Gujarat Local Body Election Live Updates:
અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન દરમિયાન બબાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લાં કલાકોમાં ભારે રસાકસી જોવા મળી. ખાસ કરીને અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન દરમિયાન હોબાળો થયો છે. સરખેજમાં આવેલ ડાયમંડ સ્કૂલમાં આ ઘટના બની છે. ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો સામ-સામે આવી જતાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ટેબલ પર તોડફોડ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરોએ ડરાવ્યા અને ધમકાવ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સરખેજમાં આવેલ ડાયમંડ સ્કૂલમાં બુથ નંબર 69, 70, 71, 72માં ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
42 ડિગ્રી ગરમીમાં 5 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન
ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારે ગરમી વચ્ચે જબરદસ્ત રાજકીય ગરમાવો જોવા મળ્યો. લગભગ 42 ડિગ્રી ગરમીમાં 5 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન જોવા મળ્યું. છેલ્લો એક કલાક દરેક ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો માટે મહત્ત્વનો બની રહેશે. એટલું જ નહીં આ એક કલાકમાં જ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
મહાનગરપાલિકામાં 5 વાગ્યા સુધી સરેરાશ 45 ટકા મતદાન, જાણો ક્યા કેટલું થયું મતદાન?
ગુજરાતના વિવિધ શહેરોમાં મતદાનના ટકાવારીના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર મતદાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ મતદાન Vapiમાં 58 ટકા નોંધાયું છે, જ્યારે Nadiadમાં 55 ટકા અને Morbiમાં 53 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. અન્ય વિસ્તારોમાં પણ મતદારોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. Navsari અને Mehsanaમાં 51 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે Anand અને Suratમાં 48 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર તરફ નજર કરીએ તો Bhavnagarમાં 44 ટકા, Rajkot અને Gandhidhamમાં 43 ટકા મતદાન થયું છે, જ્યારે Surendranagarમાં 42 ટકા મતદાન નોંધાયું છે. મધ્ય ગુજરાતમાં Vadodara અને Ahmedabadમાં 41 ટકા મતદાન નોંધાયું છે. ઉપરાંત, Jamnagarમાં 40 ટકા અને Porbandarમાં 39 ટકા મતદાન નોંધાતા કુલ મળીને રાજ્યભરમાં મતદારોનો સંતુલિત પ્રતિસાદ જોવા મળ્યો છે.
અમદાવાદના શીલજમાં આનંદીબેન પટેલે કર્યું મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને Up ના રાજ્યપાલ આનંદીબેન પટેલ અમદાવાદમાં મતદાન કરવા પહોંચ્યા. શીલજ પોતાના નિવાસ સ્થાન નજીકના મતદાન મથકમાં આનંદીબેન પટેલે કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ.સામાન્ય રીતે મતદાનન દિવસે આનંદીબેન સવારે મતદાન કરતા હોય છે. જોકે સવારે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને લઈને આ ચૂંટણીમાં મતદાન કરવા ગરમી વચ્ચે બપોરે પહોંચ્યા.
મહારાણી રાધિકારાજે ગાયકવાડે મતદાન કરીને શું કહ્યું?
વડોદરામાં મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, "વડોદરા માત્ર એક શહેર નથી, પણ એક ભવ્ય ઐતિહાસિક વિરાસત છે. આ વિરાસતને જાળવી રાખવી અને તેને આવનારી પેઢી સુધી સુરક્ષિત પહોંચાડવી એ આપણા સૌની નૈતિક જવાબદારી છે." તેમણે ઉમેર્યું હતું કે, તેમણે શહેરના હેરિટેજ અને ગૌરવશાળી અસ્તિત્વને વધુ મજબૂત કરવાના આશયથી મતદાન કર્યું છે. મહારાણીએ આશા વ્યક્ત કરી હતી કે, ચૂંટણીમાં જે પણ ઉમેદવાર વિજેતા બનીને સત્તા પર આવે, તેઓ વડોદરાની હેરિટેજ મિલકતોની જાળવણીને પ્રાથમિકતા આપે. વડોદરા જે રીતે 'સંસ્કારી નગરી' તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે, તે ઓળખને વધુ પ્રગાઢ અને મજબૂત બનાવવા માટે સક્રિય પ્રયાસો થાય તે જરૂરી છે. "શહેરના ભવ્ય ભૂતકાળ અને આધુનિક ભવિષ્ય વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય છે. વિકાસ એવો હોવો જોઈએ જે આપણી સંસ્કૃતિના મૂળિયાંને નુકસાન ન પહોંચાડે." વિગતવાર વાંચો.
અમદાવાદમાં મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઈ હતી. ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી જોવા મળી. કુબેરનગરના વીવી તોમર સ્કૂલમાં આ બનાવ બન્યો હતો. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવતા મામલો બિચક્યો હતો. પોલીસે તમામ કાર્યકર્તાઓને બુથ મથકથી હટાવ્યા હતા. કુબેરનગર વોર્ડમાં વી. વી. તોમર સ્કૂલમાં મારામારીની ઘટના બાદ ઝોન 4 ડીસીપી અતુલ બંસલ મેઘાણીનગર ખાતે પહોંચ્યા છે. ડીસીપી દ્વારા સમગ્ર મામલે માહિતી મેળવવામાં આવી રહી છે. હાલમાં કોમર્સ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.કુબેરનગર વોર્ડમાં વી વી તોમર સ્કૂલમાં મારામારી મામલે ઇજાગ્રસ્ત ભાજપના કાર્યકર સુરેશસિંહ યાદવની પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીર નોંધ લઇ અને હાલમાં મારામારી કરનાર લોકોને પકડવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સુરેશસિંહ યાદવ કુબેરનગર વોર્ડના ભાજપના ઉમેદવાર ઉમેશસિંહ યાદવના પિતરાઈ ભાઈ થાય છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી વી. વી. તોમર સ્કૂલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની છે. કોંગ્રેસના ઉમેદવાર નીકુલસિંહ તોમરે ઉમરે આક્ષેપ કર્યો છે કે વી. વી. તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે ભાજપના ઉમેદવાર ગિરીવરસિંહ શેખાવત અને કલાબેનનો પુત્ર તેમજ અન્ય કેટલાક લોકો સ્કૂલમાં પહોંચી અને બોગસ વોટિંગ કરાવતા હતા, તેના કારણે થઈને હું ત્યાં પહોંચ્યો ત્યારે મારી સાથે બોલાચાલી કરી હતી.ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસના અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ દ્વારા તેઓને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મારા મારી થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા મેઘાણીનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરામાં મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે બાકાઝીકી, દોડતી થઈ પોલીસ
વડોદરાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન વડોદરાના વાડી વિસ્તારમાં આવેલી નાની શાકમાર્કેટ સ્થિત રમણલાલ શાહ પ્રાથમિક શાળાના મતદાન મથક પર આજે ભારે તંગદિલી સર્જાઈ હતી. વોર્ડ નંબર ૧૪ ના આ મતદાન કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતા માહોલ ગરમાયો હતો. મતદાન મથક પર બંને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટે ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. બીજી તરફ, ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડે વળતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા અમિત ગોટીકરે મહિલા ઉમેદવારની પુત્રીને ધક્કો માર્યો હતો, જેના કારણે સમગ્ર મામલો બિચક્યો હતો. સ્થિતિ વધુ વણસી હતી જ્યારે ત્યાં ચંદ્રકાંત વધુ પણ પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું. ડીસીબી (DCB) અને પીસીબી (PCB) સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેને કારણે મતદાન મથક વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોએ સમયસૂચકતા વાપરીને પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો અને મતદાન પ્રક્રિયાને સુચારુ રીતે ચાલુ રાખવા માટે વ્યવસ્થા કરી હતી.
44 ડિગ્રી તાપમાન વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બપોરના 2 વાગ્યા સુધીમાં સરેરાશ 38.51% મતદાન
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કાળઝાળ ગરમી અને પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચવા છતાં, લોકશાહીના આ પર્વમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, બપોરે ૨ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૮.૫૧% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે.સમયવાર મતદાનની ટકાવારી નીચે મુજબની છે.
સ્થાનિક સંસ્થા | 9 વાગ્યા સુધી | 11 વાગ્યા સુધી | 1 વાગ્યા સુધી | 2 વાગ્યા સુધી |
|---|---|---|---|---|
15 મહાનગરપાલિકા | 4.00% | 13% | 20% | 31.32% |
84 નગરપાલિકા | 6.50% | 22% | 26% | 38.12% |
34 જિલ્લા પંચાયત | 4.00% | 18% | 29% | 41.79% |
260 તાલુકા પંચાયત | 5.00% | 20% | 30% | 42.36% |
સુરત: મતદાનમાં બોગસ વોટિંગનો આક્ષેપ, વઘાસિયા દંપતીનો મત અન્ય કોઈએ આપી દીધાનો ખુલાસો
સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલા આનંદ નગર વાડી મતદાન મથક પર એક ગંભીર અને વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં મતદાન કરવા પહોંચેલા વઘાસિયા દંપતી - નિકુંજભાઈ વઘાસિયા અને અમિષાબેન વઘાસિયાને જાણવા મળ્યું હતું કે તેમના નામે મતદાન પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. નિકુંજભાઈ અને તેમના પત્ની જ્યારે નિયમ મુજબ મતદાન કરવા પહોંચ્યા ત્યારે ચૂંટણી સ્ટાફે તેમને જણાવ્યું હતું કે તેમના નામે મત પડી ચૂક્યા છે. આ બાબતે ભારે આશ્ચર્ય વ્યક્ત કરતા નિકુંજભાઈએ પોતાની ઓળખ પુરવાર કરવા માટે આધારકાર્ડ રજૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો હતો કે તેમના સ્થાને અજાણી વ્યક્તિ દ્વારા મત આપી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે નિકુંજ વઘાસિયાએ ચૂંટણી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આટલી સુરક્ષા અને ઓળખની પ્રક્રિયા હોવા છતાં અન્ય કોઈ વ્યક્તિ કેવી રીતે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે? આ પ્રકારના ગેરરીતિના કિસ્સા લોકશાહીના પાયા માટે જોખમી છે. નિકુંજભાઈએ ચૂંટણી અધિકારીઓને લેખિત રજૂઆત કરી આ મામલે સઘન તપાસ કરવા અને જવાબદાર લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
PMએ પોસ્ટલ બેલેટથી તો અમિત શાહે નારણપુરાથી કર્યું મતદાન : નાગરિકોને મતદાન કરવા કરી અપીલ
ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા વચ્ચે દેશના પ્રધાનમંત્રીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આ ઘટનાએ લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ કરી છે અને દેશભરના મતદારો માટે એક સશક્ત સંદેશ પહોંચાડ્યો છે. પ્રધાનમંત્રી તરીકેની વ્યસ્તતા અને સુરક્ષા સંબંધિત પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેઓએ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયામાં તમામ વર્ગના નાગરિકોને જોડવાનો પ્રયાસ તરીકે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પિપડીયા: આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પરિવાર સાથે કર્યું મતદાન, મતદારોને જાગૃત ઉમેદવાર પસંદ કરવા કરી અપીલ
પિપડીયા: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે પોતાના વતનના ગામ પિપડીયા ખાતે મતદાન કર્યું હતું. તેઓ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ રાજ્યની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, "લોકશાહીના આ પર્વને આપણે ત્યારે જ સાચી રીતે ઉજવી શકીશું જ્યારે રાજ્યનો દરેક નાગરિક મતદાન પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "લોકશાહીને વધુ સક્ષમ બનાવવા માટે અને પ્રજાના પ્રશ્નો માટે જે નેતાઓ સતત અવાજ ઉઠાવે છે, તેવા યોગ્ય ઉમેદવારોને પસંદ કરવા જોઈએ. તમારું વધુમાં વધુ મતદાન એ લોકોના હાથ મજબૂત કરશે, જેઓ તમારી લડત લડી રહ્યા છે."
ડેડિયાપાડા: આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું મતદાન, લોકશાહીને મજબૂત કરવા મતદારોને કરી ખાસ અપીલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ પોતાના પરિવારજનો સાથે બોગજ ગામે આવેલા મતદાન મથક પર પહોંચ્યા હતા અને ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પોતાનો મત આપ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "બંધારણે આપણને જે વોટ આપવાનો પવિત્ર અધિકાર આપ્યો છે, તેનો આજે અમે ઉપયોગ કર્યો છે." તેમણે ગુજરાતની જનતાને પણ અપીલ કરતા કહ્યું કે, "દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવે." તેમણે રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાઈને મોટી સંખ્યામાં મતદાન કરવા ભારપૂર્વક આહવાન કર્યું હતું.
મોરબીમાં નવવધૂએ નિકાહ પહેલાં મતદાન કર્યું : 'પહેલા મતદાન, પછી નિકાહ'નો આપ્યો સંદેશ
મોરબી જિલ્લામાં મતદાનના દિવસે વધુ એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે, જેમાં એક નવવધૂએ પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ નિકાહ પહેલાં મતદાન કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની શાહનુર કસમભાઈ ગઢવારાએ નિકાહ પહેલાં મતદાન કરીને સમાજમાં સશક્ત સંદેશ આપ્યો છે. વિગતવાર વાંચો.
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં વિવાદ: વોર્ડ નં. ૨ માં EVM માં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન સ્થગિત, ધારાસભ્ય કેતન ઈનામદારનો વિરોધ
સાવલી: વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે સવારથી જ ઉત્સાહનો માહોલ હતો, પરંતુ વોર્ડ નંબર ૨ માં સર્જાયેલી ટેકનિકલ ખામીને પગલે મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. મતદાન મથક પર રાખવામાં આવેલા EVM મશીનમાં બટન કામ ન કરતું હોવાની ફરિયાદો ઉઠતા ભાજપના કાર્યકરોએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો, જેના કારણે હાલ મતદાન કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર ૨ માં મતદાન શરૂ થયાના થોડા સમય બાદ જ મતદારો અને એજન્ટોના ધ્યાને આવ્યું કે EVM ના ત્રણ નંબરના ક્રમનું બટન દબાઈ રહ્યું નથી. આ ગંભીર ત્રુટિ સામે આવતા જ ભાજપના સ્થાનિક આગેવાનો મતદાન મથક પર એકઠા થઈ ગયા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે મશીનમાં ખામીને કારણે મતદારો પોતાનો મતાધિકાર સુરક્ષિત રીતે વાપરી શકતા નથી, જે ચૂંટણી તંત્રની મોટી બેદરકારી છે.
ઘટનાની જાણ થતા જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર તાત્કાલિક મતદાન મથક પર પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવીને ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારી સમક્ષ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે માંગ કરી હતી કે, જ્યાં સુધી ખામીમુક્ત નવું EVM મશીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી મતદાન પ્રક્રિયા સ્થગિત રાખવી જોઈએ. ધારાસભ્યની રજૂઆત બાદ તંત્રએ હાલ પૂરતું મતદાન બંધ કરી દીધું છે, જેના કારણે મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. હાલમાં પ્રાંત અધિકારી અને ટેકનિકલ ટીમ ખામી દૂર કરવા અને નવું મશીન ફાળવવા માટે સક્રિય થયા છે. વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ખામી દૂર થયા બાદ જ મતદાન પુનઃ શરૂ કરવામાં આવશે. મતદાન ખોરવાઈ જવાથી વાતાવરણમાં ઉત્તેજના પ્રસરી ગઈ છે. હવે તંત્ર કઈ રીતે આ સમયની ભરપાઈ કરે છે અને મતદાન ફરી ક્યારે શરૂ થાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.
દાહોદમાં લોકશાહીનો ઉત્સવ: મતદાન માટે મતદારોનો ભારે ઉત્સાહ, ૧,૭૫૩ મથકો પર શાંતિપૂર્ણ મતદાન
દાહોદ: દાહોદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી જ ઉત્સાહભેર શરૂ થઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ભાવિ પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારના ૭:૦૦ વાગ્યાથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ ચૂંટણી જંગમાં જિલ્લાની વિવિધ બેઠકો માટે ૧,૦૦૦થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેમના રાજકીય ભવિષ્યનો ફેંસલો આજે ઈવીએમ (EVM) મશીનમાં સીલ થશે. જિલ્લાના ૧૩.૯૯ લાખથી વધુ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્થાનિક વિકાસની ધુરા સોંપશે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૫,૦૦૦થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોના જવાનો ખડેપગે છે, જ્યારે સંવેદનશીલ મતદાન મથકો પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. ચૂંટણી કામગીરી માટે ૧૧,૦૦૦થી વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાભરમાં અત્યાર સુધી મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે અને તંત્ર દ્વારા પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાંજ સુધીમાં મતદાનની ટકાવારીમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે.
જામનગર: પ્રથમ વખત મતદાન કરનાર યુવતીઓનું કુમકુમ તિલકથી સ્વાગત, લોકશાહીના પર્વમાં નવો ઉત્સાહ
જામનગર: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી મતદાન મથકો પર અનોખી પહેલ કરવામાં આવી છે. જામનગરના શાંતિ નગર-૭ વિસ્તારના મતદાન મથક ખાતે ૧૮ વર્ષની વય પૂર્ણ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા યુવા મતદારો માટે ખાસ સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રથમ વખત મતદાન કરવા પહોંચેલી યુવતીઓને ચૂંટણી સ્ટાફ દ્વારા કુમકુમ તિલક કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે કરવામાં આવેલા આ સન્માનથી યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ યુવાનોને લોકશાહીના પવિત્ર તહેવારમાં સહભાગી થવા માટે પ્રેરિત કરવાનો છે. લોકશાહીની આ સુંદર પરંપરાને કારણે મતદાન મથક પર મતદાનનું વાતાવરણ વધુ સુખદ અને ઉત્સાહવર્ધક બની ગયું હતું.
જામનગર: ચૂંટણીમાં સુરક્ષાની સાથે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, ૮૦૦ હોમગાર્ડ જવાનો બન્યા દિવ્યાંગો અને વડીલોના સહાયક
જામનગર: જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થાની સાથે માનવીય અભિગમની પણ સુવાસ ફેલાઈ છે. જિલ્લામાં ચૂંટણી ફરજ પર તૈનાત જામનગર હોમગાર્ડઝના આશરે ૮૦૦ જવાનોએ પોતાની કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને સૌના દિલ જીત્યા છે. મતદાન મથકો પર સુરક્ષા માટે ખડેપગે રહેલા આ જવાનો લોકશાહીના આ પર્વમાં આવતા વયોવૃદ્ધ વડીલો અને દિવ્યાંગ મતદારો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ આ જવાનોએ અશક્ત મતદારોને વ્હીલચેરની સુવિધા પૂરી પાડી હતી, એટલું જ નહીં, તેઓ સ્વયં તેમને માનભેર મતદાન મથક સુધી પહોંચાડીને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં પૂરતો સહયોગ આપી રહ્યા છે. હોમગાર્ડઝ જવાનોએ જે રીતે સંવેદનશીલતા અને નિષ્કામ સેવાનો પરિચય આપ્યો છે, તે લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વનું યોગદાન છે. જિલ્લાના વિવિધ મતદાન મથકો પર જવાનોની આ કાર્યશૈલીને સ્થાનિક મતદારો પણ બિરદાવી રહ્યા છે.
જામનગર: રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ કર્યું મતદાન, નાગરિકોને લોકશાહી સુદ્રઢ બનાવવા કરી અપીલ
જામનગર:જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. રાજ્યભરમાં લોકશાહીના આ મહાપર્વમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે, ત્યારે જામનગરના રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ પણ આજે પોતાનો કિંમતી મત આપીને નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.
મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી રિવાબા જાડેજાએ તમામ મતદારોને અપીલ કરી હતી કે, "લોકશાહીને વધુ મજબૂત અને જીવંત બનાવવા માટે દરેક નાગરિકે ઘરની બહાર નીકળીને અવશ્ય મતદાન કરવું જોઈએ." તેમણે મતદાન મથકો પરની વ્યવસ્થા અને લોકોના ઉત્સાહને પણ સકારાત્મક ગણાવ્યો હતો. જામનગરમાં સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અત્યાર સુધી મતદાન પ્રક્રિયા નિર્વિધ્ને અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ રહી છે.
૧૧૭ વર્ષની વયે લોકશાહીના પર્વમાં ઉત્સાહ: જામનગરના ધનુબેન રમાણી બન્યા સૌ માટે પ્રેરણારૂપ
જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લાતીપર ગામમાં લોકશાહીના પર્વને વધુ એક યાદગાર ક્ષણ મળી છે. ૧૧૭ વર્ષની જૈફ વય ધરાવતા ધનુબેન માવજીભાઈ રમાણી આજે મતદાન કરવા પહોંચીને પ્રેરણાનું જીવંત પ્રતીક બન્યા છે. ૧૧૭ વર્ષની ઉંમરે પણ તેમનામાં જોવા મળતો આ ઉત્સાહ અને જિજ્ઞાસા માત્ર ગામના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના મતદારો માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય બન્યો છે. લાંબા જીવનના અનુભવો અને અદમ્ય આત્મવિશ્વાસ ધરાવતા ધનુબેને મતદાન મથક પર પહોંચીને સાબિત કર્યું છે કે લોકશાહીની ફરજ અદા કરવામાં ઉંમર ક્યારેય બાધક બનતી નથી. તેમના આ સાહસ અને મતદાન પ્રત્યેના સમર્પણને ચૂંટણી સ્ટાફ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું.
લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને મતદાન કરવા કરી અપીલ

ગાંધીનગર: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કિંમતી મત આપ્યા બાદ નાગરિકોને લોકશાહીના આ પવિત્ર ઉત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીનો એક પવિત્ર ઉત્સવ છે. મતદાન એ નાગરિકનો માત્ર અધિકાર જ નથી, પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે દરેક મતદારે આ અવસરે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ."
પ્રવર્તમાન ગરમી અને રવિવારની રજા હોવા છતાં, મતદાનની ટકાવારી વધે તેવી આશા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "ગરમી અને લગ્નગાળાની વ્યસ્તતા વચ્ચે પણ હું રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરું છું કે લોકશાહીને સુદ્રઢ બનાવવા માટે ઘરની બહાર નીકળો અને મતદાન કરો. વહેલી તકે મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ." આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "રાજ્યની જનતા વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખે છે. મને ખાતરી છે કે જનતા ભાજપના વિકાસલક્ષી કાર્યોને સમર્થન આપીને અમારા ઉમેદવારોને વિજયી બનાવશે."
સુરતીલાલાઓનો રવિવાર: પહેલા મતદાન, પછી સુરતી લોચો!
સુરત પોતાની ખાણી-પીણી અને ઉત્સાહ માટે જાણીતું છે, અને જ્યારે વાત લોકશાહીના પર્વની હોય ત્યારે સુરતીઓ તેમાં પણ પાછળ રહેતા નથી.આજે સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં સુરતીઓનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. પરંતુ આ રવિવારે લોકશાહીના પર્વ નિમિત્તે આ ગ્રુપે પોતાના રૂટિનમાં ફેરફાર કર્યો હતો. તેમણે નક્કી કર્યું કે નાસ્તો કરવા જતા પહેલા તેઓ મતદાન કરીને પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવશે.
જામનગરમાં લગ્ન જોડામાં યુવતીનું મતદાન, પહેલાં મતદાન, પછી લગ્ન
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં યુવતીએ પોતાના લગ્નની વ્યસ્તતા વચ્ચે મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એક યુવતીએ પોતાના લગ્નના દિવસે પહેલા મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતી મીરા પરમાર નામની યુવતીએ પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવતી પોતાના લગ્નના કપડામાં મતદાન મથક પર પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના પરિવારજનો અને સગાસંબંધીઓએ પણ આ પગલાને વધાવી લીધું અને યુવતીના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. લગ્ન પહેલા મતદાનને પ્રાથમિકતા આપી યુવતીએ ખાસ કરીને યુવા પેઢીને મતદાન માટે પ્રેરિત કરી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
મોરબી: વરરાજાનો અનોખો સંદેશ, લગ્નના માંડવે જતાં પહેલાં મતદાન મથકે જઈ કરી મતદાનની ફરજ અદા
મોરબીના અણીયારી ગામમાં આજે લોકશાહીના પર્વને ઉજવતું એક સુંદર અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. અણીયારી ગામના વતની પ્રેમજીભાઈ હરજીવનભાઈ અહલગામાના આજે લગ્ન હોવા છતાં, તેમણે પોતાની સામાજિક જવાબદારીની સાથે સાથે રાષ્ટ્રીય ફરજને પણ પ્રાધાન્ય આપ્યું હતું. જાન લઈને નીકળતા પહેલાં, પ્રેમજીભાઈએ અણીયારી ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચીને ઉત્સાહભેર પોતાનો કિંમતી મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેઓ માળિયાના ભારતનગર ખાતે પોતાની જાન લઈને લગ્ન કરવા માટે પ્રસ્થાન થયા હતા. લગ્નના ફેરા પહેલાં મતદાન કરીને આ યુવકે તમામ મતદારોને ચૂંટણીમાં ભાગ લેવા માટે એક અનોખો અને સકારાત્મક સંદેશ આપ્યો છે.
ગાંધીનગર: સરઢવની મતદાન મથક પર મોબાઈલ મુદ્દે હોબાળો, મતદારોમાં રોષ
ગાંધીનગરના સરઢવની છગનભા પ્રાથમિક શાળા ખાતે આજે મતદાન પ્રક્રિયા દરમિયાન તંત્રની બેદરકારી સામે આવી છે. મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં, બહાર મોબાઈલ સાચવવા માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાથી મતદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતે મતદાન મથક પર મતદારો અને ચૂંટણી સ્ટાફ વચ્ચે હોબાળો થયો હતો. રોષે ભરાયેલા મતદારોએ સવાલ ઉઠાવ્યો હતો કે, "જો અમે મોબાઈલ બહાર મૂકીએ અને તે ચોરાઈ જાય, તો તેની જવાબદારી કોણ લેશે?" મતદાનના દિવસે આવી વ્યવસ્થાના અભાવે મતદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વિગતવાર વાંચો...
ગાંધીનગર: ૯૮ વર્ષીય વડીલ હીરાબા કર્યું મતદાન, લોકશાહી પ્રત્યેની અદમ્ય નિષ્ઠા

ગાંધીનગરના સરઢવ બેઠક પર આજે લોકશાહીના પર્વમાં એક અત્યંત પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. ૯૮ વર્ષના વડીલ હીરાબા અદમ્ય ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ નોંધપાત્ર વાત એ છે કે, હીરાબેનની તબિયત સારી ન હોવા છતાં, લોકશાહીના મૂલ્યો અને મત આપવાની ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા એટલી દ્રઢ હતી કે તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા હતા. ચૂંટણી તંત્ર દ્વારા પણ વડીલો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તેમને મતદાન મથક સુધી લાવવા અને મૂકવા માટે વિશેષ સહાય પૂરી પાડવામાં આવી હતી. તેમના આ સાહસ અને જાગૃતિએ અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે... વિગતવાર વાંચો.
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન, લોકશાહીની ફરજ અદા કરી
અમદાવાદમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે નારણપુરા વિસ્તારના મતદાન મથક પર જઈને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને પણ લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા આહવાન કર્યું હતું.
રાજકોટ: વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસ ઉમેદવાર સહિત ૨૦ની અટકાયત, આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુક દાવદાણી સહિત કુલ ૨૦ લોકોની પોલીસે અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ તમામ લોકો મતદાન મથકની ૧૦૦ મીટરની મર્યાદામાં પ્રચાર કરી રહ્યા હતા, જે ચૂંટણી આચારસંહિતાનો ભંગ ગણાય છે. આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ઉમેદવાર સહિતના કાર્યકરોને અટકાયતમાં લઈને વધુ કાર્યવાહી અર્થે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે.
સુરત: ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાનનો પ્રારંભ, સાંસદ મુકેશ દલાલ ઢોલ-નગારા સાથે પહોંચ્યા મતદાન મથકે
સુરતમાં આજે લોકશાહીના મહાપર્વનું વાતાવરણ છવાયેલું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની શરૂઆત સાથે જ મતદાન મથકો પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અવસરે સુરતના સાંસદ મુકેશ દલાલ ઢોલ-નગારાના તાલે અને ઉત્સાહભર્યા માહોલમાં પોતાના પરિવારજનો તથા કાર્યકરો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે મતદાન કર્યા બાદ તમામ સુરતવાસીઓને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાઈને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. સાંસદની ઉપસ્થિતિ અને લોકભાગીદારીને કારણે સમગ્ર મતદાન કેન્દ્ર પર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.
ગીર સોમનાથમાં લોકશાહીના પર્વનો પ્રારંભ: 9 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
ગીર સોમનાથ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. જિલ્લાના કુલ 9.05 લાખ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. જિલ્લામાં કુલ 284 બેઠકો માટે 712 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ (EVM) મશીનોમાં સીલ થશે. વેરાવળ સહિતના 6 તાલુકાઓમાં 1,394 મતદાન મથકો પર સવારથી જ મતદારોની અવરજવર જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે 6,059થી વધુ પોલિંગ સ્ટાફ અને 2,112 જેટલા કંટ્રોલ તેમજ બેલેટ યુનિટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસ.પી. જાડેજાની રાહબરી હેઠળ 3 ડીવાયએસપી (DySP) સહિતના 50 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને 2,300 જેટલા પોલીસ જવાનોનો કાફલો સમગ્ર જિલ્લામાં ખડેપગે બંદોબસ્ત સંભાળી રહ્યો છે. સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારો નિર્ભયતાથી મતદાન કરી રહ્યા છે.
સુરત: ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યું મતદાન, નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાવા કરી અપીલ
સુરત ખાતે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા દરમિયાન ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો કિંમતી મત આપીને નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ તેમણે સુરતની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. તેમણે ખાસ કરીને યુવા મતદારો, વરિષ્ઠ નાગરિકો તેમજ મહિલાઓને ઉત્સાહપૂર્વક મતદાન મથક પર આવીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સુરત: મતદાનની લોકશાહી ઉત્સવમાં સહભાગી બન્યા પૂર્ણેશ મોદી
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે સુરતના મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓ પોતાની સોસાયટીના રહીશો સાથે ઉત્સાહભેર મતદાન કરવા આવ્યા હતા. આ પ્રસંગે તેમણે સુરતની જનતાને વહેલી તકે મતદાન કરવા માટે અપીલ કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, પ્રવર્તમાન ગરમી હોવા છતાં નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ ઉત્સવને સફળ બનાવશે.
ઢોલ-નગારા સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યું મતદાન
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઠક્કરનગર વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં ઢોલ-નગારા અને સોસાયટીના 50 જેટલા લોકો સાથે ધામધૂમથી મતદાન કરવા પહોંચ્યા. તેમણે ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને વહેલી સવારે મતદાન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની 192 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતાં આજે 26 એપ્રિલ 2026ના રોજ બાકીની 190 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. શહેરના 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકીય ઉત્સાહ સાથે કુદરતી ગરમી પણ તેજ છે – આજે તાપમાન 44°C સુધી પહોંચવાની આગાહી છે. તેથી રાજકીય પક્ષોએ મતદારોને સવારે 10 વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ કરવાની અપીલ કરી છે.
ભરૂચમાં ચાલુ મતદાને લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી છે. તો જામનગરમાં EVM ખોટકાતા 1 કલાક મોડું મતદાન શરૂ થયું હતું. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના દાદી મતદાન કરવા પહોંચ્યા તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે કન્યા શાળામાં વરરાજાએ પહેલાં મતદાન કરી પોતાની ફરજ બજાવી ત્યારબાદ જાન પ્રસ્થાન કરી. મતદારોના ઉત્સાહ વચ્ચે અનેક જગ્યાએ EVM ખોટકાવાની ફરિયાદો પણ મળી છે.
---------
Gujarat Local Body Election Live Update: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. લોકો પોતાના સ્થાનિક પ્રશ્નોને વાંચા આપવા માટે સ્થાનિક ઉમેદવારને મત આપીને જીતાડવા મતદાન મથકો પર પહોંચી રહ્યાં છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચુકી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 44 ડિગ્રી ગરમીની વચ્ચે પણ લોકો વહેલી સવારથી મતદાન મથક પર ઉત્સાહ પૂર્વક પહોંચી રહ્યાં છે.
ગુજરાતની કુલ 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં પહેલાં 8 મહાનગરપાલિકાઓ હતી. જેમાં નવા સીમાંકન બાદ 9 નવી મનપા ઉમેરાતા હાલ કુલ 17 મનપા છે. આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે. જો કે ગરમી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના હોવાથી મતદારોને મતદાન બૂથ સુધી પહોંચાડવા રાજકીય પક્ષોએ દોડધામ કરવી પડશે. જાણો મતદાન અંગેની પળેપળની ખબર...






