મંગળવારે જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું. તેમણે જેનું કારણ સ્વાસ્થ્ય હોવાનું જણાવ્યું છે. જોકે સોમવારે રાત્રે અચાનક આવેલા આ રાજીનામાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વધી ગઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે ધનખડ મુલાકાત સમય લીધા વિના જ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ત્યારે અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જે પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેમની મુલાકાત ઉતાવળમાં ગોઠવવામાં આવી હતી. મીડિયા અહેવાલ મુજબ, રાત્રે 9 વાગ્યે એપોયમેન્ટ વિના જ આગમનથી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો. દરમિયાન એડીસી તાત્કાલિક લશ્કરી સચિવને ધનખડના રાષ્ટ્રપતિ ભવન આગમનની જાણ કરવા દોડી ગયા હતા. બાદમાં રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા બાદ, ધનખડે પોતાનું રાજીનામું સુપરત કર્યું અને આ માહિતી રાત્રે 9:25 વાગ્યે જાહેર કરવામાં આવી હતી.
ધનખડ ગૃહમાં હતા અને બેઠકોમાં હાજરી આપી રહ્યા હતા!
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનની અચાનક મુલાકાત અને રાજીનામું સોંપવાના કારણે ફરી અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. એવા અહેવાલો છે કે સોમવાર સવારથી બપોર સુધી ધનખડ ગૃહમાં હતા અને બેઠકોમાં હાજરી આપી રહ્યા હતા. ઉપરાંત કાર્યાલય પ્રેસ નિવેદનો દ્વારા તેમના રાજસ્થાન પ્રવાસ કાર્યક્રમની માહિતી આપી રહ્યું હતું. મોડી રાત્રે અચાનક, તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો.
આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ
અહેવાલ અનુસાર, મંગળવારે સૂત્રોએ સંકેત આપ્યો હતો કે જગદીપ ધનખડે રાજીનામું આપ્યા બાદ ચૂંટણી પંચ ટૂંક સમયમાં આગામી ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરશે. હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મંગળવારે ધનખડના રાજીનામાની સત્તાવાર સૂચના જારી કરીને તેમના અનુગામી માટે ચૂંટણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો, જેમાં નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે, ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરે છે. 'મતદાન માટે ચૂંટણી મંડળને બોલાવવાનું' જાહેરનામું જારી થયાના દિવસથી અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાના દિવસથી 30 દિવસનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી પાછા ફર્યા પછી નવા ઉપરાષ્ટ્રપતિની નામ સામે આવશે!
ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિના નામ અંગે રાજકીય ચર્ચા તેજ થવા લાગી છે. દરમિયાન શાસક પક્ષ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસ પરથી પાછા ફર્યા પછી જ નવા ઉપરાષ્ટ્રપતિનું નામ સામે આવશે.





