Citizenship Act 1955: ભારતીય પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો છે કે માત્ર મુસાફરી માટેનો દસ્તાવેજ? આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. સરકારે જણાવ્યું છે કે ભારતીય પાસપોર્ટને નાગરિકતાનો નિશ્ચિત પુરાવો ન માનવાની કાનૂની જોગવાઈ કોઈ નવી નથી, પરંતુ વર્ષોથી અમલમાં રહેલો કાયદો છે. સરકારના જણાવ્યા મુજબ આ અંગે કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો નથી અને દાયકાઓથી ચાલતી કાનૂની વ્યવસ્થા મુજબ જ પાસપોર્ટને મુખ્યત્વે ટ્રાવેલ ડોક્યુમેન્ટ તરીકે જોવામાં આવે છે. વિદેશ મંત્રાલયે 'પાસપોર્ટ સેવા દિવસ' નિમિત્તે ચિપ આધારિત ઈ-પાસપોર્ટ અંગે માહિતી આપતી વખતે આ સ્પષ્ટતા કરી હતી. ત્યારબાદ રાજકીય વર્તુળોથી લઈને સોશિયલ મીડિયા સુધી આ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. વિવાદ વધતા કેન્દ્ર સરકારે પાસપોર્ટ એક્ટ, 1967 તેમજ બોમ્બે હાઈકોર્ટના 2013ના ચુકાદાનો ઉલ્લેખ કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
સરકારે કહ્યું- આ કોઈ નવો નિર્ણય નથી
કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતીય પાસપોર્ટને નાગરિકતાનો અંતિમ પુરાવો ન ગણવાની વ્યવસ્થા વર્ષોથી અમલમાં છે. છેલ્લા 12 વર્ષમાં પણ આ અંગે કોઈ નવો નીતિગત નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તે કોઈ તાજેતરના ફેરફારને કારણે નહીં પરંતુ જૂની કાનૂની જોગવાઈને લઈને છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું કે પાસપોર્ટનું મુખ્ય કામ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વ્યક્તિની ઓળખ અને મુસાફરીની મંજૂરી આપવાનું છે, જ્યારે નાગરિકતાનો પ્રશ્ન અલગ કાયદાકીય પ્રક્રિયા હેઠળ નક્કી કરવામાં આવે છે.
આખરે વિવાદ શરૂ કેવી રીતે થયો?
આ સમગ્ર વિવાદની શરૂઆત બુધવારે વિદેશ મંત્રાલય દ્વારા 'પાસપોર્ટ સેવા દિવસ' નિમિત્તે આયોજિત કાર્યક્રમ દરમિયાન થઈ હતી. ઈ-પાસપોર્ટના લાભો વિશે માહિતી આપતી વખતે અધિકારીઓએ જણાવ્યું હતું કે પાસપોર્ટ એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે અને તેને નાગરિકતાના અંતિમ પુરાવા તરીકે જોવો યોગ્ય નથી. આ નિવેદન બાદ વિપક્ષી પક્ષોએ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ ચર્ચા તેજ બની હતી. ઘણા લોકોનો સવાલ હતો કે જો પાસપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઓળખ દર્શાવે છે તો તેને નાગરિકતાનો પુરાવો કેમ ન ગણવામાં આવે?
સરકારે કાયદા અને કોર્ટના ચુકાદાનો આપ્યો હવાલો
વિવાદ વધતા કેન્દ્ર સરકારે પાસપોર્ટ એક્ટ, 1967ની જોગવાઈઓ અને બોમ્બે હાઈકોર્ટના 2013ના એક મહત્વપૂર્ણ ચુકાદાનો ઉલ્લેખ કર્યો. સરકારના જણાવ્યા મુજબ કાયદામાં કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં ભારતના નાગરિક ન હોય તેવી વ્યક્તિને પણ પાસપોર્ટ અથવા અન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ જારી કરવાની જોગવાઈ છે. સરકારે દલીલ કરી કે,આ જ કારણસર પાસપોર્ટને કાયદાકીય રીતે નાગરિકતાનો અંતિમ અને નિર્વિવાદ પુરાવો માનવામાં આવતો નથી.
શું કહે છે પાસપોર્ટ એક્ટ, 1967ની કલમ 20?
વિદેશ મંત્રાલયે પાસપોર્ટ એક્ટ, 1967ની કલમ 20નો ખાસ ઉલ્લેખ કર્યો છે. આ કલમ મુજબ જો કેન્દ્ર સરકારને જાહેર હિતમાં જરૂરી લાગે તો તે ભારતના નાગરિક ન હોય તેવી વ્યક્તિને પણ પાસપોર્ટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપી શકે છે. આ જોગવાઈ દર્શાવે છે કે પાસપોર્ટનું મુખ્ય કાર્ય મુસાફરીને સરળ બનાવવાનું છે, જ્યારે નાગરિકતા નક્કી કરવાની પ્રક્રિયા અલગ કાયદા હેઠળ થાય છે.
તો નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે?
આ વિવાદ બાદ ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે જો પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી તો આખરે કયો દસ્તાવેજ માન્ય ગણાય? ફેબ્રુઆરી 2020માં સંસદમાં પણ આ જ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો. તે સમયે ગૃહ મંત્રાલયે જવાબ આપ્યો હતો કે ભારત સરકાર કોઈ એક દસ્તાવેજને નાગરિકતાનો અંતિમ પુરાવો જાહેર કરતી નથી. આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ જેવા દસ્તાવેજો વિવિધ હેતુઓ માટે ઉપયોગી છે, પરંતુ નાગરિકતાનો નિર્ણય માત્ર એક જ દસ્તાવેજના આધારે કરવામાં આવતો નથી.
ભારતમાં નાગરિકતા કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં નાગરિકતા 'સિટિઝનશિપ એક્ટ, 1955' હેઠળ નક્કી કરવામાં આવે છે. કાયદા અનુસાર કોઈપણ વ્યક્તિને નીચેના આધારો પર ભારતીય નાગરિકતા મળી શકે છે. જન્મ દ્વારા, વંશાવળી દ્વારા, રજીસ્ટ્રેશન દ્વારા, નેચરલાઈઝેશન (દેશીયકરણ) દ્વારા અથવા કોઈ વિસ્તાર ભારત સાથે જોડાય ત્યારે. સરકારનું કહેવું છે કે, દેશમાં કોઈ એક સિંગલ 'સિટિઝનશિપ કાર્ડ'ની વ્યવસ્થા નથી. દરેક કેસમાં ઉપલબ્ધ દસ્તાવેજો, કાયદાકીય જોગવાઈઓ અને સંબંધિત પુરાવાના આધારે નાગરિકતા નક્કી કરવામાં આવે છે.
સરકારની સ્પષ્ટતા બાદ શું બદલાશે?
કેન્દ્ર સરકારના નિવેદન બાદ સ્પષ્ટ થયું છે કે પાસપોર્ટ અંગે હાલ કોઈ નવો નિયમ અમલમાં આવ્યો નથી. સરકારનું કહેવું છે કે હાલની કાનૂની સ્થિતિ વર્ષોથી યથાવત છે અને પાસપોર્ટનો ઉપયોગ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેના દસ્તાવેજ તરીકે જ કરવામાં આવે છે. નાગરિકતા સંબંધિત તમામ પ્રશ્નોનો નિર્ણય સિટિઝનશિપ એક્ટ, 1955 અને તેના નિયમો મુજબ જ કરવામાં આવશે.






