો ઊભી કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિશ્વભરની મોટી કંપનીઓનો ભારત પ્રત્યેનો વધતો વિશ્વાસ અને રોકાણની વધતી ઇચ્છા દેશની મજબૂત અર્થવ્યવસ્થાનો પુરાવો છે.

કયા ક્ષેત્રોમાં થશે સૌથી વધુ રોકાણ?

Amazon દ્વારા જાહેર કરવામાં આવેલા રોકાણનો મોટો હિસ્સો ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે ખર્ચવામાં આવશે. કંપની આગામી વર્ષોમાં ઈ-કોમર્સ નેટવર્કને વધુ વિસ્તૃત કરશે તેમજ AWS ક્લાઉડ સેવાઓને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સેન્ટર, સ્માર્ટ લોજિસ્ટિક્સ, ડિજિટલ સેવાઓ અને ટેક્નોલોજી ઈનોવેશનમાં પણ મોટા પાયે રોકાણ કરવાની યોજના ધરાવે છે.

AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 21 અબજ ડોલર

Amazonના CEO એન્ડી જેસીએ જણાવ્યું કે કુલ રોકાણમાંથી 21 અબજ ડોલરથી વધુ રકમ ખાસ કરીને AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવશે. કંપનીનું માનવું છે કે, ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ડિજિટલ માર્કેટ્સમાંનું એક છે અને AI આધારિત ટેક્નોલોજી આગામી વર્ષોમાં દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.

2030 સુધીમાં લાખો લોકોને મળશે રોજગારી

Amazonએ પોતાના લાંબા ગાળાના રોડમેપમાં રોજગારી સર્જન પર પણ ભાર મૂક્યો છે. કંપનીનો અંદાજ છે કે વર્ષ 2030 સુધીમાં તેના સમગ્ર ઈકોસિસ્ટમ દ્વારા લગભગ 38 લાખ લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળશે. આ ઉપરાંત Amazonનું લક્ષ્ય ભારતમાંથી કુલ 80 અબજ ડોલરના ઈ-કોમર્સ નિકાસને પ્રોત્સાહન આપવાનું છે, જેથી નાના વેપારીઓ અને સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક બજારમાં વધુ તક મળી શકે.

નાના વેપારીઓ અને વિદ્યાર્થીઓને પણ મળશે લાભ

Amazonએ જણાવ્યું છે કે કંપની AI ટેક્નોલોજીના લાભો દેશના લગભગ 1.5 કરોડ નાના વેપારીઓ સુધી પહોંચાડવા માંગે છે. ડિજિટલ પ્લેટફોર્મ અને AI આધારિત ટૂલ્સ દ્વારા વેપારીઓને પોતાનો વ્યવસાય વધુ ઝડપથી વધારવામાં મદદ મળશે. સાથે જ કંપની દેશની લગભગ 40 લાખ સરકારી શાળાના વિદ્યાર્થીઓ સુધી AI આધારિત શિક્ષણ અને ડિજિટલ લર્નિંગના લાભો પહોંચાડવાની યોજના પર પણ કામ કરી રહી છે.

એન્ડી જેસીએ શું કહ્યું?

PM મોદી સાથેની મુલાકાત બાદ Amazonના CEO એન્ડી જેસીએ જણાવ્યું કે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી કંપની ભારતમાં ગ્રાહકો, સ્ટાર્ટઅપ્સ, ડેવલપર્સ અને નાના વેપારીઓ સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, Amazon માટે ભારત સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક છે અને કંપની આગામી વર્ષોમાં પણ દેશમાં સતત રોકાણ કરીને ભારતના વિકાસમાં ભાગીદાર બનવા માટે પ્રતિબદ્ધ છે.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ રોકાણ?

વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાંથી એક Amazonનું આ રોકાણ ભારત માટે અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એક તરફ લાખો રોજગારીની નવી તકો ઊભી થશે તો બીજી તરફ AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સ્થાન મળવાની શક્યતા છે. ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા ઉપરાંત નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ અને નિકાસકારો માટે પણ આ રોકાણ નવા અવસર ઉભા કરી શકે છે. આગામી પાંચ વર્ષમાં Amazonની આ યોજના ભારતના ટેક્નોલોજી અને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવી શકે છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now