Home International Nasa Launches Artemis Ii Mission 4 Astronauts Set Off On Journey To Moon

ઐતિહાસિક ક્ષણ : 4 અવકાશયાત્રીઓ ચંદ્રની સફરે રવાના, નાસાએ લોન્ચ કર્યું 'Artemis-II' મિશન

NASA Moon Mission Artemis 2 Launch
Published by: Nirali Gohil
Last Updated: Apr 02, 2026, 05:05 AM IST

Artemis-2 Launch News, 02 April 2026: અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે ભારત સહિત સમગ્ર વિશ્વ એક અભૂતપૂર્વ ઘટનાનું સાક્ષી બન્યું છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) એ આજે 2 એપ્રિલના રોજ વહેલી સવારે 4:05 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી પોતાનું અત્યંત મહત્વકાંક્ષી 'આર્ટેમિસ-2' (Artemis-II) મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ મિશન દ્વારા વર્ષ 1972ના 'એપોલો-17' બાદ પ્રથમ વખત મનુષ્યો પૃથ્વીની નીચલી કક્ષા (LEO) ને છોડીને ચંદ્રની આટલી નજીક પહોંચશે.

આ મિશન માત્ર વિજ્ઞાનની સિદ્ધિ નથી, પરંતુ માનવ જીતનું પ્રતીક છે. શક્તિશાળી 'સ્પેસ લોન્ચ સિસ્ટમ' (SLS) રોકેટ અને ઓરિયન સ્પેસક્રાફ્ટમાં સવાર ચાર અવકાશયાત્રીઓ આગામી 10 દિવસ સુધી અવકાશમાં રહેશે, જ્યાં તેઓ ચંદ્રની પરિક્રમા કરીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરશે. લોન્ચિંગ સમયે કેનેડી સ્પેસ સેન્ટર પર હાજર હજારો લોકોની ભીડ હર્ષનાદ સાથે ઝૂમી ઉઠી હતી, કારણ કે આ મિશન ભવિષ્યમાં મનુષ્યોને ચંદ્ર પર કાયમી વસવાટ કરવા માટેનો પાયો નાખશે.

છેલ્લી ઘડીએ રોમાંચ: ખામી સુધારીને ભરી ઉડાન

લોન્ચિંગના બરાબર એક કલાક પહેલાં વૈજ્ઞાનિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, જ્યારે 'લોન્ચ એબોર્ટ સિસ્ટમ'માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ એ જ જીવનરક્ષક સિસ્ટમ છે જે કટોકટીના સમયે અવકાશયાત્રીઓને સુરક્ષિત બહાર કાઢે છે. જોકે, નાસાના કુશળ એન્જિનિયરોએ યુદ્ધના ધોરણે આ સમસ્યા ઉકેલી લીધી હતી. કાઉન્ટડાઉન 10 મિનિટ માટે રોકીને તમામ સેફ્ટી ચેક્સ પૂર્ણ કર્યા બાદ મિશનને 'ગો' સિગ્નલ મળ્યું હતું. કમાન્ડર રીડ વાઈઝમેને ઉડાન ભરતા પહેલાં ગર્વથી કહ્યું હતું કે, "અમે સમગ્ર માનવતા ખાતર જઈ રહ્યા છીએ."

આર્ટેમિસ-2ના 4 શૂરવીર યાત્રીઓ: કોણ છે આ ઐતિહાસિક ટીમના સભ્યો?

આ મિશનમાં સામેલ ચારેય અવકાશયાત્રીઓ પોતાની રીતે એક ઇતિહાસ રચી રહ્યા છે:

  1. રીડ વાઇઝમેન (કમાન્ડર): 50 વર્ષીય વાઇઝમેન યુએસ નેવીના ટેસ્ટ પાઇલટ છે. રસપ્રદ વાત એ છે કે ચંદ્ર સુધી જનારા આ કમાન્ડરને જમીન પર ઊંચાઈથી ડર લાગે છે!

  2. ક્રિસ્ટિના કોચ (મિશન સ્પેશિયાલિસ્ટ): 47 વર્ષીય ક્રિસ્ટિના ચંદ્રની નજીક પહોંચનારી વિશ્વની પ્રથમ મહિલા બનશે. તેમની પાસે અવકાશમાં સૌથી વધુ 328 દિવસ વિતાવવાનો રેકોર્ડ છે.

  3. જેરેમી હેન્સન (મિશન સ્પેશિયાલિસ્ટ): કેનેડાના પૂર્વ ફાઇટર પાઇલટ હેન્સન ચંદ્ર સુધી પહોંચનારા પ્રથમ બિન-અમેરિકન બનશે. તેઓ પોતાની સાથે કેનેડાનું પ્રખ્યાત મેપલ સિરપ લઈ ગયા છે.

  4. વિક્ટર ગ્લોવર (પાયલટ): 49 વર્ષીય ગ્લોવર ચંદ્રની આસપાસ પહોંચનારા પ્રથમ અશ્વેત વ્યક્તિ બનીને ઇતિહાસના પાનામાં સ્થાન મેળવશે.

મિશનનો મુખ્ય હેતુ: શું તપાસવા માંગે છે નાસા?

આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પેસક્રાફ્ટની 'લાઇફ સપોર્ટ સિસ્ટમ'નું પરીક્ષણ કરવાનો છે. નાસા એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ચંદ્રના અંતરિક્ષમાં મનુષ્યોના રહેવા માટે ઓરિયન કેપ્સ્યુલ કેટલી સુરક્ષિત અને અનુકૂળ છે. જોકે, આ વખતે યાત્રીઓ ચંદ્રની સપાટી પર ઉતરશે નહીં, પરંતુ ચંદ્રની પાછળના ભાગમાં જઈને તેની પરિક્રમા કરશે. આ ડેટાના આધારે 2028માં 'આર્ટેમિસ-4' દ્વારા માણસ ફરી એકવાર ચંદ્ર પર પગ મૂકશે.

આ પણ વાંચો: Indonesia Earthquake : ઇન્ડોનેશિયામાં પ્રચંડ ભૂકંપ, સુનામીની આશંકાએ આ 3 દેશોમાં હાઈ એલર્ટ

એપોલો વિરુદ્ધ આર્ટેમિસ: શું છે તફાવત?

70ના દાયકાના એપોલો મિશનનો હેતુ માત્ર રશિયા સાથેની 'સ્પેસ રેસ' જીતવાનો હતો. તેની સરખામણીએ આર્ટેમિસ પ્રોગ્રામ લાંબા ગાળાના આયોજન સાથે તૈયાર કરાયો છે. નાસા હવે ચંદ્ર પર એક કાયમી બેઝ સ્ટેશન બનાવવા માંગે છે. જો મનુષ્ય ચંદ્ર પર રહેતા શીખી જશે, તો ભવિષ્યમાં મંગળ (Mars) ગ્રહ પર જવાની માનવ કલ્પના સાકાર કરવી સરળ બનશે.

કેવી રીતે જોશો લાઇવ કવરેજ?

દુનિયાભરના વિજ્ઞાનપ્રેમીઓ માટે નાસાએ વિશેષ વ્યવસ્થા કરી છે. નાસાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને 'NASA+' પ્લેટફોર્મ પર આ મિશનનું 24/7 લાઇવ સ્ટ્રીમિંગ ચાલુ છે. અવકાશયાત્રીઓ જ્યારે ચંદ્રની નજીક પહોંચશે, ત્યારે ત્યાંથી હાઈ-ડેફિનેશન લાઇવ દૃશ્યો પણ પૃથ્વી પર મોકલવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now