Ahmedabad elections: અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની 192 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતાં આજે 26 એપ્રિલ 2026ના રોજ બાકીની 190 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. શહેરના 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકીય ઉત્સાહ સાથે કુદરતી ગરમી પણ તેજ છે – આજે તાપમાન 44°C સુધી પહોંચવાની આગાહી છે. તેથી રાજકીય પક્ષોએ મતદારોને સવારે 10 વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ કરવાની અપીલ કરી છે.
ઢોલ-નગારા સાથે જગદીશ વિશ્વકર્માનું ઐતિહાસિક આગમન
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઠક્કરનગર વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં ઢોલ-નગારા અને સોસાયટીના 50 જેટલા લોકો સાથે ધામધૂમથી મતદાન કરવા પહોંચ્યા. તેમણે ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને વહેલી સવારે મતદાન કરવા અપીલ કરી છે.
અગ્રણીઓએ પરિવાર સાથે કર્યું મતદાન
નવા વાડજ વોર્ડના ઉમેદવાર વિરાટ પુરોહિત પરિવાર સાથે મતદાન કર્યું.
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ (ઉસ્માનપુરાની એરોમા કોલેજમાં) પરિવાર સાથે મતદાન કરી વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું. તેમણે કહ્યું, “વિકાસ જે સરકારમાં થયો છે તેને મત આપ્યો છે. ગરમી વધારે હોવા છતાં લોકો વહેલા નીકળ્યા છે.”
પાલડીમાં ભાજપ ઉમેદવાર જૈનિક વકીલએ મતદાન કરી લોકોને અપીલ કરી.
દરિયાપુર વિધાનસભાના ભાજપ ધારાસભ્ય કૌશિક જૈન પરિવાર સાથે મતદાન કર્યું.
મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોનો જોરદાર ઉત્સાહ
વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી. મહિલાઓની મોટી સંખ્યા જોવા મળી, જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. વૃદ્ધોને પરિવારજનો હાથ પકડીને અને સહારો આપીને મતદાન મથકે લાવ્યા.
ફર્સ્ટ ટાઈમ વોટર્સે પણ પોતાના વાલી સાથે મતદાન કરી લોકતંત્રની ઉજવણી કરી.
દિવ્યાંગ વ્યક્તિઓએ પણ ઉત્સાહપૂર્વક મત આપ્યો.
આ પણ વાંચો: મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી : વોર્ડ નંબર 6 માં EVM બગડતા મતદારો લાલચોળ, સવાર-સવારમાં મતદારોને ભારે હાલાકી
ડોક્ટર્સ અને સામાન્ય નાગરિકોની પ્રતિક્રિયા
ડૉ. નિશી દવેએ કહ્યું, “મતદાન કરવું એ સૌની પ્રાથમિક ફરજ છે. શહેરના વિકાસ માટે આ જરૂરી છે. અમારા વિસ્તારમાં ઘણો વિકાસ થયો છે, હજુ વધુ રોડ-રસ્તા અને ગ્રોથની અપેક્ષા છે. તેથી વહેલી સવારે આવીને મતદાન કર્યું.”
આજે સમગ્ર અમદાવાદમાં વિકાસ અને લોકસેવાના મુદ્દે મતદાન ચાલી રહ્યું છે. ગરમી છતાં લોકોનો ઉત્સાહ દર્શાવે છે કે અમદાવાદના નાગરિકો લોકશાહીની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.
મતદાન સમય: સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી
પરિણામ: 28 એપ્રિલ 2026





