Home Gujarat June 7 World Food Safetyday

૭ જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ : વાસી ખોરાક ખવડાવતા વેપારીઓ સામે સરકારની લાલ આંખ

૭ જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
Published by: OBS Bureau
Last Updated: Jun 06, 2025, 12:47 PM IST

સુરક્ષિત ખોરાક એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે, દૂષિત ખોરાક અનેક ગંભીર બીમારીઓને નોતરે છે. એટલા માટે જ, ખાદ્ય સુરક્ષા અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે તા. ૭ જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ, ખોરાકની સલામતી માટે વિજ્ઞાનની જરૂરિયાત અને મહત્વતાને ધ્યાનમાં રાખીને “Science in Action” રાખવામાં આવી છે.

સુરક્ષિત ખોરાક, સ્વસ્થ ભવિષ્યના મંત્ર સાથે ગુજરાતના સામાન્ય નાગરિકોને આરોગ્યપ્રદ, શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજયન સરકારનો મક્કમ નિર્ધાર છે. ખાદ્ય સુરક્ષા પર વિશેષ ધ્યાન આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજ્ય સરકારના નિર્ધારને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીને બિરદાવતા ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ગુજરાતને અગ્રિમ હરોળના રાજ્ય તરીકે પુરુસ્કૃત કરવામાં આવ્યું હતું.

ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તંત્રની પ્રયોગશાળા દ્વારા કુલ ૬૦,૪૪૮ ખાદ્ય નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી ૧.૪૫ ટકા નમૂના નાપાસ અને ૦.૧૭ ટકા નમૂના અસુરક્ષિત જાહેર થયા હતા. આ ચકાસણી માટે તંત્ર દ્વારા કુલ ૧૬,૧૬૩ એન્‍ફોર્સમેન્‍ટ તેમજ ૪૪,૨૮૫ જેટલા સર્વેલન્‍સ નમૂના લેવામાં આવ્યા હતા.

નાગરિકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારોને ધ્યાને લઇ કુલ ૧૮ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન ૧૯૦થી વધુ રેડ કરીને તંત્ર દ્વારા જાહેર જનતાના હિતમાં રૂ. ૧૦.૫ કરોડ જેટલી બજાર કિંમત ધરાવતો ૩૫૧ ટનથી વધુ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ કુલ ૨૯,૫૧૫ નમૂના લેવામાં આવ્યા હતા. આ જથ્થામાં સૌથી વધુ ઘી, મીઠાઈ, માવો, અનાજ તથા અન્ય ખાદ્યપદાર્થનો સમાવેશ થાય છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સરાહનીય અને મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુમાં-વધુ નમૂનાની ચકાસણી કરવા માટેની જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર,અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ અને વલસાડ એમ વધુ 4 નવી લેબોરેટરી મંજૂર કરવામાં આવી છે. આ લેબ કાર્યરત થવાથી તંત્ર દ્વારા બમણી ક્ષમતા અને ઓછા સમયમાં ખાદ્ય નમૂનાનું પરિક્ષણ થઇ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now