Home Gujarat Vadodara Vadodara Ward 14 Voting Clash News

વડોદરામાં મતદાન મથક પર બાકાઝીકી! : ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે 'મોરે-મોરા'

વડોદરામાં ભાજપ-કોંગ્રેસની ઝપાઝપીના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Apr 26, 2026, 09:23 AM IST

વડોદરા શહેરના વોર્ડ નંબર 14 ખાતે મતદાન દરમિયાન નાની શાકમાર્કેટ વિસ્તાર આવેલ રમણલાલ શાહ પ્રાથમિક શાળાના મતદાન મથક પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાતા થોડીવાર માટે માહોલ ગરમાયો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવી જતા મતદાન કેન્દ્ર બહાર ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે ત્યાં ઉપસ્થિત મતદારોમાં પણ ગભરાટ ફેલાયો હતો.

ઘટના સમયે બંને પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા. મળતી માહિતી મુજબ, ઘટનાને લઈને વાતાવરણ વધુ તંગ બન્યું જ્યારે કેટલાક રાજકીય કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તરત જ પોલીસ તંત્ર સક્રિય બન્યું અને DCB, PCB તેમજ સ્થાનિક પોલીસનો ભારે કાફલો તૈનાત કરવામાં આવ્યો. પરિણામે મતદાન મથક આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
આ પણ વાંચો: Live Updates Gujarat Local Body Election 2026 : 44 ડિગ્રી તાપમાન વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બપોરના 2 વાગ્યા સુધીમાં સરેરાશ 38.51% મતદાન

ઉમેદવારો વચ્ચે આક્ષેપોની જંગ

આ ઘટનાને પગલે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે ગંભીર આક્ષેપોનો વરસાદ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટે ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડ પર સીધો હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના કાર્યકર્તાને મળવા માટે મતદાન મથકમાં ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. સાથે જ તેમણે ભાજપ ઉમેદવારની પૃષ્ઠભૂમિ અંગે પણ પ્રશ્નો ઊભા કરતા જણાવ્યું કે આવા તત્વોને ટિકિટ આપવી એ પાર્ટીની નીતિ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

તીર્થ બ્રહ્મભટ્ટે વધુમાં આરોપ મૂક્યો કે આ પ્રકારની હરકતો દ્વારા મતદારોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને મતદાનની પ્રક્રિયા પર અસર પાડવાનો પ્રયાસ છે. તેમણે મતદારોને નિર્ભય બનીને મતદાન કરવા અપીલ પણ કરી હતી.
બીજી તરફ ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કોંગ્રેસ પર જ પ્રતિકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે મતદાન મથક પર બોગસ વોટિંગ અને ગેરકાયદેસર કેમ્પેનિંગ ચાલી રહ્યું હતું. સાથે જ તેમણે આરોપ મૂક્યો કે કોંગ્રેસના કેટલાક નેતાઓ અન્ય વોર્ડના હોવા છતાં અહીં આવીને મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસનું સ્પષ્ટીકરણ: ‘હુમલો નહીં, સામાન્ય ધક્કામુક્કી’

ઘટનાને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા સત્તાવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. ઝોન-3ના ડીસીપી અભિષેક ગુપ્તાના જણાવ્યા અનુસાર, મતદાન દરમિયાન એક વ્યક્તિ વોટ આપી બહાર આવી રહ્યો હતો ત્યારે લાઈનના કારણે થોડી ધક્કામુક્કી થઈ હતી. આ દરમિયાન થોડા લોકો ભેગા થઈ જતા વાતાવરણ થોડીવાર માટે તંગ બન્યું હતું, પરંતુ કોઈપણ પ્રકારનો હુમલો થયો નથી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને મતદાન પ્રક્રિયા નિયમિત રીતે ચાલુ છે. સ્થળ પર ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને CISFના જવાનો તૈનાત છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

મતદાન પ્રક્રિયા પર અસર અને જાહેર પ્રતિક્રિયા

આવી ઘટનાઓ સામાન્ય રીતે મતદારોમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે, જે મતદાન ટકાવારી પર અસરકારક બની શકે છે. જોકે, પોલીસના દાવા મુજબ હાલ પરિસ્થિતિ શાંત છે અને મતદાન યથાવત ચાલી રહ્યું છે. સ્થાનિક નાગરિકો દ્વારા પણ શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now