મહેસાણા: મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આજે વહેલી સવારથી લોકશાહીના મહાપર્વનો પ્રારંભ થયો છે. અંદાજે 1.73 લાખ મતદારો આજે શહેરના વિકાસ માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રતિનિધિઓ પસંદ કરવાના છે. વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ મતદાનના પ્રારંભિક કલાકોમાં જ ટેકનિકલ ખામીએ તંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી છે. શહેરના વોર્ડ નંબર 6 માં EVM મશીન બગડવાની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એકતરફ આકરી ગરમીની આગાહીને કારણે લોકો વહેલી સવારે મતદાન પતાવી લેવા માંગતા હતા, ત્યાં બીજી તરફ મશીન ખોટવાતા લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. અડધો કલાક સુધી મતદાન પ્રક્રિયા અટકી પડતા મતદાન મથક પર મતદારો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
વોર્ડ નંબર 6 ના બૂથ નંબર 8 પર મતદાન ઠપ્પ: 30 મિનિટ સુધી મતદારો અટવાયા
મહેસાણાના વોર્ડ નંબર 6 માં આવેલા બૂથ નંબર 8 પર સવારે 7 વાગ્યે જ્યારે મતદાન શરૂ કરવાનું હતું, ત્યારે જ EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. મશીન શરૂ ન થતા લાઈનમાં ઉભેલા મતદારો અકળાયા હતા. આશરે 30 મિનિટથી વધુ સમય સુધી મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્પ રહી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક એન્જિનિયરોને બોલાવી રિપેરીંગની કામગીરી હાથ ધરાઈ હતી. અડધો કલાકની જહેમત બાદ મશીન ફરી કાર્યરત થયું હતું, પરંતુ ત્યાં સુધીમાં અનેક મતદારોએ રોષ ઠાલવ્યો હતો.
આ પણ વાંચો: વોટ આપો અને મેળવો સસ્તું પેટ્રોલ! : ગુજરાતના આ શહેરમાં મતદાન નિશાન બતાવવા પર મળે છે પેટ્રોલ પર બમ્પર છૂટ
"6 વાગ્યાથી લાઈનમાં ઉભા છીએ, તંત્રની આવી તે કેવી તૈયારી?" - મતદારોનો આક્રોશ
બૂથ પર ઉભેલા શરદાબેન નામના એક મહિલા મતદારે વહીવટી તંત્ર પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, "અમે સવારે 6 વાગ્યાથી ઘરનું કામ છોડીને મતદાન કરવા આવ્યા છીએ. ઘણા લોકો 5 થી 10 કિલોમીટર દૂરથી આવે છે. જો મતદાન શરૂ થતા પહેલા જ મશીન ચેક કરવામાં આવ્યા હોત, તો અમારે આ હાલાકી ભોગવવી ન પડત." અનેક વડીલો અને મહિલાઓ સવારના આછા તડકામાં લાઈનમાં ઉભા રહીને મશીન શરૂ થવાની રાહ જોતા નજરે પડ્યા હતા.
શહેરના અન્ય વિસ્તારોમાં પાંખી હાજરી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વોર્ડ નંબર 6 ની આ ઘટનાને બાદ કરતા મહેસાણાના અન્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ છે. જોકે, વહેલી સવારે મોટાભાગના મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી. સંભવતઃ બપોરના સમયે ગરમી વધવાની હોવાથી લોકો ધીમે ધીમે મથકો તરફ વળી રહ્યા છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. તંત્રને આશા છે કે દિવસના બીજા ભાગમાં મતદાનની ટકાવારીમાં ઉછાળો આવશે.






