અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કુબેરનગર વોર્ડમાં રાજકીય આગેવાનોની હાજરી વચ્ચે મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કુબેરનગરની ભગવતી પ્રાથમિક શાળા ખાતે પહોંચીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારથી જ મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી રહી છે ત્યારે જીગ્નેશ મેવાણી સામાન્ય નાગરિકની જેમ મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવતા મતદાન કર્યું હતું.
મતદારોને જાગૃત થવા અપીલ
મતદાન કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીતમાં મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકનો મત ખૂબ જ મહત્વનો છે અને સૌએ પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.તેમણે ખાસ કરીને યુવા મતદારોને સંબોધતા કહ્યું કે પ્રથમ વખત મતદાન કરતા યુવાનો માટે આ એક મહત્વપૂર્ણ અવસર છે અને તેઓએ નિર્ભય અને નિષ્પક્ષ રીતે પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ.
શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ
ચૂંટણી દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે પણ તેમણે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મતદાન પ્રક્રીયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ પક્ષો અને નાગરિકોનો સહકાર જરૂરી છે. કુબેરનગર વિસ્તારમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.





