લગ્નની તૈયારીઓ વચ્ચે સિયા અને ચેતને કેતનને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું
મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા લોહગઢ કિલ્લા પરથી મંગેતર કેતન અગ્રવાલને ઊંડી ખીણમાં ધક્કો મારીને હત્યા કરવાના સનસનાટીભર્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. પુણે ગ્રામીણ પોલીસે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીને સામસામે બેસાડીને કલાકો સુધી આકરી પૂછપરછ કરી છે. અદાલતે બંને આરોપીઓને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.
બિઝનેસ મીટિંગમાં શરૂ થઈ હતી પ્રેમ કહાની
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સિયા ગોયલ પોતાની એક બેકરી ચલાવતી હતી, જ્યારે ચેતન ચૌધરી ડ્રાયફ્રૂટ્સનો બિઝનેસ કરતો હતો. ગયા વર્ષે એક બિઝનેસ મીટિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ નવેમ્બર 2025માં બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો.
બીજી તરફ, સિયાના પરિવારજનો તેના લગ્ન બિઝનેસમેન કેતન અગ્રવાલ સાથે નક્કી કરી ચૂક્યા હતા અને લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. ચેતન આ સંબંધથી નાખુશ હતો અને કેતનને પોતાના પ્રેમની વચ્ચે મોટો અવરોધ માનતો હતો. આથી સિયા અને ચેતને મળીને કેતનને રસ્તામાંથી હટાવવા માટે આ ઘાતક કાવતરું ઘડ્યું હોવાનો પોલીસનો દાવો છે.
આ પણ વાંચો: Ketan Agarwal Murder Case | કોણ હતો 26 વર્ષીય કેતન અગ્રવાલ? | Offbeat Stories
ચેતનના કર્મચારીની પણ અટકાયત અને તપાસ
આ મર્ડર કેસમાં હવે કાવતરાના નવા સ્તરો સામે આવી રહ્યા છે. પુણે પોલીસે ચેતનની દુકાનમાં કામ કરતા નીરજ કુમાર નામના એક કર્મચારીની અટકાયત કરી છે. નીરજ છેલ્લા 3 વર્ષથી ચેતન સાથે કામ કરતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 18 જૂનના રોજ એટલે કે હત્યાના દિવસે, ચેતન પોતાના કર્મચારી નીરજનો મોબાઈલ ફોન પોતાની સાથે લોહગઢ કિલ્લા પર લઈ ગયો હતો. પોલીસને શંકા છે કે ચેતને પોતાના ફોનને બદલે નીરજના ફોનનો ઉપયોગ કરીને સિયા સાથે વારંવાર સંપર્ક કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય. પોલીસે આ એંગલ પર ટેકનિકલ પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું છે.






