Home Gujarat Vadodara Jamnagar Baitha Bridge Youth Deadbody Found Investigation

વડોદરામાં વિકાસની કામગીરી ‘કાળ’ બની! : હરણી લેકઝોન પાસે વન-વે રસ્તા પર બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર, એકનું મોત

Vadodara News
Published by: Viral Patel
Last Updated: Apr 30, 2026, 12:53 PM IST

Vadodara News: સંસ્કારી નગરી વડોદરાના માર્ગો જાણે રક્તરંજિત બની રહ્યા હોય તેમ વધુ એક નિર્દોષ નાગરિકે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. શહેરના હરણી લેકઝોન વિસ્તારમાં શુક્રવારે બે કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વિકાસના કામોને કારણે રસ્તો એકતરફી હોવાથી સર્જાયેલા ટ્રાફિકના ભારણે આ ગમખ્વાર દુર્ઘટનાને નોતરી હોવાનું સામે આવ્યું છે.

સામસામે બે કાર વચ્ચે ધડાકાભેર ટક્કર

મળતી વિગતો અનુસાર, હરણી લેકઝોન તળાવ પાસે હાલમાં કોર્પોરેશન દ્વારા વિકાસના કાર્યો ચાલી રહ્યા છે, જેના કારણે માર્ગનો એક તરફનો હિસ્સો બંધ કરવામાં આવ્યો છે. વાહનોની અવરજવર માટે માત્ર એક જ સાઈડનો રસ્તો ખુલ્લો હોવાથી અહીં વાહનોનું ભારે દબાણ રહે છે. આ વન-વે રસ્તા પર સામસામે આવી ગયેલી બે કારો વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે કારના પતરાં ચીરાઈ ગયા હતા. ધડાકાનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: કફ સીરપના નામે નશાનો કાળો કારોબાર : 'હેમ કેર ફાર્મા'નું લાયસન્સ કાયમી રદ, 8530 બોટલનો સ્ટોક ગાયબ થતા તંત્રની લાલ આંખ

મધુરમ રેસીડેન્સીના રહીશે જીવ ગુમાવ્યો

આ અકસ્માતમાં સમા-સાવલી રોડ પર આવેલી મધુરમ રેસીડેન્સીમાં રહેતા ૫૮ વર્ષીય શિવાજી જાધવને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જનાર બીજી કારના ચાલક ગોરવા વિસ્તારની ઉદય પાર્ક સોસાયટીના ૪૮ વર્ષીય મુકેશ અગ્રવાલ હોવાનું ખૂલ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુકેશ અગ્રવાલની અટકાયત કરી કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.

તંત્રની બેદરકારી સામે જનતામાં રોષ

વિકાસના કામો લાંબા સમય સુધી ચાલતા હોવા છતાં યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ કે સાઈન બોર્ડના અભાવે આવા અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. હરણી લેકઝોન જેવી સતત અવરજવર વાળી જગ્યાએ વન-વે રસ્તા પર કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હરણી પોલીસે શિવાજી જાધવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો પર ઘાતકી હુમલો : જુનિયર ડોક્ટરોની હડતાળથી સેવાઓ ખોરવાઈ, માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ

આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે શું વિકાસની કિંમત નાગરિકોએ પોતાના જીવ આપીને ચૂકવવી પડશે?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now