IPL 2026 Double Header : IPL 2026 માં આજે ક્રિકેટ પ્રેમીઓ માટે એક્શનથી ભરેલો દિવસ છે. ડબલ હેડર મેચોમાં પ્રથમ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે છે, જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ આમને-સામને આવશે. બંને મેચો પ્લેઓફ રેસને સીધી અસર કરશે, એટલે આજેનો દિવસ ટુર્નામેન્ટ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે.
પ્રથમ મેચ : RCB vs DC, બેંગલુરુમાં કોહલીની ટીમ ફેવરિટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હાલમાં IPL 2026 ની સૌથી સંતુલિત ટીમ તરીકે સામે આવી છે. ખાસ કરીને પોતાના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમ અજેય રહી છે અને આજે સતત ચોથી જીતનો પ્રયાસ કરશે. વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી હાલમાં બીજા નંબરે છે. પરંતુ આ વખતે RCB ની ખાસિયત એ છે કે, ટીમ માત્ર કોહલી પર નિર્ભર નથી. રજત પાટીદાર, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓ સતત યોગદાન આપી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ માટે સ્થિતિ વિપરીત છે. ટીમ પાસે કે. એલ રાહુલ, પથુમ નિસાંકા અને ડેવિડ મિલર જેવા એક્સપિરિયન્સ ખેલાડીઓ હોવા છતાં તેમનું પરફોર્મન્સ અયોગ્ય રહ્યું છે. યુવા સમીર રિઝવી એકલા જ લડત આપી રહ્યો છે, જ્યારે કેપ્ટન અક્ષર પટેલ અને કુલદીપ યાદવનું ફોર્મ પણ ચિંતાજનક છે. બેંગલુરુની પિચ બેટર્સ માટે અનુકૂળ હોવાથી આ મેચ હાઇ-સ્કોરિંગ બની શકે છે. જો DC બોલિંગમાં સુધારો નહીં કરે, તો મેચ એકતરફી બની શકે છે.
બીજી મેચ : SRH vs CSK, હૈદરાબાદમાં ટક્કર સમાન
દિવસની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળશે. બંને ટીમો હાલમાં જીતની લયમાં છે. SRH એ પોતાની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને આત્મવિશ્વાસ મેળવ્યો છે. હેનરિક ક્લાસેન 200+ રન સાથે ટીમ માટે સૌથી મોટો મૅચ-વિનર બની રહ્યો છે. યુવા બોલરો પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. CSK તરફથી સંજુ સેમસન બેટિંગમાં ચમકી રહ્યો છે, જ્યારે અંશુલ કંબોજ બોલિંગમાં વિકેટ લઈ રહ્યો છે. જોકે, એમ.એસ. ધોનીની ગેરહાજરી ટીમ માટે મોટું નુકસાન બની શકે છે. હેડ-ટુ-હેડમાં CSK આગળ છે, પરંતુ હૈદરાબાદના મેદાન પર SRH વધુ મજબૂત દેખાય છે. એટલે આ મેચ ખૂબ જ ક્લોઝ અને રોમાંચક બની શકે છે.
પિચ અને પરિસ્થિતિ : બંને મેચમાં રનવર્ષાની સંભાવના
બેંગલુરુ અને હૈદરાબાદ બંને મેદાનો બેટિંગ માટે જાણીતા છે. ચિન્નાસ્વામીમાં નાના બાઉન્ડરીને કારણે છગ્ગા-ચોગ્ગાની વરસાદ થાય છે, જ્યારે હૈદરાબાદમાં ફ્લેટ પિચ સાથે મોટા સ્કોર જોવા મળે છે. હવામાન પણ બંને શહેરોમાં મેચ માટે અનુકૂળ છે. વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, એટલે બંને મેચ સંપૂર્ણ જોવા મળશે.
આ પણ ખાસ વાંચો : ગુજરાતની જીતની હેટ્રિક : ગિલની શાનદાર 86 રનની ઇનિંગ્સ
કેમ આજનો દિવસ ખાસ છે?
આજનો ડબલ હેડર IPL 2026 ના પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે:
RCB જીતે તો ટોપમાં પોતાની સ્થિતિ મજબૂત કરશે.
DC માટે હારનો અર્થ વધુ દબાણ.
SRH જીતે તો ટોપ-4 માં પહોંચશે.
CSK માટે જીત જરૂરી છે ટેબલમાં આગળ વધવા.
એક દિવસમાં ચાર ટીમો માટે ભાગ્ય બદલવાની તક છે.
મેચ પર નજર રાખવા જેવા ખેલાડીઓ
વિરાટ કોહલી : સતત રન અને ઓરેન્જ કેપ
રજત પાટીદાર : પાવર હિટિંગમાં ટોચ પર
હેનરિક ક્લાસેન : SRH નો મિડલ ઓર્ડર હીરો
સંજુ સેમસન : CSK માટે મૅચ વિનર
અંશુલ કંબોજ : બોલિંગમાં સતત વિકેટ
RCB vs DC ની સંભવિત પ્લેઇંગ-12
RCB : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, અભિનંદન સિંહ. ઇમ્પેક્ટ પ્લેયર: વેંકટેશ અય્યર.
DC : કે. એલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતીશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી. નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર: સમીર રિઝવી.
CSK vs SRH ની સંભવિત પ્લેઇંગ-12
SRH : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા અને પ્રફુલ્લ હિંગે. ઈમ્પેક્ટ પ્લેયર: લિયામ લિવિંગસ્ટન.
CSK : સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહમદ, ગુરજપનીત સિંહ. ઇમ્પેક્ટ પ્લેયર: અકીલ હુસૈન.






