Home International Iran Claim Us F35 Fighter Jet Shot Down Pilot Captured

F-35ના પાયલટને ઈરાને ઝડપ્યો! : પ્લેન ક્રેશ થયા બાદ અમેરિકા રેસ્ક્યૂ પણ ન કરી શક્યું; ટ્રમ્પને મોટો ફટકો

પાયલટ પકડ્યાનો દાવો
Published by: Viral Patel
Last Updated: Apr 03, 2026, 02:10 PM IST

Middle East War: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સ્થિતિ સતત વણસી રહી છે. આ દરમિયાન એક મોટો દાવો સામે આવ્યો છે. ઈરાની સરકારી મીડિયા અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેમણે અમેરિકાના અત્યાધુનિક F-35 સ્ટીલ્થ ફાઈટર જેટને તોડી પાડ્યું છે અને તેના પાયલટની ધરપકડ કરી લીધી છે. અહેવાલો મુજબ, આ ઘટના ઈરાનના મધ્ય વિસ્તારમાં બની હતી, જ્યાં ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે આ વિમાનને નિશાન બનાવ્યું હતું. ઈરાની મીડિયાનું કહેવું છે કે વિમાન ક્રેશ થઈ ગયું અને પાયલટને જીવતો પકડી લેવામાં આવ્યો છે. જોકે, આ દાવાની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી.

ઈરાની મીડિયાએ શું કહ્યું?

ઈરાનની ન્યૂઝ એજન્સી 'તસનિમ' એ દાવો કર્યો છે કે પશ્ચિમ ઈરાનના કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતની આસપાસ IRGCની એડવાન્સ ડિફેન્સ સિસ્ટમે અમેરિકન ફાઈટર જેટ F-35ને નિશાન બનાવ્યું હતું. હુમલા બાદ પાયલટે પોતાને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને અમેરિકન સેનાએ પણ પોતાના પાયલટને ઈરાની ધરતીથી દૂર રાખવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ઈરાની સેનાએ તેને ઝડપી લીધો હતો. બીજી તરફ, અમેરિકા તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. અનેક આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં પણ આ બાબતે શંકા વ્યક્ત કરવામાં આવી છે કે શું ખરેખર F-35 જેવું આધુનિક અને સ્ટીલ્થ વિમાન તોડી પાડવામાં આવ્યું છે કે નહીં.

આ પણ વાંચો: Oracle બાદ Google-Meta સહિત 18 અમેરિકન કંપનીઓ ઈરાનના નિશાના પર! : જો હુમલો થશે તો શું થશે?

અમેરિકાએ શું કહ્યું?

ઈરાનના આ દાવા પર અમેરિકાનું નિવેદન પણ સામે આવ્યું છે. અમેરિકા દ્વારા ઈરાનના આ અહેવાલો અને દાવાઓનું ખંડન કરવામાં આવી રહ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલીવાર નથી જ્યારે ઈરાન દ્વારા અમેરિકન લડાકુ વિમાન તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ ઈરાન બે F-35 ફાઈટર જેટ્સ તોડી પાડવાનો દાવો કરી ચૂક્યું છે.

અગાઉ પણ ઈરાને કર્યા છે આવા દાવા

નિષ્ણાતોનું કહેવું છે કે F-35 દુનિયાના સૌથી એડવાન્સ ફાઈટર જેટ્સમાંનું એક છે, જેને રડારથી બચવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેને તોડી પાડવું સરળ હોતું નથી. ઈરાન જે ફાઈટર જેટને તોડી પાડવાનો દાવો કરી રહ્યું છે, તેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે અમેરિકાની સૌથી ઘાતક સિસ્ટમ ‘લેકનહીથ સ્ક્વોડ્રન’નો ભાગ હતું.

આ પણ વાંચો: ટ્રમ્પનો દાવો : 'ઈરાન સામેની જંગ અમે જીતી લીધી છે, હવે માત્ર ૨-૩ અઠવાડિયામાં ખેલ ખતમ!'

અહેવાલો મુજબ, ઈરાન પહેલા પણ દાવો કરી ચૂક્યું છે કે તેણે અમેરિકન F-35ને નિશાન બનાવ્યું હતું, પરંતુ તે સમયે વિમાન સુરક્ષિત લેન્ડ થઈ ગયું હતું અને પાયલટ બચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ સામે આવ્યું છે કે છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ઈરાને F-35 તોડી પાડવાનો દાવો કર્યો છે. પરંતુ હજુ સુધી આ દાવાઓની કોઈ નક્કર પુષ્ટિ થઈ શકી નથી.

F-35 કેમ મહત્વપૂર્ણ છે?

F-35 દુનિયાના સૌથી આધુનિક અને અદ્યતન સ્ટેલ્થ ફાઇટર જેટમાં ગણાય છે. અમેરિકાની કંપની Lockheed Martin દ્વારા બનાવવામાં આવેલા આ વિમાનને પાંચમી પેઢીનું ફાઇટર જેટ કહેવામાં આવે છે. આ વિમાનની કેટલીક મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે. સ્ટેલ્થ ટેક્નોલોજી, જેથી રડાર પર શોધવું મુશ્કેલ બને, અદ્યતન સેન્સર અને ડેટા સિસ્ટમ, હાઈ-ટેક હથિયાર પ્રણાલી અને બહુવિધ મિશન માટે ઉપયોગી ક્ષમતા

. F-35 અમેરિકાના સૈન્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને ઘણા NATO દેશો તેમજ અમેરિકાના સહયોગી દેશો પણ આ વિમાનનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: ઓઈલ વોર શરૂ? : ઈરાનના ગલ્ફ રિફાઈનરીઓ પર હુમલા અને અમેરિકાની ચેતવણીથી વૈશ્વિક તણાવ ચરમસીમાએ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now