જૂનાગઢની ખાનગી આરોગ્ય સંસ્થા K.J. Hospital સામે રાજ્ય આરોગ્ય વિભાગે ગંભીર કાર્યવાહી હાથ ધરી છે. સરકારી આરોગ્ય યોજના PMJAY-MA હેઠળ અનિયમિતતા અને નિયમોના ભંગના આરોપો સાબિત થતા હોસ્પિટલ પર રૂ. 12.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ હોસ્પિટલને શો-કોઝ નોટિસ પાઠવી ભવિષ્યમાં આવી ગેરરીતિ ફરી ન દોહરાવવા કડક ચેતવણી આપવામાં આવી છે.
આ કાર્યવાહી ગાંધીનગર સ્થિત આરોગ્ય કમિશ્નર કચેરીના અધિક નિયામક Dr. Hitesh Brahmbhatt દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આરોગ્ય વિભાગની તપાસ અને ઈન્સ્યોરન્સ ઓડિટ દરમિયાન સામે આવેલી વિગતોને આધારે આ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે હોસ્પિટલ દ્વારા સરકારી યોજનાની માર્ગદર્શિકાનો ભંગ કરીને અનધિકૃત રીતે સર્જરી ક્લેઇમ કરવામાં આવ્યા હતા.
ડિસેમ્બર 2024 પછી પણ તબીબોના નામે થયા ક્લેઈમ
તપાસમાં સૌથી ગંભીર મુદ્દો એ સામે આવ્યો કે Dr. Srinivas Kumaran ડિસેમ્બર-2024 સુધી જ હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા. તેમ છતાં હોસ્પિટલ દ્વારા ડિસેમ્બર-2024થી ઓક્ટોબર-2025 દરમિયાન તેમના નામે કુલ 76 સર્જરીના ક્લેઇમ રજૂ કરવામાં આવ્યા હતા.
આ તમામ ઓપરેશનો વાસ્તવમાં Dr. S. Dinesh દ્વારા કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તે સમયગાળા દરમિયાન ડૉ. દિનેશ પાસે માન્ય મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન ઉપલબ્ધ નહોતું અને તેઓ PMJAY-MA યોજનાના પોર્ટલ પર અધિકૃત રીતે નોંધાયેલા પણ નહોતા. તે છતાં હોસ્પિટલ દ્વારા તેમની સર્જરીઓનો સરકારી યોજનામાં ક્લેઈમ કરાયો હતો.
આ સમગ્ર મામલો સામે આવતા આરોગ્ય વિભાગે તેને ગંભીર ગેરરીતિ ગણાવી છે. સરકારી યોજનામાં નોંધાયેલા દર્દીઓ માટે નક્કી કરાયેલા ધોરણો અને મંજૂર પ્રક્રિયાનો ભંગ થવો આરોગ્ય પ્રણાલીની વિશ્વસનીયતા માટે ચિંતાજનક ગણાયો છે.
આ પણ વાંચો: વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લિફ્ટ તૂટી : ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી ડોક્ટરને સયાજી હોસ્પિટલ ખસેડ્યા
ઓડિટમાં અન્ય ખુલાસો
તપાસ દરમિયાન TMS રેકોર્ડમાં અન્ય ગેરરીતિઓ પણ સામે આવી હતી. ઓડિટ રિપોર્ટ મુજબ હોસ્પિટલ દ્વારા Dr. Naitik Chhatralaના નામે એક જ દિવસમાં 3થી વધુ ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી દર્શાવવામાં આવી હતી.
નિયમ મુજબ એક ઓર્થોપેડિક સર્જન માટે દિવસ દરમિયાન મર્યાદિત સંખ્યામાં જ આવી જટિલ સર્જરી કરવી મંજૂર હોય છે. આરોગ્ય વિભાગે આને પણ નિયમોનો ભંગ ગણાવ્યો છે. વિભાગના મતે આવા રેકોર્ડ દર્દી સુરક્ષા અને સારવારની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
સવા કરોડના ક્લેઈમ પર 10 ટકા દંડ
આ સમગ્ર ગેરરીતિના કેસોમાં હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ક્લેઈમની કુલ રકમ અંદાજે સવા કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. આ રકમના 10 ટકા પ્રમાણે હોસ્પિટલ પર કુલ રૂ. 12,50,487 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે હોસ્પિટલને આ દંડની રકમ સાત દિવસની અંદર સરકારી યોજનાના નિર્ધારિત બેંક ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ હોસ્પિટલને સત્તાવાર કારણ દર્શક નોટિસ પાઠવી સ્પષ્ટતા માંગવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં ફરી આવી ગેરરીતિ થશે તો વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: ડીઝલ અછતથી કચ્છના અગરિયા સંકટમાં : 60 લાખ ટન મીઠાના ઉત્પાદન પર અસર, જાણો કોંગ્રેસે સરકારને શું કરી અપીલ
હોસ્પિટલને સોગંદનામું આપવા આદેશ
આ કેસમાં આરોગ્ય વિભાગે હોસ્પિટલને એફિડેવિટ પર સત્તાવાર સોગંદનામું આપવા પણ જણાવ્યું છે. આ સોગંદનામામાં હોસ્પિટલને લખિત ખાતરી આપવી પડશે કે ભવિષ્યમાં યોજનાની માર્ગદર્શિકાનું કોઈ ઉલ્લંઘન નહીં થાય. વિભાગે ચેતવણી આપી છે કે જો ફરી ગેરરીતિ સામે આવશે તો હોસ્પિટલને PMJAY-MA યોજનામાંથી તાત્કાલિક સસ્પેન્ડ અથવા ડી-એમ્પેનલ કરવાની કાર્યવાહી થઈ શકે છે. સરકારે ખાસ ભાર મૂક્યો છે કે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સરકારી આરોગ્ય યોજનાનો લાભ પારદર્શક અને નિયમસર મળે તે માટે હોસ્પિટલોએ માર્ગદર્શિકાનું કડક પાલન કરવું જરૂરી છે.
આ પણ વાંચો: OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ : OBC આગેવાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાને PM મોદીને લખ્યો પત્ર
આરોગ્ય તંત્રમાં પારદર્શિતા અંગે ફરી ચર્ચા
જૂનાગઢમાં સામે આવેલો આ મામલો ફરી એકવાર ખાનગી હોસ્પિટલો અને સરકારી આરોગ્ય યોજનાઓ વચ્ચેની પારદર્શિતા અંગે ચર્ચાનો વિષય બન્યો છે. PMJAY-MA જેવી યોજનાઓનો હેતુ ગરીબ દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે, પરંતુ ગેરરીતિના આવા કેસો યોજનાની વિશ્વસનીયતા પર અસર કરતા હોવાનું માનવામાં આવે છે આ કેસમાં સંબંધિત દસ્તાવેજોની નકલ જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તેમજ સંબંધિત ઇન્સ્યોરન્સ કંપનીઓને આગળની કાર્યવાહી અને જાણ માટે મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.





