Home Gujarat Jumped To Death From 14th Floor After His Dream Of Becoming A Teacher Failed To Come True

શિક્ષક બનવાનું સપનુ પૂરૂ ન થતાં 14મા માળેથી લગાવી મોતની છલાંગ : 2 વર્ષના માસૂમને નીચે ફેંકી પોતે કૂદી, TET પાસ ન થઈ તો આપી દીધો જીવ!

શિક્ષક બનવાનું સપનુ પૂરૂ ન થતાં 14મા માળેથી લગાવી મોતની છલાંગ
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 02:28 PM IST

Surat News : સુરતમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક માતા અને તેના બે વર્ષના માસૂમ પુત્રનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ઘટનાએ સમગ્ર શહેરને શોકમાં મૂકી દીધું છે અને સમાજ સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ, સુરતના આઝાદનગર વિસ્તારમાં રહેતી જાહેદા નામની યુવતી માટે શિક્ષક બનવું માત્ર નોકરી નહીં પરંતુ તેના જીવનનું સૌથી મોટું સપનું હતું. ધોરણ 12 પાસ કર્યા બાદ તેણે પૂરા ઉત્સાહ સાથે ટીચિંગમાં ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યો હતો. શિક્ષક બનવા માટે જરૂરી એવી TET પરીક્ષા તેના જીવનમાં ખૂબ મહત્વની બની ગઈ હતી.

જાહેદાના 'સપના'ઓએ લીધો જીવ!

સંબંધીઓએ જણાવ્યું કે, જાહેદાએ TETની પરીક્ષા આપી હતી, પરંતુ તે સફળ થઈ શકી નહોતી. સતત મહેનત છતાં મળતી નિષ્ફળતાએ તેને અંદરથી તોડી નાંખી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, તે બિહારથી ખૂબ મોટા સપનાઓ લઈને સુરત આવી હતી અને શિક્ષક બનવાની આશા સાથે વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો. આ દુઃખદ ઘટનામાં જાહેદાના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે જાહેદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર દરમિયાન તેનું પણ અવસાન થયું હતું. માતા અને બાળકના એકસાથે થયેલા મૃત્યુએ પરિવારજનોને અસહ્ય આઘાત આપ્યો છે.

સપનાઓ અધૂરાં રહે ત્યારે પણ જીવનનું મૂલ્ય અણમોલ

આ ઘટના માત્ર એક પરિવારની માટે નથી, પરંતુ પરીક્ષા, કારકિર્દી અને સામાજિક દબાણ વચ્ચે સંઘર્ષ કરતા અનેક યુવાઓની માનસિક સ્થિતિ અંગે વિચાર કરવાની જરૂરિયાત દર્શાવે છે. નિષ્ણાતો માને છે કે નિષ્ફળતા જીવનનો અંત નથી અને આવા સમયે યોગ્ય માર્ગદર્શન, સહારો અને માનસિક સહાય અત્યંત જરૂરી છે. આ ઘટનાએ ફરી એક વખત યાદ અપાવ્યું છે કે સપનાઓ અધૂરાં રહે ત્યારે પણ જીવનનું મૂલ્ય અણમોલ છે અને મુશ્કેલ સમયમાં સહાનુભૂતિ તથા સહાય સૌથી મહત્વપૂર્ણ હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now