Donald Trump on Iran War, 02 April 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને લઈને અત્યંત સ્ફોટક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં નિર્ણાયક જીત મેળવી લીધી છે અને હવે માત્ર 'મિશન પૂરું કરવાનું' બાકી છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો ઈરાન કોઈ સમજૂતી નહીં કરે, તો અમેરિકા તેને 'સ્ટોન એજ' એટલે કે પાષાણ યુગમાં મોકલી દેશે. ટ્રમ્પના આ નિવેદન બાદ વિશ્વભરના શેરબજારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં મોટી હલચલ જોવા મળી રહી છે.
ટ્રમ્પે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે, ઈરાનની મિસાઈલ બનાવવાની ક્ષમતા, ડ્રોન ટેકનોલોજી અને તેની નૌકાદળ (નેવી) ને અમેરિકી સેનાએ લગભગ નેસ્તનાબૂદ કરી દીધી છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે અને ત્યાંનું નવું નેતૃત્વ હવે અમેરિકાના કંટ્રોલમાં છે. નોંધનીય છે કે ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત નાસાના 'આર્ટેમિસ-2' મિશનની સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન આપીને કરી હતી, પરંતુ ત્યારબાદ તેમનું સંપૂર્ણ ધ્યાન મધ્ય-પૂર્વના યુદ્ધ પર કેન્દ્રિત રહ્યું હતું.
ઓપરેશન 'એપિક ફ્યુરી': 2-3 અઠવાડિયામાં મોટા હુમલાની ચેતવણી
ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકાનું 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) હજુ ચાલુ રહેશે. તેમણે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા અને ભયાનક હુમલા કરવાની ધમકી આપી છે. ટ્રમ્પના મતે, અમેરિકા પોતાના સૈન્ય લક્ષ્યોને હાંસલ કરવાની ખૂબ જ નજીક છે અને ટૂંક સમયમાં જ ઈરાનને સંપૂર્ણપણે ઘૂંટણિયે લાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, "અમે ટાર્ગેટ પૂરો કરવાની નજીક છીએ અને ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ તાકાત બનવા દઈશું નહીં."
આ પણ વાંચો: ઐતિહાસિક ક્ષણ : 4 અવકાશયાત્રીઓ ચંદ્રની સફરે રવાના, નાસાએ લોન્ચ કર્યું 'Artemis-II' મિશન
હોર્મુઝની સામુદ્રધુની: 'જેને તેલ જોઈએ તે રક્ષા કરે'
વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વની એવી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અંગે ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સાથી દેશોની ટીકા કરતા કહ્યું કે, અમેરિકા પોતાની તેલની જરૂરિયાતો માટે આ રસ્તા પર નિર્ભર નથી, તેથી તેને સુરક્ષિત રાખવાની કે ખોલવાની જવાબદારી અમેરિકા લેશે નહીં. જે દેશોને ત્યાંથી તેલની જરૂર છે, તેમણે જ તેની સુરક્ષાની જવાબદારી ઉઠાવવી પડશે. આ નિવેદનથી એશિયા અને યુરોપના દેશોમાં ચિંતા વધી ગઈ છે.
ઈરાન પર ગંભીર આરોપો: '45 હજાર લોકોની કરી હત્યા'
પોતાના સંબોધન દરમિયાન ટ્રમ્પે ઈરાની શાસન પર માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે જાન્યુઆરીમાં ઈરાનમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ત્યાંની સરકારે પોતાના જ 45,000 નાગરિકોની હત્યા કરી નાખી છે. જોકે, આ આંકડા અંગે કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ હજુ પુષ્ટિ કરી નથી, પરંતુ ટ્રમ્પે આ આંકડો જણાવીને ઈરાન પર દબાણ વધાર્યું છે.





