Indonesia Earthquake News: કુદરતનો પ્રકોપ ફરી એકવાર દક્ષિણ-પૂર્વ એશિયા પર જોવા મળ્યો છે. ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયામાં સમુદ્રની અંદર 7.4ની તીવ્રતાનો અત્યંત વિનાશક ભૂકંપ આવતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા આ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. આ શક્તિશાળી આંચકા બાદ પ્રશાંત મહાસાગરના તટવર્તી વિસ્તારોમાં સુનામીનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે, જેને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને આંતરરાષ્ટ્રીય મોનિટરિંગ એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે, દરિયાની અંદર હલચલ તેજ થઈ ગઈ છે. અમેરિકાના સુનામી મોનિટરિંગ સેન્ટરે ચેતવણી આપી છે કે ભૂકંપના કેન્દ્રબિંદુથી આશરે 1,000 કિલોમીટરના વિસ્તારમાં સમુદ્રના મોજાં ઉછળી શકે છે અને કાંઠાના વિસ્તારોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
ભૂકંપનું કેન્દ્ર અને તીવ્રતા: શું કહે છે એક્સપર્ટ્સ?
USGS ના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે અને ઇન્ડોનેશિયાના સ્થાનિક સમય મુજબ સવારે 6:48 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મોલુક્કા સાગરમાં જમીનથી 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ કેન્દ્રબિંદુ ટર્નેટ નામના ટાપુની અત્યંત નજીક હોવાથી તે વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી છે. નિષ્ણાતોના મતે 7.0 થી વધુની તીવ્રતાનો ભૂકંપ દરિયામાં મોટા ફેરફારો લાવવા માટે સક્ષમ હોય છે.
સુનામીની ચેતવણી: 3 દેશોના દરિયાકાંઠે મોટું જોખમ
હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જાહેર કર્યું છે કે આગામી કલાકોમાં ઇન્ડોનેશિયા સહિત પાડોશી દેશોમાં દરિયાના મોજાં વિનાશ નોતરી શકે છે.
ઇન્ડોનેશિયા: સૌથી વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના.
ફિલિપાઈન્સ: દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના આદેશ.
મલેશિયા: દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ અને એલર્ટ. તંત્ર દ્વારા દરિયાકાંઠે રહેતા લોકોને ઊંચાઈવાળા વિસ્તારોમાં ખસી જવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: બંકર બસ્ટર બોમ્બનો ખતરનાક ખેલ : કેટલો ખર્ચ અને કેટલી તબાહી?
લોકોમાં ફફડાટ: મનાડો શહેરમાં અફરાતફરીના દ્રશ્યો
ઉત્તરી સુલાવેસી પ્રાંતનું મનાડો શહેર આ ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યું હતું. વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક પલંગ અને ઘરનો સામાન હલવા લાગતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર મળતી માહિતી મુજબ, લોકો જાન બચાવવા માટે અર્ધ-નિદ્રામાં જ રસ્તાઓ પર દોડી આવ્યા હતા. એક સ્થાનિક રહેવાસીએ ભયાનક અનુભવ જણાવતા કહ્યું, "આંચકા એટલા જોરદાર હતા કે મેં તરત જ મારા પરિવારને લીધો અને ઘરની બહાર નીકળી ગયો. નજીકની સ્કૂલના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પણ મેદાનમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયા હતા." હાલમાં આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે અને લોકો ફરી આંચકો આવવાના ડરથી ઘરોમાં જતા ગભરાઈ રહ્યા છે.
રિંગ ઓફ ફાયર પર સ્થિત હોવાથી વારંવાર આવે છે ભૂકંપ
ઇન્ડોનેશિયા પેસિફિક 'રિંગ ઓફ ફાયર' પર આવેલું હોવાથી અહીં ટેક્ટોનિક પ્લેટ્સની હિલચાલ વધુ રહે છે. જેના કારણે અહીં જ્વાળામુખી ફાટવા અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ વારંવાર આવતી રહે છે. અગાઉ પણ અહીં સુનામીને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે પ્રશાસન આ વખતે કોઈ પણ પ્રકારની ભૂલ કરવા માંગતું નથી.





