Iran USA War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે ખતરનાક વળાંક પર પહોંચ્યું છે. ઈરાને અમેરિકાના અત્યાધુનિક ફાઈટર જેટ્સ અને હેલિકોપ્ટરોને તોડી પાડ્યા હોવાના દાવા સાથે વોશિંગ્ટનથી તેલ અવીવ સુધી હડકંપ મચાવી દીધો છે. આ ઘટનાક્રમે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. મધ્ય પૂર્વના યુદ્ધના મેદાનમાં છેલ્લા 24 કલાક અમેરિકન સૈન્ય માટે ભારે નુકસાનકારક સાબિત થયા છે. ઈરાની સૈન્ય (IRGC) એ દાવો કર્યો છે કે તેમણે અમેરિકાના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ F-15E ને તોડી પાડ્યું છે અને તેના પાયલટને જીવતો પકડીને બંધક બનાવી લીધો છે. આટલું જ નહીં, ઈરાને અમેરિકાનું વધુ એક શક્તિશાળી A-10 વૉર્થોગ વૉરપ્લેન પણ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાએ અમેરિકન સૈન્યના મનોબળ પર મોટો પ્રહાર કર્યો છે, કારણ કે પકડાયેલો પાયલટ હવે ઈરાન માટે 'તુરુપનો એક્કો' બની ગયો છે.
આ નુકસાન માત્ર ફાઈટર જેટ્સ પૂરતું મર્યાદિત નથી. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, તોડી પાડવામાં આવેલા વિમાનોના રેસ્ક્યૂ ઓપરેશન માટે આવેલા અમેરિકાના બે બ્લેક હોક હેલિકોપ્ટરને પણ ઈરાને હુમલાની લપેટમાં લઈને નષ્ટ કરી દીધા છે. આ ઉપરાંત, અમેરિકાના વિશાળકાય CH-47 ચિનૂક હેલિકોપ્ટરને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે. ઈરાને સોશિયલ મીડિયા પર આ કાટમાળની તસવીરો અને વીડિયો જાહેર કરીને પોતાના દાવાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો: એક બ્રિજના બદલે હવે પાડોશી દેશોના 8 પુલ તોડશે ઈરાન? : અમેરિકાથી બદલો લેવા જાહેર કરી 'હિટ લિસ્ટ'
ઇઝરાયલે કેમ અચાનક હુમલા ટાળી દીધા?
શુક્રવારે એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં ઇઝરાયલે ઈરાન પર કરવાના હવાઈ હુમલાઓ 4 કલાક માટે સ્થગિત કરી દીધા હતા. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ નિર્ણય કોઈ ડરને કારણે નહીં, પરંતુ અમેરિકાના પાયલટોને બચાવવા માટે લેવામાં આવ્યો હતો. જો ઇઝરાયેલ તે વિસ્તારમાં બોમ્બમારો ચાલુ રાખત, તો અમેરિકાની સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમ (CSAR) માટે સર્ચ ઓપરેશન કરવું અશક્ય બની જાત. હાલ અમેરિકા અને ઇઝરાયેલની પ્રથમ પ્રાથમિકતા પાયલટોને જીવતા પાછા લાવવાની છે.
દુબઈમાં મિસાઈલનો કાટમાળ અને લેબેનોનમાં બ્રિજની તબાહી
યુદ્ધની આગ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) સુધી પહોંચી હોવાનું જણાય છે. દુબઈના આકાશમાં ઈન્ટરસેપ્ટર દ્વારા તોડી પાડવામાં આવેલી મિસાઈલો અને ડ્રોનનો કાટમાળ મરીના અને ઈન્ટરનેટ સિટી જેવા પ્રખ્યાત વિસ્તારોમાં પડ્યો હતો. જોકે, દુબઈ મીડિયા ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ, ઇઝરાયલે લેબેનોનમાં ભારે તબાહી મચાવી છે. ઇઝરાયલી વાયુસેનાએ લિતાની નદી પરના 7 પુલો બાદ હવે વધુ બે મહત્વના પુલો તોડી પાડ્યા છે. દક્ષિણ બેકા ખીણમાં આવેલા આ બ્રિજ તૂટવાથી નાગરિકોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર માઠી અસર પડી છે.
ઈઝરાયલની 'ડ્રોન ફેક્ટરી' પર ઈરાનનો મિસાઈલ એટેક
યુદ્ધના 35મા દિવસે ઈરાને ઈઝરાયેલને મોટો સૈન્ય ફટકો આપ્યો છે. ઈરાને પેતાહ ટિકવા શહેરમાં આવેલી ઈઝરાયેલી કંપની 'એરોસોલ' (AeroSol) ની ડ્રોન ફેક્ટરીને ચોક્કસ બેલેસ્ટિક મિસાઈલથી નિશાન બનાવી છે. આ ફેક્ટરી ઇઝરાયેલની સેના (IDF) માટે હાઈ-ટેક જાસૂસી ડ્રોન બનાવતી હતી. આ હુમલાથી ઇઝરાયેલની જાસૂસી અને ડ્રોન ઓપરેશન ક્ષમતાને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું મનાય છે.
ઈરાને જાહેર કર્યું મોટું ઈનામ
ઈરાની સરકાર અને IRGC એ દક્ષિણ ઈરાનમાં સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. ઈરાને સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે જે કોઈ પણ વ્યક્તિ 'દુશ્મન દેશ'ના પાયલટને જીવતો પકડવામાં મદદ કરશે તેને કિંમતી ઈનામ આપવામાં આવશે. હાલમાં અમેરિકા પણ C-130 વિમાન અને હેલિકોપ્ટરો દ્વારા પોતાના સૈનિકોને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યું છે.





