Home Gujarat Jamnagar Municipal Corporation Property Owners Are Outraged As Tap Connections Of Those Who Do Not Pay Taxes Are Disconnecte

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ : વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 01:36 PM IST

Jamnagar News: શહેરમાં મિલકત વેરો અને પાણી વેરો બાકી હોય તેવા આસામીઓ સામે જામનગર મહાનગરપાલિકા (JMC) એ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતા મિલકતધારકોને પાઠ ભણાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકત શાખા દ્વારા સઘન વસૂલાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ગોકુલનગરમાં સર્જાયા દ્રશ્યો: 450 નળ કનેક્શન એકસાથે કાપવામાં આવ્યા

મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાજેતરમાં ગોકુલનગર વિસ્તારના મારુતિનગરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં લાંબા સમયથી વેરો બાકી હોવા છતાં ચૂકવણી ન કરનારા ધારકો સામે પગલાં લેતા, એકસાથે આશરે 450 જેટલા નળ કનેક્શનનો પાણી સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

40 જેટલી સોસાયટીઓ રડારમાં

મળતી માહિતી મુજબ, શહેરની અંદાજે 40 જેટલી સોસાયટીઓ એવી છે જ્યાં મિલકત વેરો અને પાણી વેરો મોટા પ્રમાણમાં બાકી બોલે છે. જામનગર શહેરમાં અંદાજે 4000થી વધુ મિલકતધારકો એવા છે જેમણે હજુ સુધી પાલિકાના લેણાં ચૂકવ્યા નથી.

મહાનગરપાલિકાની કડક ચેતવણી: મિલકત જપ્તીની પણ તૈયારી

પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર નળ કનેક્શન કાપવા સુધી જ આ કાર્યવાહી સીમિત નહીં રહે. જો આગામી દિવસોમાં બાકી વેરો ભરવામાં નહીં આવે, તો નળ કનેક્શન કાયમી ધોરણે બંધ કરવા, ડ્રેનેજ જોડાણો કાપી નાખવા, મિલકતોને સીલ મારીને જપ્ત કરવાની કાર્યવાહી કરવી.

અભિયાન ચાલુ રહેશે

મહાનગરપાલિકાની મિલકત શાખાના જણાવ્યા અનુસાર, આ અભિયાન માત્ર ગોકુલનગર પૂરતું મર્યાદિત નથી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં વેરો બાકી છે, ત્યાં આ પ્રકારે જ ટીમ દ્વારા સ્થળ પર જઈને કનેક્શન કાપવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કાયદાકીય કાર્યવાહી અને અગવડતાથી બચવા માટે પોતાનો બાકી વેરો તાત્કાલિક જમા કરાવી દેવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now