મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે હવે યુદ્ધનું સ્વરૂપ વધુ ભયાનક બની રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વખતે નિશાના પર મિસાઈલ કે સૈનિકો નથી, પરંતુ વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓ છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે UAEમાં Oracle ના ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે. જો આ વાત સાચી સાબિત થાય છે, તો તે સંકેત છે કે હવે 'ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' પણ યુદ્ધનો એક મહત્વનો ભાગ બની ગયું છે.
ઈરાનનો દાવો અને UAEનું મૌન
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ જણાવ્યું છે કે તેણે દુબઈમાં Oracle ના ડેટા સેન્ટરને નિશાન બનાવ્યું છે. જોકે, UAE તરફથી અત્યાર સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ કારણોસર સ્થિતિ થોડી અસ્પષ્ટ છે, પરંતુ આ દાવાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ચોક્કસપણે વધારી દીધી છે.
Oracle કેમ બન્યું ટાર્ગેટ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે Oracle ના અમેરિકાના સંરક્ષણ વિભાગ (Department of Defense) સાથે ગાઢ સંબંધો છે. આ ઉપરાંત, કંપનીના સ્થાપક લેરી એલિસનના ઈઝરાયેલ સાથે પણ સારા સંબંધો માનવામાં આવે છે. ઈરાન આ જ કારણોસર Oracle ને એક 'સોલિડ ટાર્ગેટ' માની રહ્યું છે અને તેને સીધી રીતે યુદ્ધ સાથે જોડાયેલું ગણાવી રહ્યું છે.
આ પણ વાંચો: ઓઈલ વોર શરૂ?: ઈરાનના ગલ્ફ રિફાઈનરીઓ પર હુમલા અને અમેરિકાની ચેતવણીથી વૈશ્વિક તણાવ ચરમસીમાએ
અમેરિકન ટેક કંપનીઓ પર વધતું જોખમ
ઈરાન પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે અમેરિકન ટેક કંપનીઓને ટાર્ગેટ બનાવી શકે છે. જેમાં Oracle ઉપરાંત Intel, Amazon, Meta, Microsoft, Apple અને Google જેવી મોટી કંપનીઓ સામેલ છે. હાલમાં Oracle ની સેવાઓમાં કોઈ મોટા નુકસાન કે આઉટેજ (સેવા ખોરવાઈ જવી) ના સમાચાર નથી અને કંપની તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
Amazon પર અગાઉના હુમલાના સંકેત
આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક એ છે કે Amazon Web Services (AWS) ના ડેટા સેન્ટર પર અગાઉ હુમલો થયો હોવાના અહેવાલો સામે આવી ચૂક્યા છે. બહેરીનમાં AWS ના ક્લાઉડ ઓપરેશનને નુકસાન થયું હતું, જેના કારણે ઘણી ડિજિટલ સેવાઓ પ્રભાવિત થઈ હતી. આ પહેલા પણ UAE અને બહેરીનમાં ડ્રોન હુમલાઓને કારણે અનેક ડેટા સેન્ટરો પ્રભાવિત થયા હતા.
18 અમેરિકન કંપનીઓ ઈરાનના નિશાના પર
ઈરાને તાજેતરમાં 18 અમેરિકન કંપનીઓને સીધી ચેતવણી આપી છે. જેમાં Apple, Microsoft, Google, Amazon, IBM અને Intel જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે. IRGC એ આ કંપનીઓને 'આતંકવાદી સંસ્થાઓ' સુધી ગણાવી દીધી છે અને કહ્યું છે કે તેમની ઓફિસો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થઈ શકે છે. એટલું જ નહીં, કર્મચારીઓને પણ ઓફિસ છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે.
શા માટે બદલાઈ રહી છે યુદ્ધની પદ્ધતિ?
ઈરાનનો આરોપ છે કે આ ટેક કંપનીઓ અમેરિકા અને ઈઝરાયેલની સૈન્ય અને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં મદદ કરી રહી છે. ખાસ કરીને Cloud, AI અને Data Infrastructure ને હવે ડિજિટલ હથિયાર તરીકે જોવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે જે ડેટા સેન્ટરો પહેલા માત્ર ટેકનોલોજીનો ભાગ હતા, તે હવે ધીરે ધીરે યુદ્ધના મેદાનમાં ફેરવાતા જોવા મળી રહ્યા છે.





