લંડન: બ્રિટનના વડાપ્રધાન Keir Starmerએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતાં બ્રિટિશ રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ મચી છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને ઐતિહાસિક જીત અપાવનાર સ્ટાર્મરે સતત વધી રહેલા આંતરિક વિરોધ અને પક્ષની અંદર નેતૃત્વ બદલવાની માંગ વચ્ચે આ નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
રાજીનામાની જાહેરાત દરમિયાન સ્ટાર્મર ભાવુક દેખાયા હતા. તેમણે જણાવ્યું કે દેશ અને પક્ષના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળતા રહેશે. લેબર પાર્ટીમાં નવા નેતાની પસંદગી માટેની પ્રક્રિયા આગામી અઠવાડિયામાં શરૂ થવાની શક્યતા છે અને સપ્ટેમ્બર સુધીમાં નવા વડાપ્રધાનની નિમણૂક થઈ શકે છે.
લેબર પાર્ટીમાં વધતો અસંતોષ બન્યો મુખ્ય કારણ
છેલ્લા કેટલાક મહિનાઓથી લેબર પાર્ટીના અનેક સાંસદો સ્ટાર્મરના નેતૃત્વથી અસંતુષ્ટ હોવાનું ખુલ્લેઆમ કહી રહ્યા હતા. સ્થાનિક ચૂંટણીમાં થયેલા નબળા પ્રદર્શન, ઘટતી લોકપ્રિયતા અને કેટલીક વિવાદાસ્પદ નીતિઓને કારણે તેમના પર દબાણ સતત વધી રહ્યું હતું. અહેવાલો મુજબ, અનેક કેબિનેટ મંત્રીઓએ પણ ખાનગી રીતે સ્ટાર્મરને પદ છોડવાની સલાહ આપી હતી.
તાજેતરમાં લેબર પાર્ટીના પ્રભાવશાળી નેતા અને પૂર્વ મેનચેસ્ટર મેયર Andy Burnham ફરીથી સંસદમાં પહોંચ્યા બાદ નેતૃત્વ બદલવાની માંગ વધુ મજબૂત બની હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે બર્નહમ હાલ સ્ટાર્મરના સંભવિત ઉત્તરાધિકારી તરીકે સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકીથી ભડક્યું ઈરાન : શાંતિ ચર્ચા વચ્ચે જ પ્રતિનિધિમંડળે સ્થળ છોડ્યું
બે વર્ષમાં જ સમાપ્ત થયું વડાપ્રધાન પદનું કાર્યકાળ
સ્ટાર્મરે જુલાઈ 2024માં લેબર પાર્ટીની ઐતિહાસિક જીત બાદ બ્રિટનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના નેતૃત્વ હેઠળ 14 વર્ષથી સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીનો અંત આવ્યો હતો. જોકે સત્તામાં આવ્યા બાદ જીવનજરૂરિયાતોના વધતા ખર્ચ, ઇમિગ્રેશન, આર્થિક પડકારો અને આંતરિક રાજકીય વિવાદો જેવા મુદ્દાઓએ તેમની સરકારને સતત ઘેરી રાખી હતી. તાજેતરના મહિનાઓમાં કેટલાક મંત્રીઓના રાજીનામા અને સરકારની નીતિઓ અંગે ઉઠેલા પ્રશ્નોએ પણ તેમની સ્થિતિ નબળી બનાવી હતી. રાજકીય સર્વેક્ષણોમાં લેબર પાર્ટીની લોકપ્રિયતા ઘટતી જોવા મળી રહી હતી, જેના કારણે આગામી સામાન્ય ચૂંટણીને લઈને પક્ષમાં ચિંતા વધી હતી.
બ્રિટનમાં રાજકીય અસ્થિરતાનો વધુ એક અધ્યાય
સ્ટાર્મરના રાજીનામા સાથે બ્રિટનમાં છેલ્લા એક દાયકામાં વડાપ્રધાન બદલાવાની શ્રેણીમાં વધુ એક નામ ઉમેરાયું છે. 2016ના બ્રેક્સિટ જનમત સંગ્રહ બાદ બ્રિટિશ રાજકારણમાં સતત અસ્થિરતા જોવા મળી છે. જો સપ્ટેમ્બર સુધીમાં નવા નેતાની પસંદગી થાય છે તો છેલ્લા 10 વર્ષમાં બ્રિટનને સાતમા વડાપ્રધાન મળશે.
હાલમાં સમગ્ર બ્રિટનની નજર લેબર પાર્ટીના આગામી નેતૃત્વ પર ટકેલી છે. આગામી થોડા અઠવાડિયામાં યોજાનારી નેતૃત્વ સ્પર્ધા માત્ર લેબર પાર્ટી માટે જ નહીં પરંતુ બ્રિટનના રાજકીય ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





