મેયર મીડિયા સમક્ષ 'બધું કંટ્રોલમાં છે' કહેતા હતા અને પાછળ જ વ્યક્તિ ખાડામાં ખાબક્યો!
મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર અને તોફાની એન્ટ્રી થઈ છે. મંગળવારથી શરૂ થયેલો ભારે વરસાદ સતત 24 કલાક સુધી ચાલુ રહેતા માયાનગરી મુંબઈ પાણી-પાણી થઈ ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં 300 mm કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તાઓ દરિયામાં ફેરવાઈ ગયા છે. વાહનોની ગતિ થમી ગઈ છે અને લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.
આંકડાઓ પર નજર કરીએ તો, કોલાબામાં 248 mm વરસાદ પડ્યો છે, જે જૂન મહિનાના સરેરાશ વરસાદના 45% જેટલો છે. આ ઉપરાંત સાન્તાક્રુઝમાં 225 mm, માલવણીમાં 340 mm અને પરેલમાં 334 mm વરસાદ નોંધાતા સ્થિતિ ગંભીર બની છે.
મેયરની હાજરીમાં શખ્સ ખાડામાં ખાબક્યો, રાજકારણ ગરમાયું
ભારે વરસાદ વચ્ચે મુંબઈના મેયર રીતુ તાવડે BMC કર્મચારીઓ સાથે દાદરના ગાંધી માર્કેટ વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. મેયર જ્યારે મીડિયા સમક્ષ 'બધું નિયંત્રણમાં છે' તેમ કહી રહ્યા હતા, બરાબર ત્યારે જ તેમની પાછળ એક વ્યક્તિ ખુલ્લા નાળા અથવા ખાડામાં ખાબક્યો હતો. સદનસીબે તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી, પણ આ ઘટનાથી ગુસ્સે થયેલા મેયરે અધિકારીઓને કડક ચેતવણી આપી છે કે જો ક્યાંય પણ મેનહોલ ખુલ્લું મળશે તો વોર્ડ ઓફિસરને સસ્પેન્ડ કરાશે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિપક્ષોએ BMC પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ અને શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, જ્યારે શિવસેના નેતા મનીષા કાયંદેએ આ સમયે રાજનીતિ છોડી લોકોને રાહત આપવા પર ધ્યાન આપવાની સલાહ આપી છે.
મુંબઈની લાઈફલાઈન 'લોકલ ટ્રેન' ખોરવાઈ
ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જતાં સેન્ટ્રલ રેલવે અને ટ્રાન્સ-હર્બર લાઇન પર ટ્રેનોની અવરજવરને માઠી અસર થઈ હતી. તુર્ભે અને કોપરખૈરને વચ્ચે ટ્રેકની નીચેથી જમીન ધસી પડવાના કારણે અપ-ડાઉન લાઇન થોડા કલાકો માટે બંધ કરવી પડી હતી. સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ ઉપરાંત, 'બેસ્ટ' (BEST) બસોના 24 થી વધુ રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. જોકે, મુસાફરોની સુવિધા માટે ભીડ વધવાના સંજોગોમાં વધારાની મેટ્રો ટ્રેનો દોડાવવા પ્રશાસન તૈયાર છે.
BMC દ્વારા 7,000 કર્મચારીઓ તૈનાત
જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે BMC એ સમગ્ર શહેરમાં 7,000 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને તૈનાત કર્યા છે. હાઇડ્રોલિક ડીવોટરિંગ પંપ અને સ્ટોર્મવોટર પમ્પિંગ સ્ટેશન દ્વારા હિંદમાતા અને અંધેરી સબવે જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નિકાલ કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. BMC કમિશનર અશ્વિની ભિડેએ તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.
હાઈ ટાઈડ અને ઓરેન્જ એલર્ટની ચેતવણી
હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરીને આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ સાથે દરિયામાં સવારે 3.41 મીટર અને સાંજે 3.35 મીટર ઊંચી લહેરો ઉઠવાનું 'હાઈ ટાઈડ' એલર્ટ પણ છે. વરસાદ અને હાઈ ટાઈડ એકસાથે હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખતરો વધ્યો છે. મુંબઈ ઉપરાંત નાલાસોપારા અને વસઈ-વિરારમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. શહેરમાં અલગ-અલગ જગ્યાએ 9 વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.






