સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલી વિકાસના નવા તબક્કામાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં દમણને એક સાથે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સોગાદ મળવાની છે, જેમાં અત્યાધુનિક સિવિલ એરપોર્ટ અને સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધાવાળી નવી સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત પ્રવાસ પહેલા પ્રશાસન દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે અને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં તમામ કામોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
દમણના દેવકા રોડ વિસ્તારમાં અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલું નવું સિવિલ એરપોર્ટ હવે શરૂ થવા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આશરે એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ એરપોર્ટમાં 5460 ચોરસ મીટરનું આધુનિક ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. મુસાફરોને ધ્યાનમાં રાખી અહીં 180 લોકોની ક્ષમતા ધરાવતો વેઇટિંગ લાઉન્જ, 16 વ્યક્તિઓ માટે અલગ VVIP લાઉન્જ, 12 ચેક-ઇન કાઉન્ટર્સ તેમજ એકસાથે બે A-320 વિમાનો પાર્ક થઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.
એરપોર્ટ પર મુસાફરો માટે 57 વાહનોનું પાર્કિંગ સ્ટેન્ડ પણ તૈયાર કરાયું છે. લોકાર્પણ બાદ એરપોર્ટનું સંચાલન Airports Authority of India દ્વારા સંભાળવામાં આવશે. મળતી માહિતી મુજબ લોકાર્પણના પ્રથમ દિવસે જ દમણથી દિલ્હી માટે હવાઈ સેવા શરૂ થઈ શકે છે. ત્યારબાદ મુંબઈ અને અમદાવાદ માટેની ફ્લાઈટ સેવાઓ પણ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વડોદરાના કાશીબગનરમાં જુગારધામ પર રેડ : લાખોના મદ્દામાલ સાથે 10 જુગારીઓ ઝડપાયા
પર્યટન અને વેપારને મળશે નવો વેગ
દમણમાં એર કનેક્ટિવિટી શરૂ થવાથી પર્યટન ઉદ્યોગને નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે. અત્યાર સુધી દમણ રોડ માર્ગ અને નજીકના એરપોર્ટ પર નિર્ભર હતું, પરંતુ હવે સીધી હવાઈ સેવા શરૂ થતાં દેશના મોટા શહેરોથી પ્રવાસીઓ માટે દમણ સુધી પહોંચવું વધુ સરળ બનશે. વેપાર અને રોકાણની દૃષ્ટિએ પણ આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત મરવડ વિસ્તારમાં અંદાજે રૂ. 250 કરોડના ખર્ચે નિર્માણ પામેલી નવી સરકારી હોસ્પિટલ પણ લોકાર્પણ માટે તૈયાર છે. સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધાવાળી આ હોસ્પિટલમાં આધુનિક આરોગ્યસુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રદેશના લોકો માટે વિશેષ સારવાર અને આરોગ્યસેવાઓ હવે સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનના પ્રથમ સપ્તાહમાં દમણની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. તેમના હસ્તે પ્રદેશમાં 25થી વધુ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ શકે છે. જોકે સત્તાવાર કાર્યક્રમ અંગે હજી અંતિમ જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: અમદાવાદ-રાંચી ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની તબિયત લથડી : ઇમરજન્સી લેન્ડિંગ છતાં 29 વર્ષીય યુવકનું મોત
વડાપ્રધાનના સંભવિત પ્રવાસ પહેલા સુરક્ષા વધારાઈ
વિકાસ પ્રોજેક્ટ્સની વચ્ચે દમણમાં સુરક્ષા એજન્સીઓ પણ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. વડાપ્રધાનના સંભવિત પ્રવાસ પહેલા દમણ પોલીસે દરિયાકાંઠા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી શંકાસ્પદ બોટ ઝડપી પાડી છે. આ ઘટનાએ સુરક્ષા તંત્રને વધુ સતર્ક બનાવી દીધું છે.
દમણ પોલીસ અધિક્ષક અને SDPOના માર્ગદર્શન હેઠળ દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર દાણચોરી અને શંકાસ્પદ હલચલ પર નજર રાખવા તમામ કોસ્ટલ યુનિટોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. ખાસ કરીને વડાપ્રધાનના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખી નાની દમણ જેટી સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
તા. 21 મેની વહેલી સવારે અંદાજે 4 વાગ્યે નાની દમણ જેટી નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે બોટમાં સવાર લોકો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સુથારપાડા વિસ્તારથી આવ્યા હતા અને દમણ મારફતે દારૂની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસ ટીમે બોટને રોકવાનો પ્રયાસ કરતા શંકાસ્પદ લોકો ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રના કોસ્ટલ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે તા. 22 મેના રોજ ચોક્કસ બાતમીના આધારે પોલીસે બોટને શોધી કાઢી બે શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં હાશન અય્યુબ (ઉંમર 40 વર્ષ) અને કાના મુશ્રીભાઈ વડવી (ઉંમર 45 વર્ષ), બંને રહેવાસી સુથારપાડા, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. પોલીસે બોટ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. બોટનો ઉપયોગ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થતો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
દમણ પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે દરિયાઈ માર્ગે થતી દારૂની દાણચોરી અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને વડાપ્રધાનના સંભવિત પ્રવાસ દરમિયાન સુરક્ષામાં કોઈ બેદરકારી સહન કરવામાં આવશે નહીં.





