Home Gujarat Junagadh Lion Family Hunt Near Grofed Temple

જૂનાગઢમાં સિંહ પરિવારનો શિકાર : 13 સિંહે એક સાથે માણી મિજબાની

મીજબાની માણતા સિંહોની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 20, 2026, 07:21 AM IST

જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર એશિયાટિક સિંહોની હાજરી અને તેમની કુદરતી જીવનશૈલીનો અનોખો નજારો જોવા મળ્યો છે. ગ્રોફેડ વિસ્તાર નજીક આવેલા એક મંદિર પાસે સિંહ પરિવારે શિકાર કરી મારણની મિજબાની માણી હતી. આ ઘટનામાં કુલ 13 સિંહો એકસાથે જોવા મળ્યા હતા, જેમાં ત્રણ સિંહણ અને દસ સિંહબાળ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સિંહોના આટલા મોટા જૂથને એકસાથે શિકાર પર જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રોફેડ નજીકના વિસ્તારમાં મોડી રાત્રે સિંહ પરિવાર દ્વારા શિકાર કરવામાં આવ્યો હતો. શિકાર કર્યા બાદ સિંહો મારણની આસપાસ ભેગા થઈને ભોજન માણી રહ્યા હતા. મંદિર નજીક આ દૃશ્ય જોવા મળતાં સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી.

મંદિર નજીક સિંહોની હાજરીથી લોકોમાં ચિંતા

ઘટના મોડી રાત્રે બની હોવાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય અને સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા સિંહોના ટોળાની માહિતી તાત્કાલિક વન વિભાગ સુધી પહોંચાડવામાં આવી હતી. સિંહોની સંખ્યા વધુ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકો પણ સાવચેત રહ્યા હતા. વન વિભાગના અધિકારીઓને જાણ મળતાં જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને સિંહોની હિલચાલ પર નજર રાખી હતી.

આ પણ વાંચો: ડભોઈમાં પ્રેમલગ્નની અદાવતનો ખૂની ખેલ : 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસ્યું, પરિણીતાનું અપહરણ કરી પરિવારને લોહીલુહાણ કર્યો

10 સિંહબાળ અને 3 સિંહણનો અનોખો પરિવાર

વન વિભાગના પ્રાથમિક નિરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે મારણની આસપાસ કુલ 13 સિંહો હાજર હતા. તેમાં ત્રણ પુખ્ત સિંહણ અને દસ સિંહબાળનો સમાવેશ થતો હતો. સામાન્ય રીતે સિંહણો પોતાના બચ્ચાઓ સાથે શિકારની આસપાસ જોવા મળતી હોય છે, પરંતુ એકસાથે આટલી મોટી સંખ્યામાં સિંહબાળ જોવા મળતા આ ઘટના ખાસ મહત્વની બની હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી હવે નજીક? : જાણો ક્યારે જામશે રાજ્યમાં વરસાદી માહોલ

વન વિભાગે હાથ ધરી કાર્યવાહી

મોડી રાત્રે મળેલી જાણકારી બાદ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સિંહોની સુરક્ષા અને લોકોની સલામતી બંનેને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરી હતી. સિંહો મારણ પૂર્ણ કર્યા બાદ તેમની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. ત્યારબાદ તમામ સિંહોને સલામત રીતે જંગલ વિસ્તાર તરફ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ જરૂરી તકેદારી રાખી હતી અને કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી.

આ પણ વાંચો: અમદાવાદની 3 મોટી શાળાઓમાં ‘ડમી કલ્ચર’નો પર્દાફાશ : ગુજરાત બોર્ડે ફટકારી શો-કોઝ નોટિસ

સિંહોની વધતી સંખ્યા સફળ સંરક્ષણનું પરિણામ

જૂનાગઢ અને ગીર વિસ્તારમાં વારંવાર જોવા મળતી આવી ઘટનાઓ સિંહોની વધતી વસ્તીનું પ્રતિબિંબ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારે અને વન વિભાગે સિંહ સંરક્ષણ માટે કરેલા પ્રયાસોના પરિણામે એશિયાટિક સિંહોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now