Indira Gandhi Emergency in India 1975: આજે ભારતના રાજકીય ઇતિહાસની સૌથી ચર્ચાસ્પદ ઘટનાને 51 વર્ષ પૂર્ણ થયા છે. 25 જૂન, 1975ની મધરાત્રિએ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક કટોકટી (Emergency) લાગુ કરવાની ભલામણ કરી અને રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે બંધારણની કલમ 352 હેઠળ તેની જાહેરાત કરી. ત્યારબાદના 21 મહિના દરમિયાન ભારતના લોકતંત્ર, નાગરિક સ્વતંત્રતા અને રાજકીય વ્યવસ્થાએ એવો સમય જોયો, જેને આજે પણ દેશના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ અધ્યાયોમાંથી એક માનવામાં આવે છે.
આજે પણ જ્યારે 'ઈમરજન્સી' શબ્દ ઉચ્ચારવામાં આવે છે ત્યારે માત્ર એક રાજકીય નિર્ણય જ નહીં, પરંતુ સેન્સરશિપ, વિરોધી નેતાઓની ધરપકડ, અખબારો પર નિયંત્રણ, મૂળભૂત અધિકારોનું સ્થગન અને સરકારની અસાધારણ સત્તાઓ જેવી અનેક ઘટનાઓ યાદ આવે છે. જોકે, બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે આ સમયગાળામાં સરકારી કામગીરીમાં ઝડપ આવી, ટ્રેનો સમયસર દોડવા લાગી, સરકારી કચેરીઓમાં શિસ્ત વધી અને વિકાસલક્ષી કાર્યક્રમોનો અમલ વધુ અસરકારક બન્યો. આ કારણે ઇમરજન્સી અંગે આજે પણ મતભેદ જોવા મળે છે.
શું છે ઈમરજન્સી?
ભારતના બંધારણમાં એવી જોગવાઈ છે કે જો દેશની સુરક્ષા, એકતા અથવા સ્થિરતા પર ગંભીર ખતરો ઊભો થાય તો કેન્દ્ર સરકાર 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી શકે છે. બંધારણની કલમ 352 હેઠળ યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા તે સમયના કાયદા મુજબ 'આંતરિક અશાંતિ (Internal Disturbance)'ના આધારે ઈમરજન્સી જાહેર કરી શકાતી હતી. 1978ના 44મા બંધારણીય સુધારા બાદ 'Internal Disturbance' શબ્દને બદલે 'Armed Rebellion' એટલે કે સશસ્ત્ર બળવો શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ભવિષ્યમાં આ જોગવાઈનો સરળતાથી દુરુપયોગ ન થઈ શકે. ઈમરજન્સી લાગુ થતાં જ કેન્દ્ર સરકારને અસાધારણ સત્તાઓ મળી જાય છે. કેટલીક મૂળભૂત સ્વતંત્રતાઓ પર નિયંત્રણ મૂકવામાં આવી શકે છે અને સરકારને વિશેષ વહીવટી અધિકારો મળે છે.

આખરે 1975માં એવી શું પરિસ્થિતિ હતી?
1971ની લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને ઐતિહાસિક જીત મળી હતી. 'ગરીબી હટાવો'ના નારા સાથે તેઓ અત્યંત લોકપ્રિય બન્યા હતા. પરંતુ થોડાં જ વર્ષોમાં દેશમાં મોંઘવારી, બેરોજગારી, તેલ સંકટ અને ભ્રષ્ટાચારના મુદ્દે અસંતોષ વધવા લાગ્યો હતો . ગુજરાતમાં નવ નિર્માણ આંદોલન અને ત્યારબાદ બિહારમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં શરૂ થયેલા વિદ્યાર્થી અને જનઆંદોલનોએ કેન્દ્ર સરકાર સામે મોટો પડકાર ઊભો કર્યો. દેશમાં સરકાર વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. આ દરમિયાન 12 જૂન, 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની 1971ની ચૂંટણીને ગેરરીતિઓના આધારે અમાન્ય જાહેર કરી હતી અને તેમના પર ચૂંટણી લડવા પ્રતિબંધ મૂક્યો હતો. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાંથી મર્યાદિત રાહત મળી, પરંતુ રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું. વિરોધ પક્ષોએ તેમના રાજીનામાની માંગ ઉગ્ર બનાવી અને જયપ્રકાશ નારાયણે દેશવ્યાપી આંદોલનનું આહ્વાન કર્યું હતું.

25 જૂનની રાત અને લોકતંત્રનો સૌથી મોટો વળાંક
25 જૂન, 1975ની મધરાત્રિએ રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ પર દેશમાં આંતરિક ઈમરજન્સીની જાહેરાત કરી હતી. જાહેરાત થતાં જ દેશભરમાં વિરોધ પક્ષના અગ્રણી નેતાઓની ધરપકડ શરૂ થઈ ગઈ હતી. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, એલ.કે. અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિઝ સહિત હજારો રાજકીય કાર્યકરોને જેલમાં મોકલવામાં આવ્યા હતા. અખબારોની વીજળી સુધી કાપી દેવામાં આવી જેથી બીજા દિવસના અખબારો સરકારની મંજૂરી વગર છપાઈ ન શકે.
ઈમરજન્સી દરમિયાન સામાન્ય લોકોના જીવનમાં શું બદલાયું?
ઈમરજન્સી લાગુ થયા બાદ સામાન્ય લોકો માટે સૌથી મોટો ફેરફાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પડ્યો. સરકારની ટીકા કરવી મુશ્કેલ બની ગઈ હતી. અખબારોને સમાચાર પ્રકાશિત કરતા પહેલાં સરકારી મંજૂરી લેવી પડતી હતી. સરકાર વિરુદ્ધના લેખો, કાર્ટૂન અથવા સમાચાર અટકાવવામાં આવતા હતા. પોલીસને વિશેષ સત્તાઓ મળતાં શંકાના આધારે પણ લોકોની ધરપકડ થવા લાગી હતી. અનેક રાજકીય કાર્યકરો, પત્રકારો, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થી નેતાઓને કોર્ટમાં રજૂ કર્યા વગર લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા. અંદાજે એક લાખથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

સંજય ગાંધીની ભૂમિકા કેમ ચર્ચામાં રહી?
ઈમરજન્સી દરમિયાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અત્યંત પ્રભાવશાળી બન્યા હતા. તેમણે પાંચ મુદ્દાના કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો, જેમાં પરિવાર નિયોજન અભિયાન સૌથી વધુ ચર્ચામાં રહ્યું. ઘણા રાજ્યોમાં નસબંધીના લક્ષ્યાંકો પૂરા કરવા માટે સ્થાનિક તંત્ર પર ભારે દબાણ કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ લોકોની સંમતિ વગર અથવા દબાણ હેઠળ નસબંધી કરાવવાના આરોપો લાગ્યા હતા. ઝૂંપડપટ્ટીઓ હટાવવાના અભિયાનને કારણે પણ હજારો પરિવારો અસરગ્રસ્ત બન્યા. આ મુદ્દાઓ આજે પણ ઇમરજન્સીના સૌથી વિવાદાસ્પદ પાસાઓમાં ગણાય છે.
શું ઈમરજન્સીથી કોઈ ફાયદો પણ થયો હતો?
ઈમરજન્સી અંગે ચર્ચા થાય ત્યારે કેટલાક લોકો તેના કેટલાક સકારાત્મક પાસાઓનો પણ ઉલ્લેખ કરે છે. તે સમયગાળા દરમિયાન સરકારી કચેરીઓમાં સમયપાલન વધ્યું, રેલવે અને સરકારી સેવાઓમાં શિસ્ત આવી, હડતાળો ઘટી અને સરકારના 20-પોઇન્ટ કાર્યક્રમ દ્વારા ગરીબી ઘટાડવા, ભાવ નિયંત્રણ અને વિકાસલક્ષી યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવાનો પ્રયાસ થયો હતો. સમર્થકોનું માનવું હતું કે, વહીવટી કાર્યક્ષમતા વધી હતી.
જોકે ઘણા ઇતિહાસકારો અને રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે, વિકાસના આ દાવાઓ સામે લોકશાહી મૂલ્યો અને નાગરિક અધિકારોને થયેલું નુકસાન વધુ ગંભીર હતું.

નુકસાન શું થયું?
ઈમરજન્સીનો સૌથી મોટો પ્રભાવ લોકશાહી સંસ્થાઓ પર પડ્યો હતો. અખબારો પર સેન્સરશિપ લાદવામાં આવી, ન્યાયતંત્ર અને વિરોધ પક્ષોની ભૂમિકા મર્યાદિત થઈ, રાજકીય વિરોધને દબાવવામાં આવ્યો અને સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકારો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. ઘણા લોકો માટે આ સમય ભય અને અનિશ્ચિતતાનો હતો. તેથી જ ઇતિહાસમાં આ સમયને ભારતીય લોકતંત્રની સૌથી કઠિન કસોટી તરીકે જોવામાં આવે છે.
ઈમરજન્સીનો અંત કેવી રીતે આવ્યો?
જાન્યુઆરી 1977માં ઇન્દિરા ગાંધીએ અચાનક લોકસભાની ચૂંટણી જાહેર કરી હતી. માર્ચ 1977માં ચૂંટણી યોજાઈ અને કોંગ્રેસને ઐતિહાસિક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જનતા પાર્ટી સત્તામાં આવી અને 21 માર્ચ, 1977ના રોજ ઈમરજન્સી સત્તાવાર રીતે સમાપ્ત થઈ હતી. ત્યારબાદ 44મા બંધારણીય સુધારા દ્વારા ઈમરજન્સી સંબંધિત અનેક જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યા, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં સત્તાનો દુરુપયોગ અટકાવી શકાય હતી.

આજે પણ ઈમરજન્સીની ચર્ચા કેમ થાય છે?
ઈમરજન્સીને લગભગ પાંચ દાયકાથી વધુ સમય વીતી ગયો છે, છતાં દર વર્ષે 25 જૂને તેની ચર્ચા થાય છે. તેના કારણો માત્ર રાજકીય નથી, પરંતુ લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને બંધારણીય મૂલ્યો સાથે પણ જોડાયેલા છે. કેટલાક લોકો તેને દેશના ઇતિહાસનો 'કાળો અધ્યાય' કહે છે, જ્યારે કેટલાક તેને તે સમયની અસાધારણ પરિસ્થિતિમાં લેવામાં આવેલો કઠોર પરંતુ બંધારણીય નિર્ણય ગણાવે છે. મતભેદો હોવા છતાં એક વાત સ્પષ્ટ છે કે, 1975થી 1977 વચ્ચેનો સમય ભારતના લોકતંત્રને સમજવા માટે સૌથી મહત્વપૂર્ણ અધ્યાયોમાંથી એક છે.





