અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કુબેરનગર વોર્ડમાં આવેલા વી.વી. તોમર સ્કૂલ ખાતે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલીથી શરૂઆત થયેલી ઘટનાએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઝોન-4ના ડીસીપી અતુલ બંસલ તરત જ મેઘાણીનગર વિસ્તારમાં પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવ્યું છે અને મતદાન મથક આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ વચ્ચે વધ્યો તણાવ
કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો હતો કે મતદાન દરમિયાન ભાજપના ઉમેદવાર ગિરીવરસિંહ શેખાવત અને અન્ય લોકો દ્વારા બોગસ વોટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે તેઓ સ્થળ પર પહોંચતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડી જ વારમાં ઉગ્ર બની અને મારામારી સુધી પહોંચી ગઈ હતી બીજી તરફ, ભાજપના કાર્યકર સુરેશસિંહ યાદવને આ અથડામણમાં ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે સુરેશસિંહ યાદવ કુબેરનગર વોર્ડના ભાજપના ઉમેદવાર ઉમેશસિંહ યાદવના સગા હોવાનું જાણવા મળે છે. હાલમાં તેમની પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં મતદાન મથક પર બાકાઝીકી! : ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે 'મોરે-મોરા'
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની જાણ થતાં મેઘાણીનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને પક્ષના કાર્યકરોને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરને પણ સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા જેથી વધુ તણાવ ન ફેલાય.
પોલીસે સમગ્ર મામલે ગંભીર નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને મારામારીમાં સંડોવાયેલા લોકોને ઓળખી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી દર્શાવી છે. મતદાન પ્રક્રિયા નિરાંતે પૂર્ણ થાય તે માટે નજીકના કોમર્સ સ્કૂલ વિસ્તારમાં પણ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવાનો પડકાર
આ ઘટના ફરી એકવાર ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના પડકારને ઉજાગર કરે છે. મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને કોઈપણ પ્રકારની અફવાઓ કે ઉશ્કેરણીથી દૂર રહે. લોકશાહી પ્રક્રીયાને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા માટે તમામ પક્ષોનું સહકાર જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.





