US Iran Deal: સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પ્રથમ તબક્કાની મંત્રણા પૂરી થયાના એક દિવસ બાદ બંને દેશોના સંબંધોમાં નરમાશના સંકેતો દેખાઈ રહ્યા છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાનને તેલની નિકાસ પર અસ્થાયી રાહત આપવાની જાહેરાત કરી છે. અમેરિકાએ 60 દિવસનું જનરલ લાયસન્સ જાહેર કર્યું છે, જેના હેઠળ 21 ઓગસ્ટ 2026 સુધી ઈરાની ક્રૂડ ઓઈલ (કાચું તેલ), પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ડિલિવરી અને વેચાણની મંજૂરી આપવામાં આવી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં નરમાશના સંકેતો મળ્યા છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે 60 દિવસ માટે ઈરાની તેલની નિકાસ પર અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ ઈરાને હોર્મુઝમાં જહાજોની અવરજવર અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ને પોતાના દેશમાં નિરીક્ષણ કરવાની મંજૂરી આપવા પર સહમતિ દર્શાવી છે.
અમેરિકી ટ્રેઝરી વિભાગે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ લાયસન્સ ઈરાનને તેના ક્રૂડ ઓઈલ, પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને પેટ્રોલિયમ ડેરિવેટિવ્ઝના વેચાણની મંજૂરી આપે છે. આ સાથે આ લાયસન્સના દાયરામાં અમેરિકામાં ઈરાની તેલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત કરવાની મંજૂરી પણ સામેલ છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે કાયમી શાંતિ કરારને લઈને વાતચીત ચાલી રહી છે.
પ્રથમ તબક્કાની મંત્રણામાં આ મુદ્દાઓ પર રહ્યું ફોકસ
બંને દેશો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં 21 જૂનના રોજ પ્રથમ તબક્કાની મંત્રણા સમાપ્ત થઈ, જેમાં યુદ્ધનો અંત લાવવા, ઈરાન પર લદાયેલા પ્રતિબંધોમાં રાહત અને ફ્રીઝ કરાયેલા ઈરાની ફંડને મુક્ત કરવા જેવા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, 'સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહેલી સકારાત્મક મંત્રણા હેઠળ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મુક્ત અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા તેમજ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના નિરીક્ષકોને પોતાના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવા પર સહમતિ દર્શાવી છે.'
ફરી બાંગ્લાદેશમાં 6 કલાક પછી શું થવાનું છે? : અનિચ્છનીય ઘટનાની આશંકાથી દેશભરમાં હાઈ એલર્ટ
તેમણે ઉમેર્યું કે આ જ સમજૂતી હેઠળ ટ્રેઝરી વિભાગે ઈરાની તેલના ઉત્પાદન, ડિલિવરી અને ગેસના વેચાણને અસ્થાયી રૂપે મંજૂરી આપતું 60 દિવસનું જનરલ લાયસન્સ જાહેર કર્યું છે. ગયા અઠવાડિયે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલા સમજૂતી પત્ર (MoU) અંતર્ગત અમેરિકા ઈરાની ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને તેની સાથે જોડાયેલા ડેરિવેટિવ્ઝની નિકાસ પર છૂટ આપવા માટે સહમત થયું હતું. આમાં બેંકિંગ ટ્રાન્ઝેક્શન (નાણાકીય લેવડદેવડ), વીમો અને પરિવહન જેવી સંબંધિત સેવાઓ પણ સામેલ છે.
MoUની બે શરતો પર US-ઈરાન વચ્ચે સહમતિ
જો કે, અમેરિકી ટ્રેઝરી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ લાયસન્સ ઉત્તર કોરિયા અને ક્યુબા સાથે જોડાયેલા કોઈ પણ વ્યવહાર પર લાગુ થશે નહીં, કારણ કે આ બંને દેશો હજી પણ અમેરિકી પ્રતિબંધોના દાયરામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ કરાર માટે જે MoU સાઇન થયા છે, તેમાં 14 મુખ્ય મુદ્દાઓ સામેલ છે. આ જ મુદ્દાઓ પર સહમતિ સાધવા માટે બંને દેશો સ્વિટ્ઝર્લેન્ડમાં મંત્રણા કરી રહ્યા છે, જેનો પ્રથમ તબક્કો 21 જૂને પૂરો થયો હતો. ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં છૂટછાટ અને હોર્મુઝમાંથી જહાજોની અવરોધ વિનાની અવરજવર સુનિશ્ચિત કરવી એ આ MoUની બે મુખ્ય શરતો હતી, જેના પર હાલ પૂરતી સહમતિ સધાઈ ગઈ છે.





